SURAT

”રાહત પેકેજથી રત્નકલાકારોને કોઈ ફાયદો નહીં થાય”, કોંગ્રેસે કહ્યું- સરકાર વ્યથા સમજી શકી નહીં..

આજ રોજ સરકાર દ્વારા રાજ્યના રત્ન કલાકારો માટે જાહેર કરાયેલું રાહત પેકેજ ખરેખર રત્નકલાકારો માટે રાહતરૂપ સાબિત નહીં થાય તેવી લાગણી કોંગ્રેસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયકે મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું કે હીરા ઉદ્યોગ અને રત્ન કલાકારોની વાસ્તવિક પરિસ્થિતિને જાણ્યા વગર ઉતાવળે રાહત પેકેટ જાહેર કરાયું છે. આ પેકેજના લીધે રત્નકલાકારોની વ્યથા ઓછી કરવાને બદલે વધશે. આ એક ક્રૂર મજા કરવામાં આવી હોવાનું જણાય આવે છે.

નાયકે કહ્યું કે, રાજ્ય સરકારે બેરોજગાર રત્નકલાકારો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે. ખરેખર રત્ન કલાકારો બેરોજગાર થયા નથી પરંતુ તેમની આવકમાં 50 થી 60 ટકાનો દરખમ ધટાડો થયો છે. જ્યારે સરકાર એવું કહે છે કે 31 માર્ચ 2024 સુધીમાં જે રત્ન કલાકારો બેરોજગાર થયા છે તેમને જ રાહત પેકેજ નો લાભ આપવામાં આવશે.

જો રાજ્ય સરકારે ખરેખર જ રત્ન કલાકારોની વહારે આવવું હોય તો આનાથી વધુ સારું પેકેજ આપી શકાયું હોત પરંતુ રત્ન કલાકારો માટેનું આ રાહત પેકેજ સાવ ઉતાવળે અને રાજકીય લાભ ખાટવા માટે આપવામાં આવ્યું હોવાનું ફલિત થઈ રહ્યું છે.

હીરાના કારખાનાઓમાં લેબર કાયદાનું પાલન થતું નથી
વધુમાં નાયકે કહ્યું કે , હીરા ઉદ્યોગમાં લેબર લોનું પાલન થતું નથી. રત્નકલાકારોને નોકરીમાંથી છૂટા કરી દેવાતા હોય છે. જે તત્કાલ બંધ થવું જોઈએ. અનેક હીરાના કારખાનાઓમાં લેબરના કાયદા કાનૂન, ધારાધોરણોનું પાલન કરવામાં આવતું નથી. જેના કારણે રત્નકલાકારોએ લેબર લો થકી મળતા જુદા જુદા આર્થિક લાભોથી વંચિત રહેવું પડે છે. જેમ કે હીરાઉદ્યોગના માલિકો દ્વારા હીરાઉદ્યોગમાં કામ કરતાં કારીગરો ને પી.એફ.(EPF),એમ્પ્લોયીઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ સ્કીમ (ESIC), ગ્રેજ્યુઇટી સહિતની સુવીધાઓ આપવામાં આવી રહેલ નથી.જે સરકારના લેબર લોનાં કાયદા અને નીતિનિયમો વિરુદ્ધ છે.

લેબર વિભાગ પાસે રત્નકલાકારોના ડેટા કેમ નથી?
રાજ્યના લેબર વિભાગ કે ઉદ્યોગ વિભાગ પાસે સુરત સહિત સમગ્ર રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ગ્રામીણ વિસ્તારોમાં હીરાના કેટલા કારખાના આવ્યા છે અને તેમાં કેટલાક રત્ન કલાકારો કાર્ય કરે છે તેનો કોઈ ડેટા કેમ ઉપલબ્ધ નથી? કેમ અત્યાર સુધી રત્ન કલાકારોની વાસ્તવિક સંખ્યા તેમજ હાલમાં ચાલી રહેલી આર્થિક મંદીને કારણે કેટલા રત્ન કલાકારોને અસર થઈ એવો કોઈ સર્વે કેમ રત્નકલાકાર માટે લેબર વિભાગે કર્યો નથી?

એથી પણ મહત્વનો સવાલ એ છે કે જ્યારે રાજ્ય સરકાર પાસે કે રાજ્ય સરકારના કોઈ વિભાગ પાસે રત્ન કલાકારોની સંખ્યા અંગેનો કોઈ ડેટા જ નથી ત્યારે રત્ન કલાકાર કોણ રત્નકલાકાર ની વ્યાખ્યા શું અને તેને કયા આધારે રાહત પેકેજનો લાભ આપવામાં આવશે આ બધી બાબતો અધ્ધરતાલ છે.

રત્નકલાકાર બોર્ડની સ્થાપ્ના કરવા માંગ
હીરા ઉદ્યોગમાં કાર્યરત રત્ન કલાકારો માટે સૌથી પ્રથમ રત્નકલાકાર બોર્ડની રચના કરવામાં આવે સત્તાવાર રીતે તેનો સર્વે કરવામાં આવે અને સર્વે વેરીફાઇ થયા પછી વાસ્તવિક રીતે રત્ન કલાકારોને શું મદદ કરી શકાય એ યોજના તૈયાર કરવામાં આવે તેમજ રત્નકલાકારો માટે લઘુતમ મહેનતાણું નક્કી કરવામાં આવે અને સરકાર દ્વારા રત્ન કલાકારો માટે રત્ન કલાકાર આવાસ યોજના શરૂ કરવામાં આવે જેથી લાંબા ગાળા માટેના ફાયદાઓ અને રાહત હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લાખો રત્ન કલાકારો સુધી પહોંચાડી શકાય.

રત્નકલાકારોને લઘુત્તમ વેતનના લાભો આપો
રત્નકલાકારોને આપવામાં આવતા ઉચ્ચક વેતન, મહેનતાણા કે પગારની બાબતમાં દરમિયાનગીરી કરીને એક એવી વ્યવસ્થા ગોઠવે કે જેમાં દરેક રત્નકલાકારોને લઘુતમ વેતન કે મહેનતાણું સહિતની અન્ય સુવિધાઓ મળે જેથી રત્નકલાકારો તેમના પરીવારનું ગુજરાન ચલાવવા સક્ષમ બને. નહીં તો આ રાહત પેકેજ લાખો બેરોજગાર રત્નકલાકારોની ક્રૂર મજાક ઉડાડતું, ગરીબોના નિસાસા લેતું નિસહાય પેકેજ જ બની રહેશે.

Most Popular

To Top