જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા હુમલા બાદ દુનિયાના મોટા ભાગના દેશો ભારત સાથે ઊભા રહ્યા હતા ત્યારે તુર્કી અને અઝરબૈજાને પાકિસ્તાનનું ઉપરાણું લેવાનું પસંદ કર્યું હતું. અઝરબૈજાને પાકિસ્તાન સામે ભારતની લશ્કરી કાર્યવાહીની નિંદા કરી હતી અને તુર્કીએ પણ ખુલ્લેઆમ પાકિસ્તાનને ટેકો આપ્યો હતો. આ પછી ભારતમાં સોશ્યલ મિડિયા પર ઘણાં લોકોએ અઝરબૈજાન અને તુર્કીનો બહિષ્કાર કરવાની વાત કરી હતી. તુર્કી છેલ્લાં ઘણાં વર્ષોથી કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાનનું સમર્થન કરી રહ્યું છે, પરંતુ પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે એક વખત સોવિયેત રશિયાનો ભાગ ગણાતા અઝરબૈજાને પાકિસ્તાનને કેમ સમર્થન આપ્યું?

અઝરબૈજાન દક્ષિણ કાકેશસ ક્ષેત્રમાં સ્થિત છે. તે ઈરાનની બાજુમાં આવેલું છે. સોવિયેત યુનિયનના વિઘટન પછી રચાયેલા દેશોમાં અઝરબૈજાન એક હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તાજેતરના સંઘર્ષ દરમિયાન અઝરબૈજાનના વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે અમે પાકિસ્તાનમાં થયેલા લશ્કરી હુમલાઓની નિંદા કરીએ છીએ જેમાં ઘણાં નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા અને ઘણા ઘાયલ થયા હતા. અઝરબૈજાન તુર્કીની ખૂબ નજીક છે. ત્યાં એવું પણ કહેવામાં આવે છે કે અઝરબૈજાન અને તુર્કી એક રાષ્ટ્ર, બે રાજ્યો છે. ક્યારેક આ વાત તુર્કી, અઝરબૈજાન અને પાકિસ્તાન માટે પણ કહેવામાં આવે છે. તુર્કી લાંબા સમયથી પાકિસ્તાનનું સમર્થક રહ્યું છે. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન અને તેમની જસ્ટિસ એન્ડ ડેવલપમેન્ટ પાર્ટી (AKP) એક પ્રકારના નરમ ઇસ્લામવાદને અનુસરે છે.
એર્દોગનનો પ્રભાવ વધતાં આમાં વધારો થયો છે. તુર્કીની પરંપરાગત નીતિ મુસ્તફા કમાલ અતાતુર્કની હતી, જેમાં તેમણે ધર્મને રાજ્યથી સંપૂર્ણપણે દૂર રાખ્યો અને તુર્કીને આધુનિક બનાવ્યું, પરંતુ ૮૦ વર્ષ પછી સામાન્ય લોકોની લાગણીઓ આ નીતિ સામે હતી. એર્દોગનના શાસન દરમિયાન લોકોનો ઇસ્લામ પ્રત્યેનો ઝુકાવ વધવા લાગ્યો. આ જ કારણ છે કે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને પ્રખ્યાત ઇમારત હાગિયા સોફિયા નામના પ્રાચીન સ્મારકને મસ્જિદમાં રૂપાંતરિત કર્યું. હાગિયા સોફિયા મ્યુઝિયમ મૂળ રૂપે છઠ્ઠી સદીમાં બાયઝેન્ટાઇન સમ્રાટ જસ્ટિનિયન દ્વારા બનાવવામાં આવેલું ચર્ચ હતું.
ભારતે હવે અઝરબૈજાનથી ક્રુડ ઓઇલની આયાત પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. આ પગલું મહત્ત્વપૂર્ણ છે, કારણ કે ભારત અઝરબૈજાનના તેલનો ત્રીજો સૌથી મોટો ખરીદનાર દેશ છે. હકીકતમાં બાકુ તેની કુલ નિકાસના ૯૮% નિકાસ એકલા ભારતમાં કરે છે. ભારતનો આ બહિષ્કાર અઝરબૈજાનના અર્થતંત્ર પર ગંભીર અસર કરી શકે છે. ભારતનો ક્રુડ ઓઇલ ખરીદવાનું બંધ કરવાનો નિર્ણય ફક્ત એક વ્યાપારિક નિર્ણય નથી, પરંતુ તે એક રાજદ્વારી સંકેત પણ હોઈ શકે છે. ભારતની આ કાર્યવાહીથી અઝરબૈજાનને મોટો આર્થિક ફટકો પડી શકે છે. કારણ કે ક્રુડ ઓઇલનું વેચાણ તેના અર્થતંત્રની કરોડરજ્જુ છે. ભારત જેવા મોટા ખરીદદારની પીછેહઠથી તેની કમાણીમાં ઘટાડો થશે અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેના વ્યાપારિક સંબંધો પર પણ અસર પડશે.
