વાતચીત કરતી વેળા યુવતીના શારીરિક અડપલા કરવાનો પણ કહેવાતા પત્રકારે પ્રયાસ કર્યો
પ્રતિનિધિ વડોદરા તા.24
અટલાદરા વિસ્તારમાં રહેતી યુવતીને મળવાના બહાને બોલાવ્યાં બાદ તેણી સાથે સુરતના શખ્સે બીભત્સ માગણી કરી હતી. ઉપરાંત વાતચીત કરતી વખતે પણ યુવતી સાથે શારીરિક અડપલા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી યુવતીએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સુરતના આ પત્રકારની ઓળખ આપનાર શખ્સને ઝડપી પાડી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં રહેતી યુવતીના પિતા અને ભાઇના મોબાઇલ નંબર પર ગત માર્ચ મહિનામાં એક શખ્સનો કોલ આવ્યો હતો. જેમાં તેણે વડોદરામાંથી ખાનગી ચેનલના પત્રકાર વિપુલ ભાનુશાલી બોલતો હોવાની ઓળખ આપી હતી. તમારી દીકરી પરણેલી છે કે કુંવારી છે એમ પૂછી આ યુવકે પોતે બેચલરોનુ ધ્યાન રાખે છે તેમ કહ્યું હતું. ત્યારબાદ 1 મેના રોજ યુવતીના ફોન પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ત્યારે તેણે મિતુલ ગઢવી હોવાની ઓળખ આપી તે યુવતીનો ફેન હોવા સાથે યોગાસન શીખવે છે અને તેનું ઇસ્ટીટ્યુટ પણ એમ કહ્યું હતું. યુવક યુવતીનો પીછો કરતો હોય યુવતીએ તેના ભાઈ તથા પિતાને જણાવ્યુ હતું, જેથી 9 મેના રોજ અટલાદરા પોલીસ સ્ટેશન ખાતે અરજી પણ આપી હતી. યુવક વ્હોટસઅપ પર મેસેજ કરતો અને યોગના ફોટો પણ મોકલતો હતો. જેને લઇને બંને વચ્ચે વાત થઇ હતી. ત્યારે તેણે મળવા માટે કહ્યું હતું. યુવતીને કેમ વારંવાર ફોન હેરાન પરેશાન કરે છે તેની હકીકત જાણવા માટે યુવતીએ વાઘોડીયા આવવા જણાવ્યું હતું. યુવતીએ તેના ભાઈઓને કેફે ડીરીયો ખાતે લઇ ગઈ હતી અને બહાર ઉભા રાખ્યા હતા. દરમિયાન મિતુલ ગઢવી ત્યાં આવ્યો હતો બંને વચ્ચે વાતચીત કર્યા બાદ તેણે યુવતી પાસે બિભત્સ માંગણી કરી અને શારીરીક અડપલા કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ યુવતીએ પ્રતિકાર કર્યો હતો. દરમ્યાન યુવતીના ભાઇઓ આવી જતા યુવકે ભાઈઓએ તેને પકડી લીધો હતો. ત્યારબાદ યુવતીને તુ એકલી નીકળ તને જોઈ લઈ તેવી ધમકી આપી હતી. જેથી યુવતીએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં રોમિયો દેવચરણ ઉર્ફે મિતુલ ગઢવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે રોમિયોને ઝડપી પાડી આગળની કાર્યવાહી શરૂ કરી છે.