શહેરના સચીન વિસ્તારમાં આવેલી ગુજરાત ગ્રામીણ બેન્કની શાખામાં બે દિવસ પહેલાં બંદૂકના નાળચે થયેલી પોણા ચાર લાખની લૂંટના કેસમાં આરોપી પકડાયો છે. આરોપી યુવકને એમેઝોન પ્રાઈમ ડિલિવરીની ફ્રેન્ચાઈઝી લેવા 10થી 12 લાખની જરૂર હોય તેને ઘર નજીકની બેન્કમાં લૂંટ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ગઈ તા. 20 મેના રોજ સચીનમાં આવેલી ગુજરાત ગ્રામીણ બેન્કની શાખામાં બપોરે બંદૂકના નાળચે પોણા ચાર લાખની લૂંટ થઈ હતી. આ કેસમાં સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપી નાજીસ ઉર્ફે બબલુ મોહમદ સનઉલ્લાહ શેખ (ઉં.વ.22)ને પિસ્તોલ, કાર્ટિઝ અને લૂંટની રકમ સાથે ઝડપી પાડ્યો છે. આરોપી મૂળ બિહારના ચંપારણ જિલ્લાના ફુલવરીયા ગામનો વતની છે. તે સચીનમાં રહે છે.
આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી કે પોતે એમેઝોન પ્રાઈમની પાર્સલ ડિલિવરી ફ્રેન્ચાઈઝી લેવા માંગતો હતો. તેના માટે આરોપીને 10થી 12 લાખની જરૂર હતી. માસિક રૂપિયા 80થી 90 લાખની આવકની ધારણા હતી. તેથી તેણે લૂંટનો પ્લાન બનાવ્યો હતો.
આરોપીએ કહ્યું કે, ફ્રેન્ચાઈઝીમાં રોકાણ કરવા માટેની રકમ ભેગી કરવી હતી. તે ક્યાંયથી મળે તેમ ન હોય ઘરથી બે કિલોમીટર દૂર આવેલી બેન્કમાં લૂંટનો પ્લાન બનાવ્યો હતો. પોતે બેન્ક નજીક જ રહેતો હોય બેન્કની અંદર બહારની સ્થિતિથી વાકેફ હતો. તેને ખબર હતી કે બેન્કમાં માત્ર બે મહિલા કર્મચારી અને એક ડેઈલી બેઝીસનો કર્મચારી જ હોય છે. ત્યાં કોઈ સિક્યુરિટી ગાર્ડ પણ રહેતો નથી. તેથી તેણે બેન્ક લૂંટવા પ્લાન બનાવ્યો હતો. પોતે પિસ્તોલ લઈ તે બેન્કમાં ઘૂસ્યો હતો અને બંદૂકની અણીએ પોણા ચાર લાખની લૂંટ કરી ભાગી ગયો હતો. પોલીસે પિસ્તોલ, સાત કાર્ટિઝ અને લૂંટની પોણા ચાર લાખની રકમ કબ્જે કરી છે.
પોલીસે કહ્યું કે લૂંટ માટે એક મહિના પહેલાં આરોપીએ બિહારમાથી દીપક નામના શખ્સ પાસેથી પિસ્તોલ અને કાર્ટિઝ ખરીદી હતી. 19મીએ બેન્ક લૂંટવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યારે તેની હિંમત થઈ નહોતી. 20મીએ ફરી પિસ્તોલ સાથે બન્ક પહોંચ્યો અને ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે તેને કતારગામ બ્રિટિશ કબ્રસ્તાન નજીકથી પકડી પાડ્યો હતો.