જગદીશ પાનવાલાનું ચર્ચાપત્ર વાંચીને મને પણ મારું બાળપણ યાદ આવી ગયું. મે મહિનો આવે એટલે ઘઉં ભરવાની સીઝન આવે. અમે તો ઘરમાં સાત મેમ્બર્સ રહેતા હતા એટલે અમારે ત્યાં ચાર ગુણ ઘઉંની આવતી. ત્યારે તો ઘઉં પણ આજે મળે છે એવા નહોતા મળતા. એમાં ખૂબ જ કાંકરા હોય એટલે ચાળવા પડતા, વીણવા પડતા ત્યારે મને યાદ છે કે મારી બા અમને બધા ભાઇબહેનને કહેતી, જો તમે ઘઉં ભરવામાં મને મદદ કરશો તો તમને બે દિવસ બરફનો ગોળો ખવડાવીશ. ત્યારે તો મહંમદભાઇ કરીને બરફના ગોળાવાલા ભાઇ અમારે ત્યાં ચાર રસ્તા પર બપોરે આવતા.
મે મહિનો એટલે વેકેશન બધાં છોકરાંઓ ફ્રી રહેતાં. અમારે ત્યાં બરફના ગોળાની લારી પર ઊભા રહીને ગોળો ખાવા દેતા નહીં. ઘરે લઇને આવીને પછી ઘરમાં બેસીને ખાવાનું. તપેલી લઇને બરફના ગોળા લેવા જવાનું ને ઘરે આવી બધાને એક એક ગોળાની વહેંચણી કરવાની અને છેલ્લે જે સરબત જેવું રંગીન પાણી બચતું તે પીવાની જ મજા હતી! અને એનો સ્વાદ તો આજે પણ મારા ગળામાં અકબંધ સચવાયેલો છે. મારા જેવા સમવયસ્ક માણસોને પણ આ વાંચીને પોતે વીતાવેલ ઉનાળાની બપોર યાદ આવ્યા વિના નહીં રહે એમ મારું માનવું છે.
સુરત – શીલા સુભાષ ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.