મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં સતત વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ મુંબઈ અને તેના ઉપનગરો માટે ઓરેન્જ અને રેડ એલર્ટ જારી કર્યું છે, જેમાં આગામી ત્રણથી ચાર કલાકમાં ભારે વરસાદ અને ભારે પવન ફૂંકવાની ચેતવણી આપવામાં આવી છે.
સવારે 10 વાગ્યાની આસપાસ વરસાદની તીવ્રતા ઓછી થઈ છે પરંતુ આકાશ વાદળછાયું રહ્યું. મે મહિનામાં મુંબઈમાં પડેલા વરસાદે 107 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનમાં પાણી ભરાયા
મુંબઈ અંડરગ્રાઉન્ડ મેટ્રો હાલમાં વરલીથી આરે કોલોની સુધી ચાલે છે. પાણી ભરાઈ જવાને કારણે ભૂગર્ભ મેટ્રો ટ્રેનો હવે ગ્લેક્સો સ્ટેશનથી આરે કોલોની સુધી દોડી રહી છે, જે વર્લીથી એક સ્ટેશન આગળ છે. મુંબઈ મેટ્રો દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ટેકનિકલ સમસ્યાઓના કારણે મેટ્રો લાઇન 3 પર ટ્રેન સેવાઓ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે અને હવે તે આચાર્ય અત્રે ચોકને બદલે ફક્ત વર્લી સ્ટેશન સુધી જ દોડશે.
મુંબઈમાં રેડએલર્ટ
હવામાન વિભાગે આજે મુંબઈ, થાણે અને રાયગઢ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. મળેલી માહિતી અનુસાર મંગળવારે શહેરમાં યલો એલર્ટ રહેશે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે, દક્ષિણપશ્ચિમ ચોમાસું આજે 26 મેના રોજ મુંબઈ પહોંચી ગયું છે, જ્યારે સામાન્ય ચોમાસુ 11 જૂને મુંબઈ પહોંચશે. આમ ચોમાસુ સામાન્ય કરતાં 16 દિવસ વહેલું મુંબઈ પહોંચી ગયું છે. આ 2001-2025ના સમયગાળા દરમિયાન મુંબઈમાં ચોમાસાનું સૌથી વહેલું આગમન છે.

નરીમાન પોઈન્ટ ફાયર સ્ટેશન વિસ્તારમાં સૌથી વધુ વરસાદ
બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) અનુસાર શહેરમાં સૌથી વધુ વરસાદ નરીમાન પોઈન્ટ ફાયર સ્ટેશન (104 મીમી) ખાતે નોંધાયો હતો. ત્યારબાદ એ વોર્ડ ઓફિસ (86 મીમી), કોલાબા પમ્પિંગ સ્ટેશન (83 મીમી) અને મ્યુનિસિપલ કોર્પોરેશન હેડક્વાર્ટર (80 મીમી)નો ક્રમ આવે છે. શહેરમાં છેલ્લાં ઘણા દિવસોથી વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને વાહનવ્યવહાર અટકી ગયો છે. ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.
ટ્રેન-ફ્લાઈટના શિડ્યુલ ખોરવાયા
ગઈકાલે રવિવાર અને આજે સોમવારે દાદર, પરેલ, કુર્લાના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદની અસર જોવા મળી હતી. વરસાદને કારણે ટ્રેન અને ફ્લાઇટના શિડ્યુલ પર અસર પડી છે. 25 મેના રોજ સવારે 8 વાગ્યાથી 26 મેના રોજ સવારે 8 વાગ્યા સુધીમાં શહેરમાં 58 મીમી વરસાદ નોંધાયો હતો, જેમાં પૂર્વીય ઉપનગરોમાં 19 મીમી અને પશ્ચિમી ઉપનગરોમાં 15 મીમી વરસાદ નોંધાયો હતો.
હવાઈ મુસાફરી માટે ગાઈડલાઈન
વરસાદને કારણે ફ્લાઇટ સેવાઓ પૂરી પાડતી કંપનીઓએ ગ્રાહકો માટે ગાઈડલાઈન જારી કરી છે. સ્પાઇસજેટે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, મુંબઈમાં ખરાબ હવામાન (ભારે વરસાદ)ને કારણે બધી પ્રસ્થાન/આગમન અને તેમની ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ શકે છે. મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ http://spicejet.com/#status દ્વારા તેમની ફ્લાઇટ સ્ટેટસ તપાસતા રહે.
આ ઉપરાંત એર ઇન્ડિયાએ પણ માર્ગદર્શિકા જારી કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, વરસાદ અને વાવાઝોડાને કારણે મુંબઈમાં ફ્લાઇટ ઓપરેશન પ્રભાવિત થઈ રહી છે. મુસાફરીના અનુભવને સરળ બનાવવા માટે અમે અમારા મુસાફરોને એરપોર્ટ જતા પહેલા તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ.
વરસાદથી રેલ વ્યવહાર પ્રભાવિત
મુંબઈમાં સતત વરસાદને કારણે રેલ્વે ટ્રેક પર ભારે પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે લોકલ ટ્રેન સેવાઓ મોડી પડી હતી. ટ્રેનો તેમના નિર્ધારિત સમય કરતાં પાંચથી દસ મિનિટ મોડી ચાલી રહી છે. એજન્સીના જણાવ્યા અનુસાર, અધિકારીઓએ જણાવ્યું હતું કે, થોડા કલાકો સુધી સતત વરસાદને કારણે, મુંબઈના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને રેલ્વે ટ્રેક પણ પ્રભાવિત થયા હતા, જેના કારણે સોમવારે સવારે રોડ ટ્રાફિક અને લોકલ ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ હતી.
થાણેથી સીએસટી જતી ફાસ્ટ લોકલ ટ્રેન 40 મિનિટ મોડી ચાલી રહી છે. થાણેથી કલ્યાણ સુધીની ઝડપી અને ધીમી લોકલ ટ્રેનો 15 મિનિટ મોડી ચાલી રહી છે. થાણે રેલ્વે સ્ટેશન પર કેટલાક સૂચકાંકોમાં ખામી હોવાને કારણે રેલ્વે મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે, મસ્જિદ, ભાયખલા, દાદર, માટુંગા અને બદલાપુર રેલ્વે સ્ટેશનો પર મધ્ય રેલ્વે નેટવર્કના ટ્રેક પાણીમાં ડૂબી ગયા હતા, જેના કારણે સવારના પીક અવર્સ દરમિયાન ટ્રેનોની અવરજવર ધીમી પડી ગઈ હતી.
મુસાફરોએ ફરિયાદ કરી હતી કે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ તરફ જતી ટ્રેનો મોડી ચાલી રહી છે. જોકે, પશ્ચિમ રેલવેએ દાવો કર્યો હતો કે તેના ટ્રેક પર કોઈ પાણી ભરાયું નથી અને ટ્રેનો તેના કોરિડોર પર સામાન્ય રીતે ચાલી રહી છે. મુસાફરોએ થોડો વિલંબ થવાની ફરિયાદ કરી છે. કિંગ્સ સર્કલ, મંત્રાલય, દાદર ટીટી પૂર્વ, પરેલ ટીટી, કાલાચોકી, ચિંચપોકલી અને દાદર સ્ટેશન સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને વાહનોની અવરજવર પર અસર પડી હતી.