વડોદરા : અધિકારીઓ સાંભળતા નહીં હોવાના આક્ષેપ સાથે લેંઘા કાંડ મામલે વિવાદમાં ઘેરાયેલા અને વૈભવી ગાડીઓમાં રોડ શો કરનારા વડોદરા શહેરના માંજલપુર વોર્ડ નંબર 18 ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કલ્પેશ પટેલ જય રણછોડ સહિતના ઉમેદવારોનો કોતર તલાવડી વિસ્તારમાં પ્રચાર અર્થે પહોંચ્યા હતા.જ્યાં સ્થાનિક રહીશોએ 5 વર્ષ પછી દેખાયા હોવાની સાથે ગંદા પાણીની બોટલ બતાવી ઉગ્ર વિરોધ કરી ભાજપનો હુરિયો બોલાવી ભાજપ હાય રે હાયના નારા લગાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો.
શહેરના ચૂંટણી વોર્ડ નંબર 18 ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મતદારોનો કડવો અનુભવ થયો હતો.ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કલ્પેશ પટેલ (જય રણછોડ), કેતન પટેલ, ઉમેદવારો સાથે કોતર તલાવડી વિસ્તારમાં પ્રચાર અર્થે ગયા હતા.
બુધવારે બપોર બાદ કોતર તલાવડી પહોંચેલા કલ્પેશ પટેલ જય રણછોડ સહિતના ઉમેદવારોને ત્યાંના સ્થાનિક રહીશોએ દૂષિત પાણીની બોટલો બતાવી ઉમેદવારોનો વિરોધ કર્યો હતો.ગંદા પાણીની સમસ્યા મુદ્દે સ્થાનિકોએ ઉમેદવારો સામે જ ભાજપનો હુરિયો બોલાવતાં ઉમેદવારોમાં સન્નાટો પ્રસરી ગયો હતો.
જેથી સ્થાનિકોની ઉગ્ર રજુઆતને પગલે ભાજપના વોર્ડ 18 ના ઉમેદવારો કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા હતા.એક મહિલાએ તો ઉમેદવારોને કહી દીધું કે હું ભાજપની છું તમે મને પહેલી વાર દેખાયા છો.
સ્થાનિકોએ ઉમેદવારોને આડેહાથ લઈ ઘેરાવો કરતાં જય રણછોડ કલ્પેશ પટેલને રણ છોડીને જતું રહેવું પડયું હતું. નોંધનીય છે કે આ અગાઉ પણ કલ્પેશ પટેલ ફાયરિંગ કેસ માં , વોર્ડ કચેરીમાં લેંઘો કાઢી બે કલાક સુધી અધિકારીઓને કામગીરી બાબતે દબાવવા માટે વિવાદમાં રહ્યા હતા.
જે બાદ બુધવારે ચૂંટણી પ્રચાર દરમિયાન માંજલપુર કોતર તલાવડી વિસ્તારમાં સ્થાનિક રહીશોએ 5 વર્ષ બાદ દેખાયા હોવાનું કહી ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 18 ના કલ્પેશ પટેલ જય રણછોડ સહિત સાથી ઉમેદવારોનો ગંદા પાણીની સમસ્યા મુદ્દે ભાજપનો હુરિયો બોલાવી ભાજપ હાય રે હાય ના નારા લગાવતાં મતદાતાનો રોષ પારખી ગયેલા ઉમેદવારોએ ચાલતી પકડવી પડી હતી.
કોતર તલાવડીના રહીશોએ કોરોનાં હતો કોઈ જોવા નથી આવ્યું અમે ભૂખ્યા મરતા હતા આજે પાંચ વર્ષે વોટ માંગવા આવ્યા અને ઉપરથી રોડ બનવા નહીં દઈએ તેવી ધમકી પણ આપી હોવાનું સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું.આ પહેલા પણ માણેજા ગામમાં કલ્પેશ પટેલનો ફેરણી દરમિયાન વિસ્તારના રહીશોએ વિરોધ કરતા ભાજપના વોર્ડ 18 ના ઉમેદવારોએ યુ ટર્ન લેવો પડ્યો હતો.