એક ચાઈનીઝ બોધ કથા છે.પ્રાચીન ચીનમાં એક ખેડૂત અને એક શિકારી પાડોશી હતા.શિકારી પાસે બે શિકારી કૂતરા હતા.કૂતરા શિકારીના પાળેલા હતા પણ બરાબર તાલીમ પામેલા ન હતા.તેઓ બે ઘર વચ્ચેની વાડ કૂદીને ખેડૂતના વાડામાં જઈ તેનાં ઘેટાં બકરાંને ઘાયલ કરતાં.આ વિષે ખેડૂતે શિકારીને ઘણી વાર ફરિયાદ કરી અને કૂતરાઓ ઉપર ધ્યાન આપવા કહ્યું…પણ શિકારીએ તેની વિનંતી કાને ધરી નહિ.
એક દિવસ કૂતરાઓ ફરી એક વાર વાડ કૂદી આવ્યા અને ખેડૂતનાં ઘેંટાં બકરાં પર હુમલો કર્યો અને ઘણાં ઘેંટાં બકરાંને ઘાયલ કરી નાંખ્યાં.ખેડૂતે ઘણું સહન કર્યું.હવે તેણે નગરની કચેરીમાં કાજીને ફરિયાદ કરી.ન્યાય કરવા નિયુકત કાજીએ તેની બધી વાત બરાબર સાંભળી.પછી કહ્યું, “હું હમણાં શિકારીને બોલાવી તેને સજા કરીશ અને તેણે કૂતરાઓને બાંધીને રાખવાનો હુકમ કરી દઈશ પણ તું એક મિત્ર એક પાડોશી ગુમાવીશ અને પાડોશમાં જ એક દુશ્મન મેળવીશ.તને શું મેળવવું છે પાડોશી તરીકે એક મિત્ર કે એક દુશ્મન?”ખેડૂતે કહ્યું, “મિત્ર’’. કાજીએ કહ્યું, ‘હું કહું તેમ કરજે જેથી તારાં ઘેંટાં બકરાં પણ સલામત રહેશે અને પાડોશી જોડે દુશ્મનાવટ પણ નહિ થાય.તું તારી પાસેથી સૌથી સરસ નાનકડાં ઘેંટાંના બચ્ચાં તારા પાડોશીનાં બાળકોને ભેટ રૂપે આપજે, પછી જોજે.”ખેડૂતે તેમ કર્યું.
શિકારીનાં ત્રણે બાળકો આ નવાં વહાલાં સાથીઓ મેળવી ખુશ ખુશ થઇ ગયાં અને તેમની જોડે રમવા લાગ્યાં.હવે પોતાનાં બાળકોનાં ઘેંટાંનાં બચ્ચાઓને શિકારી કૂતરાઓથી બચાવવા શિકારીએ કૂતરાઓ માટે મજબૂત ઘર બાંધ્યું અને તેમણે અંદર રાખી બહારથી બંધ કરી દીધું.બસ ખેડૂતનાં ઘેંટાં બકરાં પણ સુરક્ષિત થઇ ગયાં.ખેડૂતે પોતાનાં બાળકોને આટલી સરસ ભેટ આપી તેના બદલામાં શિકારી પણ પોતે જે શિકાર કરે તેમાંથી ખેડૂતને આપતો…ખેડૂત પોતાના ખેતરના શાકભાજી અને દૂધ માખણ શિકારીના ઘરે મોકલાવતો.તેનો પાડોશી તરીકેનો નાતો એકદમ મજબૂત થતો ગયો.તેઓ એકદમ સારા મિત્ર બની ગયા. પ્રાચીન ચીન ફિલોસોફી સમજાવે છે કે આપણે માણસોને પ્રેમ … દયા ….લાગણી અને સહકારથી જીતીને આપણાં બનાવી શકીએ છીએ.લોકોને પોતાનાં બનાવવાનો આ સૌથી સારો રસ્તો છે. હંમેશ બધા સાથે નમ્રતાથી બોલો. આપણાં સંબંધીઓ, મિત્રો, કુટુંબીજનો, સાથીઓ સાથે તોછડાઈથી ટોણાં-ટકોર ન કરતાં પ્રેમથી બોલો.દરેક સંબંધ મજબૂત બનાવો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.