ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ અને ઇંગ્લેન્ડના સ્પિન ઓલરાઉન્ડર મોઇન અલી ઉપરાંત ટી-20 સ્પેશિયાલિસ્ટ ડેવિડ મલાન તેમજ ભારતના અનકેપ્ડ ખેલાડી મહંમદ અઝહરૂદ્દિન પર ગુરૂવારે અહીં યોજાનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની હરાજીમાં મોટી બોલી લાગવાની સંભાવના છે. હરાજી માટે કુલ 292 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં 164 ભારતીય અને 125 વિદેશી ખેલાડીઓ છે. આ હરાજીમાં ત્રણ એસોસિએટ ખેલાડીઓ પણ સામેલ હશે.
કોરોનાને કારણે છેલ્લી સિઝન યુએઇમાં યોજવામાં આવી હતી, પણ આ વર્ષે તેનું આયોજન ભારતમાં થશે અને તમામનું ધ્યાન બીગ હિટર તેમજ ધીમી ગતિના બોલરો પર છે, અને તેમાં મોઇન અને મેક્સવેલ યોગ્યરીતે ફિટ બેસે છે. જો કે મેક્સવેલનો આઇપીએલ રેકોર્ડ એટલો સારો નથી. તેની એવરેજ 22ની છે અને તેણે 82 મેચ રમીને માત્ર 1505 રન બનાવ્યા છે. તે છેલ્લી સિઝન કિંગ્સ ઇલેવન પંજાબ વતી રમ્યો હતો, જ્યારે મોઇન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વતી રમ્યો હતો.
મેક્સવેલ અને તેનો માજી કેપ્ટન સ્ટીવ સ્મિથ સૌથી વધુ 2 કરોડની પ્રાઇસ ધરાવે છે. તેમની સાથે અન્ય એક નામ પણ આકર્ષણનું કેન્દ્ર રહેશે અને તે છે દુનિયાનો નંબર વન ટી-20 રેન્કિંગ બેટ્સમેન ડેવિડ મલાન. મલાનની સ્ટ્રાઇક રેટ 19 ટી-20 ઇન્ટરનેશનલમાં લગભગ 150ની છે અને તેના કારણે 1.50 કરોડનું મુલ્ય ધરાવતા આ ખેલાડી પર મોટી બોલી લાગવાની સંભાવના છે.
હરાજીમાં બધાની નજર ચેન્નાઇ સુપર કિંગ્સ પર વધુ રહેશે
આઇપીએલની આગામી સિઝન માટે આવતીકાલે યોજાનારી હરાજી દરમિયાના બધાની નજર ચેન્નાઇ સુપર કિંગ્સ પર રહેશે, કારણકે તેમની છેલ્લી સિઝન ઘણી ખરાબ રહી હતી. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને કોચ સ્ટીફન ફ્લેમિંગ પોતાની ટીમમાં યુવાઓને સ્થાને અનુભવીઓને વધુ મહત્વ આપે છે. તેમણે ટ્રેડિંગ વિન્ડો દરમિયાન રાજસ્થાન રોયલ્સ પાસેથી રોબિન ઉથપ્પાને મેળવ્યો છે. ફ્રેન્ચાઇઝીના એક નજીકના સૂત્રનું કહેવું છે કે ધોની કયા પ્રકારના ખેલાડીઓને પસંદ કરે છે તે જોવું રહ્યું.
આ અનકેપ્ડ ખેલાડીઓ પર રહેશે તમામ ફ્રેન્ચાઇઝીસની નજર
એકપણ ઇન્ટરનેશનલ મેચ ન રમનારા ઘણાં એવા અનકેપ્ડ ખેલાડીઓ છે કે જેમના પર તમામ ફ્રેન્ચાઇઝીસની નજર રહેશે અને તેમાં કેરળનો મહંમદ અઝહરૂદ્દિન, તમિલનાડુનો શાહરૂખ ખાન, ઓલરાઉન્ડર સોનુ યાદવ, વડોદરાનો વિષ્ણુ સોંલકી, બંગાળનો આકાશદીપ, સચિનનો પુત્ર અર્જુન તેંદુલકર, ઇન્દોરનો જલજ સક્સેના, ગુજરાતનો અવિ બારોટ, તેમજ અતિત શેઠ, ઝડપી બોલર લુકમાન મેરીવાલ, કેદાર દેવધર, મુંબઇનો બેટિંગ ઓલરાઉન્ડર જય બિષ્ટ જેવા ખેલાડીઓ પર ફ્રેન્ચાઇઝીની નજર છે અને તેમાંથી કેટલાકને તેમની બેઝ પ્રાઇસ કરતાં વધુ રકમ મળવાની પણ સંભાવના છે.
8 ફ્રેન્ચાઇઝીએ કુલ 64 સ્થાન ભરવાના બાકી, આરસીબી પાસે સૌથી વધુ 11 સ્થાન ખાલી
સૌથી વધુ 53.10 કરોડની રકમ કિંગ્સ ઇલેવન પંજાબના પર્સમાં, સૌથી ઓછી 10.75 કરોડની રકમ સનરાઇઝર્સ હૈદરાબાદ પાસે
તમામ 8 ફ્રેન્ચાઇઝી મળીને કુલ 61 ખાલી સ્થાન ભરવાના બાકી છે, જેમાં સૌથી વધુ વિરાટ કોહલીની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 11 સ્થાન ભરવાના બાકી છે. તેમની પાસે વિદેશી ખેલાડીઓ માટે ખાલી સ્થાન માત્ર ત્રણ છે. આરસીબી પાસે પર્સમાં 35.4 કરોડની રકમ બાકી છે અને તેમાં જ તેમણે આ મેનેજ કરવાનું છે. સનરાઇઝર્સ હૈદરાબાદ પાસે 1 વિદેશી ખેલાડી સહિત માત્ર ત્રણ સ્થાન ખાલી છે અને તેમની પાસે પર્સમાં માત્ર 10.75 કરોડ રૂપિયા બાકી છે. સૌથી વધુ 53.10 કરોડની રકમ કિંગ્સ ઇલેવન પંજાબની પાસે છે અને તેમણે 9 ખેલાડીની જગ્યા ભરવાની છે, આ સિવાય મુંબઇ ઇન્ડિયન્સ પાસે 15.35 કરોડ અને દિલ્હી કેપિટલ્સ પાસે 13.40 કરોડ રૂપિયા છે અને તેમણે એનુક્રમે 7 તેમજ 8 ખેલાડીની જગ્યા ભરવાની છે.
આઇપીએલ ઓક્શનમાં કઇ ફ્રેન્ચાઇઝી પાસે કેટલા રૂપિયા
ફ્રેન્ચાઇઝી પર્સમાં બાકી રકમ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર રૂ. 35.40 કરોડ
રાજસ્થાન રોયલ્સ રૂ. 37.85 કરોડ
કિંગ્સ ઇલેવન પંજાબ રૂ. 53.20 કરોડ
દિલ્હી કેપિટલ્સ રૂ. 19.90 કરોડ
કોલકાતા નાઇટ રાઇડર્સ રૂ. 10.75 કરોડ
મુંબઇ ઇન્ડિયન્સ રૂ. 15.35 કરોડ
ચેન્નાઇ સુપરકિંગ્સ રૂ. 19.90 કરોડ
સનરાઇઝર્સ હૈદરાબાદ રૂ. 10.75 કરોડ