Charchapatra

સુરતમાં લગ્ન વૈશાખ મહિનામાં જ લેવાતા

પહેલાંના સમયમાં લગ્નગાળો ચૈત્ર અને વૈશાખ મહિનો હતો. મોટા ભાગનાં લગ્ન ચૈત્રી નવરાત્રી પછી લેવાતાં.છોકરા છોકરીની દિવાળી પછી સગાઈ થાય તેના બે-ચાર મહિના પછી લગ્ન લેવાતાં. ખાસ કરીને વેકેશનનો સમયગાળો જ પસંદ કરવામાં આવતો. લગ્ન વૈશાખ મહિનાના અંત સુધી ચાલતા. તે સમયે આટલી ગરમી પડતી ન હતી. પરિણામે લગ્ન પ્રસંગ ગરમી ઠંડીની ચિંતા વગર પાર પડી જતો અને આજની જેમ  છાસવારે માવઠાં ક્યાં આવતાં હતાં? કે વરસાદની ચિંતા હોય ! આજે ૪૦/૫૦ વટાવી ચૂકેલા સજ્જન સન્નારીઓની ‘મેરેજ એનિવર્સરી’ પણ એપ્રિલ મે માં જ હોય છે. અખા ત્રીજને દિવસે વિક્રમજનક લગ્નો યોજાતાં હતાં. મહાયરાં, મંડપ અને ઘોડા બગીનું બુકીંગ ફુલ થઈ જતું.

ઘોડો નહિ મળે તો,મોટરકારમાં પણ વરઘોડો કાઢવો પડતો. ઉનાળામાં દિવસ લાંબો હોવાને કારણે સમયસર લગ્ન પ્રસંગ પૂર્ણ થતાં. વૈશાખ મહિનામાં સુરતની શેરી શેરીએ મહાયરાં મંડપ જોવા મળતાં. સાંજ પડે એટલે લગ્નના વરઘોડાઓથી સુરતની શેરીઓ ઉભરાઈ જતી. વરઘોડા જોવા માટે શેરીના ઓટલા ભરાઈ જતા. જે સગાં વ્હાલાંના ઘર પાસેથી વરઘોડો જતો ત્યાં જાનૈયાની આગતા સ્વાગતા કરવામાં આવતી.આ પ્રમાણે લગ્નમાં મહાલવાની મજા તો વૈશાખમાં જ આવતી હતી. જે આજે પ્રતિકૂળ હવામાનને કારણે લગ્નો ઓછાં યોજાય છે. આજે સુરતે જે વિકાસની હરણફાળ ભરી છે તે અદ્દભુત અને આવકાર્ય છે પણ આ હરણફાળમાં અસલ સુરત ખોવાઈ ગયું છે.
સુરત     – કિરીટ મેઘાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ચૌટા બજાર
રાજકારણીઓ, કોર્પોરેટરો, સ્થાનિક દુકાનદાર, હપ્તાખાઉ, દબાણ અધિકારીઓ, ખાનગી શાહુકાર, ખંડણીખોર અસામાજિકો ઊભા રહેનાર ફેરિયાઓ પાસે ભાડું પણ ઉઘરાવાય છે. આ સાંકળ તૂટે એમ નથી. સહિયારા સંગઠનમાં એટલી તાકાત છે કે કેટલીયે વાર દેખાડો કરનાર દબાણ અધિકારીઓ આગળથી જ માહિતી આપી દે છે જેનાથી ગણ્યાગાંઠ્યા ફેરિયાઓના માલ સામાન લઈ જાય છે એને તેજ લારી બાંકડો પાછો યથાસ્થાને ગોઠવાઈ જાય છે. આ ગુમડું એટલું મોટું થતું જાય છે કે તેને માટે નશતર કરવું પડે.
સુરત     – અનિલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top