Columns

ગોલ્ડન ડોમ સંરક્ષણ સિસ્ટમ પાછળ અમેરિકા ૧૭૫ અબજ ડોલરનો ખર્ચ કરશે

આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં જેટલી ઝડપે યુદ્ધ કરવાનાં શસ્ત્રો આધુનિક બની રહ્યાં છે તેટલી ઝડપે સંરક્ષણ પ્રણાલી પણ બદલવી પડે છે. જો કોઈ દેશ તેની પાછળ કરોડો ડોલરનો ખર્ચો કરવા તૈયાર ન થાય તો તેની સુરક્ષા ઉપર મોટો ખતરો પેદા થાય છે. રામાયણ અને મહાભારતના કાળમાં ભાલા અને તલવારો તથા ધનુષ્ય-બાણ વડે યુદ્ધો લડવામાં આવતાં હતાં. દારૂગોળાની શોધ સાથે યુદ્ધકળામાં ક્રાંતિ આવી હતી. જેમની પાસે વધુ વિસ્ફોટક દારૂગોળો હોય તેઓ તોપો વડે દુશ્મન સૈન્ય પર બોમ્બ ફેંકીને યુદ્ધ જીતી જતા હતા. વિમાનની શોધ સાથે બોમ્બ ફેંકવા માટે વધુ સંહારક સાધન હાથમાં આવ્યું. વિમાન વડે હવાઈ હુમલા કરવામાં સરળતા હતી, કારણ કે તે માટે લશ્કરે શત્રુના દેશની જમીન પર પગ મૂકવાની જરૂર પડતી નહોતી.

આજની લડાઈ હવે ફાઇટર જેટ ઉપરાંત બેલિસ્ટિક મિસાઈલો વડે લડાય છે, જેઓ હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડીને દુશ્મનના સૈન્ય અડ્ડાઓ કે આતંકવાદી અડ્ડાઓ ઉપર ત્રાટકી શકે છે. આવું એક મિસાઈલ કરોડો રૂપિયાની કિંમત ધરાવતું હોય છે. આ મિસાઈલ જમીન પરથી છોડી શકાય છે અને તેને છોડવા માટે ફાઇટર જેટનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ વિનાશક મિસાઈલનો મુકાબલો કરવા શસ્ત્રો બનાવતી કંપનીઓ દ્વારા એન્ટી મિસાઈલ સિસ્ટમ બનાવવામાં આવી છે, જે મિસાઈલોને હવામાં જ આંતરીને ખતમ કરી શકે છે.

તાજેતરના ભારત-પાકિસ્તાન મીની યુદ્ધમાં રશિયાની એસ-૪૦૦ એન્ટી મિસાઈલ સિસ્ટમે ભારતની રક્ષા કરી હતી, જેને કારણે પાકિસ્તાન દ્વારા છોડવામાં આવેલું એક પણ મિસાઈલ તેના લક્ષ્ય પર ત્રાટકી શક્યું નહોતું. જો કે પાકિસ્તાને ચીન દ્વારા આપવામાં આવેલાં અદ્યતન મિસાઈલનો ઉપયોગ કરીને ભારતનાં રાફેલ સહિત પાંચ વિમાનો તોડી પાડ્યાં હતાં. આ પહેલાં ફ્રાન્સના રાફેલ ફાઇટર વિમાન કોઈ પણ મિસાઈલ દ્વારા અભેદ્ય માનવામાં આવતાં હતાં, પણ ચીને તેનું મારણ શોધી કાઢ્યું છે. રાફેલ બનાવતી દસાલ્ટ કંપનીએ હવે તેના ફાઇટર જેટની ડિઝાઇનમાં એવા ફેરફારો કરવા પડશે, જેના થકી તે ચીન કે રશિયાના અત્યાધુનિક મિસાઈલનો મુકાબલો કરી શકે. આ રીતે અદ્યતન મિસાઈલો અને સંરક્ષણ સિસ્ટમો બનાવતી કંપનીઓ અબજો ડોલરની કમાણી કરે છે.