અઝરબૈજાન હાલમાં તેના પડોશી દેશ આર્મેનિયા સામે પણ લડી રહ્યું છે. આ બંને દેશો દક્ષિણ કાકેશસ ક્ષેત્રમાં સ્થિત છે જે પૂર્વી યુરોપ અને એશિયાનો પર્વતીય પ્રદેશ છે. એક તરફ કાળો સમુદ્ર છે અને બીજી તરફ કેસ્પિયન સમુદ્ર છે. અઝરબૈજાનની વસ્તી લગભગ ૧ કરોડની છે, જેમાંથી મોટા ભાગના મુસ્લિમો છે. આર્મેનિયાની વસ્તી લગભગ ૩૦ લાખ છે, જેમાં ખ્રિસ્તીઓ બહુમતી ધરાવે છે. અઝરબૈજાનના તુર્કીયે સાથે ગાઢ સંબંધો છે અને આર્મેનિયાના રશિયા સાથે ગાઢ સંબંધો છે. જો કે, રશિયાના અઝરબૈજાન સાથે પણ સારા સંબંધો છે.
સોવિયેત યુનિયનના વિઘટન પહેલાં આ બંને દેશો સોવિયેત યુનિયનમાં હતા. ૧૯૨૩ માં સોવિયેત સંઘે આર્મેનિયન બહુમતી ધરાવતા નાગોર્નો-કારાબાખ પ્રદેશને પોતાના કબજામાં લઈ લીધો અને સ્વતંત્ર અઝરબૈજાન પ્રજાસત્તાક બન્યું. આ વિવાદના કેન્દ્રમાં નાગોર્નો-કારાબાખ પ્રદેશ છે, જ્યાં વંશીય આર્મેનિયનોએ ૧૯૮૮ માં આર્મેનિયન શાસનની માંગણી સાથે વિરોધ શરૂ કર્યો હતો. આનાથી આ પ્રદેશમાં વંશીય હિંસાનો સમયગાળો શરૂ થયો, જે સોવિયેત યુનિયનના વિસર્જન સાથે અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચે સંપૂર્ણ યુદ્ધમાં પરિણમ્યો. આ પછી ૧૯૯૩ સુધીમાં આર્મેનિયાએ નાગોર્નો-કારાબાખ સહિત અઝરબૈજાનના વિશાળ વિસ્તાર પર કબજો કરી લીધો. ૧૯૯૪માં રશિયાની મધ્યસ્થી બાદ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ પર હસ્તાક્ષર થયા હતા.
આ પછી વર્ષ ૨૦૨૦ માં આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે ફરી એક વાર યુદ્ધ શરૂ થયું. આ વખતે મુસ્લિમોની બહુમતી ધરાવતા અઝરબૈજાનને તુર્કીએનો ટેકો હતો. આ યુદ્ધમાં અઝરબૈજાને નાગોર્નો-કારાબાખના મોટા ભાગના ભાગ પર ફરીથી નિયંત્રણ મેળવ્યું. રશિયાની મધ્યસ્થી પછી આર્મેનિયાએ આ પ્રદેશમાંથી તેના લશ્કરી સૈનિકો પાછા ખેંચી લીધા. યુદ્ધવિરામની શરતોનું પાલન સુનિશ્ચિત કરવા માટે રશિયાએ લગભગ બે હજાર શાંતિરક્ષકોને આ પ્રદેશમાં મોકલ્યા. આ સંઘર્ષમાં પણ ૬,૬૦૦ થી વધુ લોકો માર્યા ગયાં હતાં. આ વિવાદના ઉકેલ માટે બંને દેશોના નેતાઓએ ઘણી બેઠકો યોજી છે, પરંતુ હજુ સુધી સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.
