Sports

માત્ર 2 રનમાં આખી ટીમ ઓલઆઉટ, 8 બેટ્સમેન 0 પર આઉટ થયા, 424 રનથી હારનો સામનો કરવો પડ્યો

ક્રિકેટના મેદાન પર ઘણી વખત એવી ઘટનાઓ બનતી હોય છે જે ચાહકોને ચોંકાવી દે છે. હવે જો કોઈ ટીમ 2 રન પર ઓલઆઉટ થઈ જાય, તો શું કહી શકાય. આ આશ્ચર્યજનક ઘટના ઈંગ્લેન્ડમાં ચાલી રહેલી મિડલસેક્સ કાઉન્ટી ક્રિકેટ લીગમાં બની હતી. આ લીગના થર્ડ સ્ટેજના વિભાગની મેચ નોર્થ લંડન સીસી અને રિચમંડ સીસી મિડએક્સ વચ્ચે રમાઈ હતી.

આ મેચમાં રિચમંડ સીસી મિડેક્સની ટીમ ફક્ત 34 બોલનો સામનો જ કરી શકી હતી. તેની આખી ટીમ 2 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમના આઠ બેટ્સમેન ખાતું પણ ખોલાવી શક્યા નહીં. તેઓ ઝીરો પર આઉટ થયા. બેટ્સમેનોના શરમજનક પ્રદર્શનને કારણે રિચમંડ સીસી મિડેક્સની ટીમને આ મેચમાં 424 રનથી હારનો સામનો કરવો પડ્યો.

આ મેચમાં રિચમંડ સીસી મિડડેક્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય આત્મઘાતી સાબિત થયો હતો. નોર્થ લંડન સીસીએ 45 ઓવરમાં 6 વિકેટે 426 રન બનાવ્યા હતા. ડેન સિમોન્સે સૌથી વધુ 140 રન બનાવ્યા. જ્યારે જેક લેવિથે 43 રન અને નેવિલ અબ્રાહમે 42 રનનું યોગદાન આપ્યું હતું.

ફર્સ્ટ ક્લાસમાં સૌથી ઓછો સ્કોર: ફર્સ્ટ ક્લાસમાં સૌથી ઓછો સ્કોર કરવાનો રેકોર્ડ ધ બીએસ ટીમના નામે છે. તેમણે 1810માં ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સમાં એક અનિચ્છનીય રેકોર્ડ બનાવ્યો હતો. બીએસ ટીમ ફક્ત 6 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ શરમજનક રેકોર્ડ હજુ પણ ફર્સ્ટ ક્લાસમાં અકબંધ છે.

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછો સ્કોર: ન્યુઝીલેન્ડની ટીમે ટેસ્ટ ક્રિકેટમાં એક ઇનિંગમાં સૌથી ઓછા રન બનાવવાનો શરમજનક રેકોર્ડ બનાવ્યો છે. 1955માં ઓકલેન્ડના મેદાન પર ઇંગ્લેન્ડ સામે કિવી ટીમ માત્ર 26 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યુઝીલેન્ડનો આ શરમજનક રેકોર્ડ હજુ પણ અકબંધ છે.

ODI આંતરરાષ્ટ્રીયમાં સૌથી ઓછો સ્કોર: ઝિમ્બાબ્વે અને યુએસએ ODI આંતરરાષ્ટ્રીયમાં સૌથી ઓછો સ્કોરનો રેકોર્ડ ધરાવે છે. એપ્રિલ 2004માં ઝિમ્બાબ્વેએ શ્રીલંકા સામે 35 રન બનાવ્યા હતા. જ્યારે ફેબ્રુઆરી 2020માં, યુએસએ ટીમ નેપાળ સામે 35 રનમાં હારીને આઉટ થઈ ગઈ હતી.

ટી20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી ઓછો સ્કોર: ટી20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી ઓછો સ્કોર બનાવવાનો રેકોર્ડ આઇવરી કોસ્ટના નામે છે. તેમણે નવેમ્બર 2024માં અબુજામાં નાઇજીરીયા સામે આ સિદ્ધિ મેળવી હતી. ત્યારબાદ આઇવરી કોસ્ટની ટીમ માત્ર 7.3 ઓવરમાં 7 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

Most Popular

To Top