Gujarat

યલો એલર્ટઃ અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાયું, સુરત સહિત આ 7 જિલ્લામાં તોફાની પવન સાથે ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લામાં ભારે પવન સાથે તોફાની વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબ સાગરમાં સર્જાયેલું લોપ્રેશર ડિપ્રેશનમાં ફેરવાવાની શક્યતાને પગલે આગામી તા. 26 મે સુધી રાજયના અનેક જિલ્લામાં વરસાદ માટે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે ગુજરાતમાં સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં પવન ફૂંકાવાની અને વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ સાથે જ હવામાન વિભાગ દ્વારા આ જિલ્લાઓ માટે યલો એલર્ટનું સિગ્નલ જાહેર કરાયું છે.

ભારે વરસાદની આગાહી વચ્ચે ગઈકાલે રાજયના 48થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યો, જેમાં સૌથી વધુ અંકલેશ્વરમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવામાન વિભાગે કરેલી આગાહીને ધ્યાને લેતા રાજ્યના આ જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્રોને સતર્ક અને સજાગ રહેવા તેમજ 24×7 કંટ્રોલરૂમ કાર્યરત કરવા સૂચનાઓ આપી છે. તેમણે આ સંભવિત વરસાદ કે ભારે પવન સામે તકેદારી સાથેના સલામતી પગલાઓ માટેના દિશાનિર્દેશો આપ્યા હતા.

મુખ્યમંત્રીએ ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં પણ કંટ્રોલરૂમ 24×7 કાર્યરત રહે અને આ જિલ્લાઓ સાથે સતત સંપર્કમાં રહે તેવી સૂચનાઓ આપી હતી.

સુરતમાં બુધવારે સવારે વરસાદ વરસ્યો
સુરત શહેર જિલ્લામાં વીજળીના ગડગડાટ સાથે બુધવારે સવારે જોરદાર વરસાદ વરસ્યો હતો. નૈઋત્યના ચોમાસાનું આગમન થાય તે પહેલા જ રાજ્યમાં ચોમાસું જામ્યું હોય તેવો માહોલ છવાયો હતો. ઠેરઠેર પાણીના ખોબાચિયા ભરાઈ ગયા હતા. ખેડૂતોએ સૂકવવા મુકેલો ડાંગરનો પાક ભીંજાઈ ગયો હતો.

ગુજરાતના માથે બે વરસાદી સિસ્ટમ સક્રિય
ગુજરાતના આકાશમાં હાલ એકસાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેના લીધે આગામી 7 દિવસ વરસાદની સંભાવના છે. એક સિસ્ટમ રાજસ્થાન તરફ જ્યારે બીજી તરફ અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. સાયક્લોનિક સર્ક્યુલેશ જેમાં 22 મેની આસપાસ લો પ્રેશર સિસ્ટમ બનશે. ચોમાસાને લઈને પણ દેશમાં પરિસ્થિતિ સાનુકૂળ છે. 4-5 દિવસમાં કેરળમાં ચોમાસાનું આગમન થશે. પરિસ્થિતિ જોતા ગુજરાતમાં પણ ચોમાસા અંગે સારી પરિસ્થિતિ જોવા મળશે.

Most Popular

To Top