આધુનિક બેલિસ્ટિક મિસાઈલ સામે સંરક્ષણ આપવાની બાબતમાં ઇઝરાયેલની આયર્ન ડોમ સિસ્ટમ સૌથી વધુ સચોટ માનવામાં આવે છે, જેને વિકસાવવા પાછળ ઇઝરાયેલ દ્વારા અબજો ડોલરનો ખર્ચો કરવામાં આવ્યો છે. આ આયર્ન ડોમ સિસ્ટમને કારણે હમાસ કે બીજા દુશ્મન દેશો ઇઝરાયેલનો વાળ પણ વાંકો કરી શકતા નથી. ઇઝરાયેલની આયર્ન ડોમ સિસ્ટમ કરતાં પણ વધુ ખર્ચાળ અને વધુ નક્કર સિસ્ટમ તૈયાર કરવા અમેરિકાએ નિર્ણય કર્યો છે, જેને ગોલ્ડન ડોમ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. અમેરિકા પાસે હાલમાં મિસાઈલ પ્રતિરોધક સિસ્ટમ છે, પણ તે એક દાયકા જેટલી જૂની થઈ ગઈ છે. આ એક દાયકામાં રશિયા અને ચીન જેવા અમેરિકાના દુશ્મનો દ્વારા અત્યાધુનિક મિસાઈલો તૈયાર કરવામાં આવ્યા છે. તેનો મુકાબલો કરવા માટે અમેરિકા ગોલ્ડન ડોમ સિસ્ટમ પાછળ ૧૭૫ અબજ ડોલરનો ખર્ચ કરવા તૈયાર થયું છે. જો કે, અમેરિકાની સરકારનો અંદાજ છે કે આગામી દાયકાઓમાં આ ખર્ચ ઘણો વધારે હોઈ શકે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમના દેશે ગોલ્ડન ડોમ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ માટે ડિઝાઇન પસંદ કરી છે. આ અમેરિકાની ભવિષ્યની મિસાઇલ સંરક્ષણ પ્રણાલી હશે . આ સિસ્ટમ ડોનાલ્ડ ટ્રમ્પના વર્તમાન કાર્યકાળના અંત સુધીમાં કામ કરવાનું શરૂ કરશે. તેનો ઉદ્દેશ અમેરિકાને આગામી હવાઈ આક્રમણના ખતરા સામે લડવા સક્ષમ બનાવવાનો છે. તેમાં બેલિસ્ટિક અને ક્રુઝ મિસાઇલોનાં જોખમોનો સામનો કરવાનો પણ સમાવેશ થાય છે. ગોલ્ડન ડોમ સિસ્ટમ માટે અમેરિકાના બજેટમાં ૨૫ અબજ ડોલરની પ્રારંભિક રકમ નક્કી કરવામાં આવી છે.

અમેરિકન અધિકારીઓનું કહેવું છે કે અમેરિકાની વર્તમાન સંરક્ષણ પ્રણાલી તેના દુશ્મનોના ઝડપથી વિકસતાં આધુનિક શસ્ત્રોથી તેનું રક્ષણ કરવામાં નિષ્ફળ જાય તેમ છે. પેન્ટાગોનના અધિકારીઓનું કહેવું છે કે અમેરિકાની વર્તમાન ડિફેન્સ સિસ્ટમ રશિયા અને ચીનની નવી મિસાઇલ ટેકનોલોજીથી પાછળ રહી ગઈ છે. યુએસ ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સી દ્વારા જારી કરાયેલા બ્રીફિંગ સંબંધિત એક દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં મિસાઇલ ખતરાનો વ્યાપ વધુ વધશે, કારણ કે તેમના હુમલા વધુ ઘાતક હોઈ શકે છે.

ચીન અને રશિયા અમેરિકાની સંરક્ષણ પ્રણાલીની ખામીઓનો લાભ લેવા માટે ઝડપથી પોતાની નવી સિસ્ટમો ડિઝાઇન કરી રહ્યા છે. અમેરિકન સંસદના બજેટ વિભાગે કહ્યું છે કે સરકાર આ સિસ્ટમ પર હજી વધુ ખર્ચ કરી શકે છે. આગામી બે દાયકામાં તે વધીને ૫૪૨ અબજ ડોલર થઈ શકે છે. આટલો મોટો ખર્ચ ફક્ત આ સિસ્ટમના જગ્યા આધારિત ભાગ પર જ થઈ શકે છે. વન બિગ બ્યુટીફુલ બિલ હેઠળ ડોનાલ્ડ ટ્રમ્પનો કરવેરા પર ૨૫ અબજ ડોલરનો ખર્ચ હાંસલ કરવાનો લક્ષ્યાંક છે. જો કે આ બિલ હજુ સુધી પસાર થયું નથી. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ સિસ્ટમ તેમના વર્તમાન કાર્યકાળના અંત સુધીમાં (ઇ.સ. ૨૦૨૮ સુધીમાં) કામ કરવાનું શરૂ કરશે.

