Columns

ત્રણ કસોટી

સોક્રેટીસ પાસે એક પરિચિત આવ્યા અને આવતાં જ કહેવા લાગ્યા, ‘મેં તમારા ખાસ મિત્ર વિષે જે વાત સાંભળી છે તે તમારે જાણવી જોઈએ…’હજી તેઓ કંઇક આગળ બોલે તે પહેલાં જ સોક્રેટીસે પરિચિતને અટકાવતાં કહ્યું, ‘એક મિનિટ કોઈ પણ વાત સાંભળતાં પહેલાં હું તેને ત્રણ કસોટીમાંથી પસાર કરું છું અને જો તે વાત ત્રણે કસોટીમાંથી પસાર થઇ જાય તો જ હું તે સાંભળું છું.જુઓ, પહેલી કસોટી છે કે શું તમે મને જે વાત કહેવા માંગો છો તે સંપૂર્ણ પણે સત્ય છે? જો તમે દાવાથી કહી શકો કે તે વાત સાચી છે તો જ હું સાંભળીશ.’

પેલા પરિચિત જરા થોથવાયા અને બોલ્યા, ‘મેં આ વાત સાંભળી છે તે સંપૂર્ણ સાચી છે કે નહિ તે હું દાવા સાથે તો નહિ કહી શકું.’સોક્રેટીસ હસ્યા અને આગળ બોલ્યા, ‘ચાલો, તો તો આ સત્યની કસોટી પર તમારી વાત સાચી નથી.એટલે હું વાત તો નહિ સાંભળી શકું.ચાલો, હવે બીજી કસોટી પર તમારી વાતને ચકાસીએ,બીજી કસોટી છે. ‘ભલાઈની કસોટી’શું આ મારા મિત્ર વિશેની વાત મને કહેવાથી મારું કે તમારું કે મારા મિત્રનું કે અન્ય કોઈનું ભલું થવાનું છે કે કોઈ સારી વાત છે?’પરિચિત બોલ્યા, ‘અરે ના, સારી વાત તો નથી.’

સોક્રેટીસે તેમને ત્યાં જ અટકાવ્યા અને કહ્યું, ‘વાત સારી ન હોય તો તમારો કહેવાનો અને મારો સાંભળવાનો કોઈ અર્થ નથી.બીજી કસોટી અનુસાર પણ હું તમારી વાત સાંભળી નહીં શકું અને ત્રીજી કસોટી છે ‘ઉપયોગિતાની કસોટી’શું તમે જે વાત મને કહેવા માંગો છો તે કોઈને પણ ઉપયોગી છે?’ પરિચિત મૂંઝાયા અને બોલ્યા, ‘ના, આ વાત એમ તો કોઈને ઉપયોગી નથી.’

સોક્રેટીસ હસ્યા અને બોલ્યા, ‘જો તમારી વાત ત્રીજી કસોટી પણ પાર નથી કરતી એટલે હું તે સાંભળી શકું તેમ નથી.તમારી વાત સાચી છે કે નહિ તે તમે બરાબર જાણતા નથી. તમારી વાત કોઈના ભલા માટે નથી અને તમારી વાત કોઈને ઉપયોગી પણ નથી તો પછી તે કહેવામાં તમે શું કામ તમારો સમય પણ બરબાદ કરો છો અને શા માટે તે વાત સાંભળીને હું મારો સમય બરબાદ કરું.’ સોક્રેટીસે પરિચિતને કડક રીતે સમજાવ્યું કે બીજા વિષે સાંભળેલી નકારાત્મક વાતો અન્યને કહેવી અને નકારાત્મકતા ફેલાવવી ખોટું છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top