Vadodara

વારંવાર સફાઈ કરવા છતાં ભાયલી કેનાલ ગંદી, સ્થાયી સમાધાનની માંગ

સફાઈ પાછળ લાખોના ખર્ચ બાદ પણ ભાયલી કેનાલ ગંદકીથી છલકાય છે

ખુલ્લી ગટર હવે કચરાખાનું બની ગયું હોય તેવી પરિસ્થિતિ

વડોદરાના વિકાસશીલ વિસ્તારમાંના એક ભાયલીમાં કેનાલ એક મહત્વપૂર્ણ નિકાસ માર્ગ છે. જોકે છેલ્લા ઘણા સમયથી આ કેનાલ પોતાની મૂળભૂત પરિભાષા ગુમાવી બેઠી છે. સફાઈના અનેક પ્રયાસો છતાં ભાયલી કેનાલમાં ગંદકી અને પ્લાસ્ટિક વેસ્ટનું સામ્રાજ્ય યથાવત છે. આ પરિસ્થિતિ માત્ર આસપાસના રહેવાસીઓ માટે અને શહેરના નિકાસ તંત્ર માટે પણ ગંભીર પ્રશ્ન ઊભો કરે છે. સ્થાનિક નાગરિકો વારંવાર ફરિયાદો કરે છે કે કેનાલમાં સામાન્ય કચરાથી લઈને ઘરેલું કચરો પણ ફેંકવામાં આવે છે. જેનાથી આસપાસ દુર્ગંધ ફેલાય છે અને આરોગ્ય માટે જોખમ ઉભું થાય છે. પાલિકા દ્વારા અવારનવાર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે છે, પરંતુ કચરો નાખવાનું બંધ ન થવાને કારણે આ પ્રયાસો નીરર્થક સાબિત થાય છે. થોડા સમય પહેલા વોર્ડ અધિકારીઓએ કચરો કોણ ફેંકે છે તેના માટે કેનાલ પાસે વોચ પણ ગોઠવી, પરંતુ કોઈ ચોક્કસ કાર્યવાહી ન થવાને કારણે લોકો ફરીથી બેદરકાર બન્યા. સફાઈ પાછળ લાખો રૂપિયા ખર્ચ થયા હોવા છતાં પરિણામ ન મળતાં હવે લાંબા ગાળાનું સમાધાન શોધવાની તાતી જરૂરિયાત છે.

ભાયલી કેનાલ પર તાત્કાલિક સ્લેબ બનાવી દેવામાં આવે તો ઘણાં અંશે આ સમસ્યાને નિયંત્રણમાં લાવી શકાય એમ છે. કેનાલ ખુલ્લી હોવાથી લોકો સરળતાથી કચરો ફેંકી શકે છે. સ્લેબ બની જાય તો ન તો કચરો સીધો કેનાલમાં જાશે, ન તો તેમાં દુષિત પાણી નાખી શકાશે. સાથે સાથે કેનાલમાં જ ગટર લાઇનના દૂષિત પાણી છોડવામાં આવતા હોવાનો મામલો પણ ગંભીર છે. વરસાદમાં નિકાસ માટે બનેલી કેનાલમાં ગટરના પાણી છોડવાં એ નિકાસની વ્યવસ્થા પર સીધો પ્રશ્ન ચિહ્ન ઉભું કરે છે. આવી કનેક્ટેડ લાઈનો તાત્કાલિક અલગ કરવામાં આવે તેવી મહત્ત્વની જરૂરિયાત છે. ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ટાળવા લોકોમાં જાગૃતિ લાવવી પણ જરૂરી છે કેમ કે, લોકો પણ અવાર નવાર કચરો નાખતા હોય છે સાથે જ સખત દંડની વ્યવસ્થા કરવી પણ જરૂરી બની છે. નહીંતર પાલિકા સફાઈ કરતી રહેશે અને લોકો કચરો ફેંકતા રહેશે.

Most Popular

To Top