રાષ્ટ્રપતિ તરીકેના તેમના બીજા કાર્યકાળના સાતમા દિવસે ડોનાલ્ડ ટ્રમ્પે સંરક્ષણ મંત્રાલયને આ ગોલ્ડન ડોમ માટે યોજના તૈયાર કરવા આદેશ આપ્યો હતો. રાષ્ટ્રપતિ ટ્રમ્પે જાહેરાત કરી છે કે યુએસ સ્પેસ ફોર્સના ડેપ્યુટી ચીફ જનરલ માઈકલ ગેટલાઇન આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટની દેખરેખ રાખશે. વ્હાઇટ હાઉસ કહે છે કે આવા હુમલાઓ આવનારા દિવસોમાં અમેરિકા માટે સૌથી ખતરનાક ખતરો બની રહેશે. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે નવી મિસાઇલ સંરક્ષણ પ્રણાલી જમીન, સમુદ્ર અને અવકાશમાં નવી પેઢીની ટેકનોલોજીથી સજ્જ હશે. આ સિસ્ટમ હેઠળ અવકાશમાં સેન્સર અને ઇન્ટરસેપ્ટર હશે, જે આ હવાઈ હુમલાઓના ખતરાને રોકવામાં સક્ષમ હશે.

આ સિસ્ટમ કંઈક અંશે ઇઝરાયલના આયર્ન ડોમથી પ્રેરિત છે. ઇઝરાયલ ૨૦૧૧ થી રોકેટ અને મિસાઇલ હુમલાઓને રોકવા માટે તેનો ઉપયોગ કરી રહ્યું છે. જો કે, ગોલ્ડન ડોમ આયર્ન ડોમ કરતાં પ્રમાણમાં ઘણો મોટો હશે અને તે હાઇપરસોનિક શસ્ત્રો સહિત વિવિધ પ્રકારનાં જોખમોનો સામનો કરી શકશે. તે ધ્વનિની ગતિ અને ફ્રેક્શનલ ઓર્બિટલ બોમ્બાર્ડમેન્ટ સિસ્ટમ્સ એટલે કે FOBS કરતાં વધુ ઝડપથી સ્થાન બદલી શકશે. FOBS અવકાશમાંથી શસ્ત્રો ચલાવી શકે છે. તેનો સફળતા દર લગભગ ૧૦૦ ટકા છે.

અમેરિકાના અધિકારીઓએ કહ્યું હતું કે ગોલ્ડન ડોમ વિવિધ તબક્કામાં મિસાઇલોને રોકવામાં સક્ષમ હશે. આ મિસાઇલોના જમાવટ અને ફાયરિંગ દરમિયાન હવામાં તેમની હાજરીને પણ અટકાવશે. અમેરિકન સંરક્ષણ અધિકારીઓના મતે ગોલ્ડન ડોમ સિસ્ટમનાં ઘણાં પાસાંઓ એક જ કેન્દ્રીયકૃત આદેશ હેઠળ કામ કરશે. આ વર્ષની શરૂઆતમાં અમેરિકાની મુલાકાતે આવેલા કેનેડાના તત્કાલીન સંરક્ષણ પ્રધાન બિલ બ્લેરએ સ્વીકાર્યું હતું કે તેમના દેશે પણ ગોલ્ડન ડોમ પ્રોજેક્ટમાં જોડાવામાં રસ દર્શાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ એક સમજદારીભર્યો નિર્ણય છે અને તે તેમના દેશના હિતમાં રહેશે. તેમણે કહ્યું કે કેનેડાને જાણવાની જરૂર છે કે આ ક્ષેત્રમાં શું ચાલી રહ્યું છે.

તેને આર્કટિક ક્ષેત્ર ઉપરાંત અન્ય વિસ્તારોમાં રહેલાં જોખમોથી વાકેફ રહેવાની જરૂર છે. ગોલ્ડન ડોમ સિસ્ટમ વિશ્વના અન્ય ભાગોથી અથવા અવકાશમાંથી છોડવામાં આવતી મિસાઇલોને પણ અટકાવવામાં સક્ષમ હશે. છેલ્લા ચાર દાયકામાં ચીને કોઈ મોટું યુદ્ધ લડ્યું નથી, પરંતુ આ સમય દરમિયાન રાષ્ટ્રપતિ શી જિનપિંગના નેતૃત્વમાં ચીને તેની સેનાને મજબૂત બનાવવામાં અને અત્યાધુનિક શસ્ત્રો વિકસાવવામાં કોઈ કસર છોડી નથી. ચીને પાકિસ્તાનને પણ આ શસ્ત્રો પૂરાં પાડ્યાં છે. પાકિસ્તાને ૨૦૧૫-૧૯ થી ૨૦૨૦-૨૪ દરમિયાન શસ્ત્રોની આયાતમાં ૬૧ ટકાનો વધારો કર્યો છે. પાકિસ્તાનને ચીન પાસેથી જે શસ્ત્રો મળે છે તેમાં આધુનિક ફાઇટર જેટ, મિસાઇલ, રડાર અને હવાઈ સંરક્ષણ પ્રણાલીનો સમાવેશ થાય છે. પાકિસ્તાનનાં આ શસ્ત્રોનો મુકાબલો કરવા ભારતને રશિયા, ફ્રાન્સ, ઇઝરાયેલ અને અમેરિકા પાસેથી શસ્ત્રો ખરીદવાની ફરજ પડી રહી છે.

– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top