SURAT

ઓનલાઈન મળતું બધું જ અસલી નહીં, સુરતમાં બ્રાન્ડેડના નામે નકલી મસાજ ઓઈલ વેચાવા લાગ્યા

સુરત: ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાના નેતૃત્વ હેઠળ સુરતમાં બનાવટી કોસ્મેટિક ઉત્પાદનોના રેકેટનો પર્દાફાશ થયો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા શહેરમાં બે અલગ અલગ જગ્યા ઉપર દરોડા પાડી મોટા પાયે ડુપ્લીકેટ કોસ્મેટીક પ્રોડક્ટસ જપ્ત કરવામાં આવ્યું છે. આ સમગ્ર પ્રકરણમાં સુરતનું ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ ઊંઘતુ ઝડપાયું છે. શહેરમાં ચાલતા આ રેકેટની તેમને આજદિન સુધી શંકાસ્પદ રીતે કોઈ જાણ જ નહોતી? તેવા પ્રશ્નો ઉઠ્યા છે.

  • સુરતમાં બનાવટી કોસ્મેટિકનું રેકેટ ઝડપાયું, 55 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
  • સુરતનું ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ ઉંઘતુ ઝડપાયું ને ગાંધીનગરની ટીમ દરોડા પાડી ગઈ
  • સોશિયલ મીડિયા પર ભ્રામક જાહેરાતો દ્વારા ગેરકાયદે વેચાણ કરતા હતા
  • રેકેટમાં ઇન્સ્ટાગ્રામ અને Meesho જેવા ઓનલાઇન પ્લેટફોર્મનો ઉપયોગ કરતા હતા

સુરતના રાજેશભાઇ ડાહ્યાભાઇ લાઠીયાના રહેણાંક મકાન પર દરોડા દરમિયાન વિપુલ પ્રમાણમાં પેકિંગ મટિરીયલ અને ડુપ્લિકેટ કોસ્મેટિક પ્રોડક્ટ્સ જપ્ત કરવામાં આવી છે. આ રેકેટમાં ઇન્સ્ટાગ્રામ અને Meesho જેવા ઓનલાઇન પ્લેટફોર્મનો ઉપયોગ કરી, ભ્રામક અને આકર્ષક લેબલો સાથેના પરફોર્મન્સ ઓઇલ, સ્ટેમીના એનર્જી ઓઇલ, બુલ મસાજ ઓઇલ ફોર મેન અને લિફ્ટ અપ હર્બલ મસાજ ઓઇલ જેવા ઉત્પાદનોનું વેચાણ થતું હતું. આ ઉત્પાદનો બનાવવા માટે અન્ય પેઢીના લાયસન્સનો ગેરકાયદે ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટીમે આશરે રૂ.55 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 14 નમૂના પૃથ્થકરણ માટે મોકલ્યા છે.

WRIXTY AYURVEDA પર દરોડો: ખોટા લાયસન્સનો ઉપયોગ
સુરતના અન્ય એક કેસમાં, મે. WRIXTY AYURVEDAના માલિક કૈશીક ધર્મેશભાઇ રાદડીયા, સોશિયલ મીડિયા દ્વારા બનાવટી કોસ્મેટિકનું વેચાણ કરતા હોવાની માહિતીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. આ ઇસમ ખોટા લાયસન્સ નંબરનો ઉપયોગ કરી, મુંબઇના ક્રાફેટ માર્કેટ અને મુસાફિરખાના જેવા બજારોમાંથી લેબલ અને તૈયાર પ્રોડક્ટ લાવી, ઘરે ઉત્પાદન કરતા હતા. આ દરોડામાં રૂ.15 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો અને 5 નમૂના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા.

કેશોદ અને ગાંધીનગરમાં પણ કાર્યવાહી
સુરત ઉપરાંત, કેશોદમાં કુલદીપ પટોળીયાના રહેણાંક મકાનમાંથી ડુપ્લીકેટ કોસ્મેટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જે Meesho પ્લેટફોર્મ દ્વારા વેચાતો હતો. ગાંધીનગરના પેથાપુર ખાતે મે. દુલ્હન એન્ટરપ્રાઇઝના સંચાલક પ્રદિપસિંહ છત્રસિંહ સોલંકી પાસેથી ZEBA ZULF-E-HENNA અને HAIR COLOR NATURAL BLACK જેવી બનાવટી પ્રોડક્ટ્સ જપ્ત કરવામાં આવી છે. આ દરોડામાં રૂ. 30 લાખનો મુદ્દામાલ અને રૂ. 1.5 લાખની કિંમતનો જથ્થો જપ્ત થયો, જેના 2 નમૂના પરીક્ષણ માટે મોકલાયા છે.

બનાવટી પેકિંગ અને પ્રિન્ટિંગનો પર્દાફાશ, અમદાવાદના નરોડાથી મેળવાતું હતું
ગાંધીનગરના દરોડામાં બહાર આવ્યું છે કે, બનાવટી ઉત્પાદનોનું પેકિંગ અને પ્રિન્ટિંગ મટિરીયલ અમદાવાદના નરોડાની મે. શ્લોક ઇન્ડસ્ટ્રી પાસેથી મેળવવામાં આવતું હતું. આ ઇસમો કોઈ બિલ કે રેકોર્ડ રાખતા ન હતા, જે ગેરકાયદે પ્રવૃત્તિનો એક ભાગ હતો. ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ આ તમામ ઇસમો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.

નાગરિકો ખરીદી પહેલા ઉત્પાદનના લાયસન્સ અને ગુણવત્તાની ખાતરી કરે
ડૉ.એચ. જી. કોશિયાએ જણાવ્યું કે, રાજ્યના નાગરિકોના આરોગ્ય અને સલામતીની ખાતરી કરવા માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સતત કાર્યરત છે. આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે ભવિષ્યમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે. નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે, કોસ્મેટિક ઉત્પાદનો ખરીદતા પહેલાં લાયસન્સ અને ગુણવત્તાની ખાતરી કરી લે.

Most Popular

To Top