Editorial

નવા કડક નિયમોએ ભારતીય વિદ્યાર્થીઓનો કેનેડા ભણવા જવાનો ભ્રમ ભાંગી નાખ્યો

છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાત સહિત ભારતના વિદ્યાર્થીઓની ભણવા જવા માટેની પ્રથમ પસંદગી કેનેડા બની રહી છે. ભારતના વિદ્યાર્થીઓને કારણે કેનેડાની ઈકોનોમી મજબુત બની હતી. એક સમયે કેનેડામાં પંજાબીઓની સંખ્યા વધારે હતી પરંતુ હવે ધીરેધીરે ગુજરાતીઓની સંખ્યા મોટા પ્રમાણમાં વધી રહી છે. ગુજરાતથી કેનેડા જતી ફ્લાઈટમાં મોટાભાગે વિદ્યાર્થીઓ જ જોવા મળી રહ્યા છે. ભણવા માટે ગયા બાદ અનેક વિદ્યાર્થીઓ કેનેડામાં પણ સ્થાયી થઈ રહ્યા છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી કેનેડાના તત્કાલિન વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો અને ભારત વચ્ચે થયેલી માથાકૂટ બાદ કેનેડા દ્વારા વિદેશી વિદ્યાર્થીઓ માટે કડક નિયમો લાગુ કરી દેવામાં આવતા કેનેડા ભણવા માટે જતા વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી જવા પામી છે.

આ કડક નિયમોને કારણે સરકારે પરમિટ જારી કરવાની સંખ્યા ઘટાડી દેતા હવે કેનેડા જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 31 ટકાનો ઘટાડો થઈ ગયો છે.  ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 2025ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જ ભારતીય વિદ્યાર્થીઓને અપાયેલી પરમિટ 31 ટકા સુધી ઘટી છે. તાજેતરમાં ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટિઝનશિપ કેનેડા (IRCC)એ જારી કરેલા ડેટા પ્રમાણે જાન્યુઆરી-માર્ચ 2025 વચ્ચે માત્ર 30,640 ભારતીય વિદ્યાર્થીને સ્ટડી પરમિટ આપવામાં આવી હતી, જ્યારે 2024માં આજ સમયગાળા દરમિયાનની સંખ્યા 44,295 હતી.

જોવા જેવું છે કે ગત જાન્યુ., 2025માં કેનેડાની વસતિ 4.15 કરોડ હતી, જેમાંથી 32 લાખ કામચલાઉ રહેવાસીઓ હતા. આ ટકાવારી આશરે 7.25% છે. જેને કેનેડા સરકાર 2028 સુધીમાં ઘટાડીને 5% કરતાં ઓછી કરવા માંગે છે. આ કારણે જ આ વર્ષે સ્ટડી પરમિટની સંખ્યા ઘટાડીને 4.37 લાખ કરવામાં આવી છે. જે 2024 કરતાં 10 ટકા ઓછી છે. આ પરમિટ ઘટવાને કારણે કેનેડા ભણવા માટે આવતા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં 40 ટકા જેટલો ઘટાડો થવા પામ્યો છે.

ભારત સાથેના સંઘર્ષ અને અન્ય કારણોને લીધે કેનેડાએ બે વર્ષ પહેલાથી જ વિદેશી વિદ્યાર્થીઓમાં ઘટાડો કરવા માટેના પગલાઓ શરૂ કરી દીધા હતા. 2023માં કેનેડાએ વિદેશી વિદ્યાર્થીઓ માટે કુલ 6.81 લાખ સ્ટડી પરમિટ જારી કરી હતી, જેમાંથી 2.78 લાખ ભારતીય વિદ્યાર્થીઓ માટે હતા.  પરંતુ 2024માં કુલ પરમિટની સંખ્યા ઘટીને 5.16 લાખ થઈ ગઈ, જેમાંથી 1.88 લાખ ભારતીય વિદ્યાર્થીઓ હતા. કેનેડાની સરકારના આ કડક પગલાઓને કારણે હવે વિદેશી વિદ્યાર્થીઓએ કેનેડામાં પ્રવેશ મેળવવો મુશ્કેલ બન્યો છે. કેનેડા દ્વારા બે જૂથમાં પરમિટ આપવાનો નિયમ અમલી બનાવવામાં આવ્યો છે. જેમાં PAL અથવા તો TALનો નિયમ લાવવામાં આવ્યો છે.

આ ઉપરાંત અનેક નવા નિયમોનો અમલ પણ શરૂ કરવામાં આવ્યો છે આ નિયમોમાં અરજદાર વિદ્યાર્થીએ પોતાની પાસે નિયત નાણાં, જે તે યુનિ. દ્વારા જારી કરવામાં આવેલા ઓફર લેટરની ચકાસણીની સાથે સાથે જો કોલેજ કે સ્કૂલ બદલવાની હોય તો તેના માટે પણ નવી પરમિટ લેવાની જોગવાઈ અમલમાં લાવવામાં આવી છે. કેનેડા દ્વારા કડક કરવામાં આવેલા નિયમોને કારણે હવે ભારતીય વિદ્યાર્થીઓ પણ કેનેડા ભણવા જવા માટે એટલા ઉત્સુક હવે રહ્યા નથી. કેનેડાને બદલે હવે વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં ભણવા જવા માંગી રહ્યા છે. ભારતીય વિદ્યાર્થીઓમાં કેનેડાનો એક અલગ જ ક્રેઝ હતો પરંતુ નવા નિયમોએ આ ક્રેઝને તોડી નાખ્યો છે.

Most Popular

To Top