છેલ્લા કેટલાક દિવસોમાં આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે એક નવો સંઘર્ષ શરૂ થયો છે, જે સંપૂર્ણ યુદ્ધમાં ફેરવાય તેવી આશંકા છે. આર્મેનિયાનો દાવો છે કે આ સંઘર્ષ અઝરબૈજાન દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો, કારણ કે તે નાગોર્નો-કારાબાખના મુદ્દા પર વાટાઘાટો કરવા માંગતું નથી. અઝરબૈજાન કહે છે કે પહેલો હુમલો આર્મેનિયા દ્વારા કરવામાં આવ્યો હતો. અઝરબૈજાને આર્મેનિયા પર સરહદ પર ગુપ્તચર પ્રવૃત્તિઓ ચલાવવાનો અને લશ્કરી થાણાંઓને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો છે. વિશ્વના મુખ્ય દેશો આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે યુદ્ધની શક્યતાથી ચિંતિત છે, કારણ કે આ ક્ષેત્રમાં યુક્રેન અને રશિયા વચ્ચે પહેલાંથી જ યુદ્ધ ચાલી રહ્યું છે. આર્મેનિયા-અઝરબૈજાન વચ્ચેનું યુદ્ધ રશિયા અને તુર્કી જેવી શક્તિઓને પણ ઉશ્કેરી શકે છે.
સોવિયેત યુનિયનના વિસર્જન પછી ભારતે અઝરબૈજાન અને આર્મેનિયાને પણ માન્યતા આપી હતી, પરંતુ અઝરબૈજાન દ્વારા પાકિસ્તાનને ટેકો અપાયા બાદ ભારત સાથેના તેના જૂના સંબંધોની ફેરવિચારણા કરવા બાબતમાં પણ ચર્ચા થઈ રહી છે. અઝરબૈજાનના બાકુમાં ભારતીય દૂતાવાસ કહે છે કે તાજેતરનાં વર્ષોમાં ભારત અને અઝરબૈજાન વચ્ચે દ્વિપક્ષીય વેપારમાં વધારો થયો છે. ભારત અને અઝરબૈજાન વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર ૨૦૦૫માં ૫ કરોડ ડોલર હતો અને ૨૦૨૩ સુધીમાં તે વધીને ૧.૪૩૫ અબજ ડોલર થવાનો અંદાજ છે.
હાલમાં ભારત અઝરબૈજાનનો સાતમો સૌથી મોટો વેપારી ભાગીદાર છે. વર્ષ ૨૦૨૩ માં અઝરબૈજાને ભારતને ૧.૨૩૫ અબજ ડોલરના માલની નિકાસ કરી હતી, જ્યારે ભારતે અઝરબૈજાનને ૨૦ કરોડ ડોલરના માલની નિકાસ કરી હતી. ભારત અને અઝરબૈજાન વચ્ચે દ્વિપક્ષીય વેપારની દૃષ્ટિએ અઝરબૈજાન ફાયદામાં છે. વર્ષ ૨૦૨૩ માં ભારતમાંથી ૧ લાખ ૧૫ હજારથી વધુ પ્રવાસીઓએ અઝરબૈજાનની મુલાકાત લીધી હતી. ભારતનાં લોકોના ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશનમાં અઝરબૈજાનનો પણ સમાવેશ થાય છે. અઝરબૈજાનમાં ભારતીય સમુદાયનાં લોકોની સંખ્યા દોઢ હજારથી વધુ છે. ભારત અને અઝરબૈજાન વચ્ચે દ્વિપક્ષીય વેપાર અને પર્યટન પર પણ ચર્ચા થઈ રહી છે, કારણ કે ભારતનાં ઘણાં પર્યટકોએ અઝરબૈજાનની ટુરો કેન્સલ કરી છે.
કોંગ્રેસ અને ભાજપ વચ્ચે અઝરબૈજાન સાથે વેપાર અને પર્યટનના બહિષ્કાર અંગે નિવેદનબાજી ચાલી રહી છે. કોંગ્રેસે ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાના નિવેદન પર વળતો પ્રહાર કર્યો હતો, જેમાં માલવિયાએ કહ્યું હતું કે આતંકવાદી રાષ્ટ્ર પાકિસ્તાનને તુર્કી અને અઝરબૈજાન દ્વારા આપવામાં આવેલા સમર્થનથી આખો દેશ ગુસ્સે છે. આ દેશો સાથે વેપાર અને પર્યટનનો બહિષ્કાર કરવાની માંગણી વધી રહી છે. કોંગ્રેસ પાર્ટી લોકોની વ્યાપક ભાવના સાથે પોતાને જોડી શકતી નથી. આના જવાબમાં કોંગ્રેસના નેતા પવન ખેરાએ કહ્યું હતું કે કોઈ પણ દેશ સાથે સંબંધો રાખવા કે ન રાખવા તેનો નિર્ણય સરકારે લેવાનો છે, વિપક્ષે નહીં.