આજે બુધવારે તા. 21 મેની વહેલી સવારે સુરતનું આકાળ વીજળીના કડાકા ભડાકાથી ગાજી ઉઠ્યું હતું. વાદળો સુરત શહેર જિલ્લામાં વરસી પડ્યા હતા. સતત એક કલાક કરતા વધુ સમય સુધી ધમાકેદાર વરસાદ વરસ્યો હતો. જાણે ચોમાસું બેસી ગયું હોય તેમ વરસાદ વરસ્યો હતો. વરસાદના લીધે ઠંડક પ્રસરતા લોકોએ રાહત અનુભવી હતી. જોકે, વરસાદના લીધે પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી હતી. હજુ તો ચોમાસાના આગમનને 15 દિવસની વાર છે ત્યાં આજે સવારે એક કલાક કરતા વધુ સમય સુધી ગાજવીજ સાથે વરસાદ વરસતા ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા.
હજુ થોડા દિવસ પહેલાં જ સુરત શહેરના મેયર દક્ષેશ માવાણીએ જાહેરમાં દાવો કર્યો હતો કે સુરત મનપા દ્વારા પ્રિમોન્સુનની કામગીરી પુરી કરી લેવામાં આવી છે. વરસાદી સમસ્યાઓનો સામનો કરવા માટે તંત્ર તૈયાર છે. વધુ વરસાદ પડે તો પણ શહેરીજનોને કોઈ તકલીફનો સામનો નહીં કરવો પડે તેવા દાવા મેયરે કર્યા હતા, પરંતુ અફસોસ તેમના દાવા આજે ખોટા સાબિત થયા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે વહેલી સવારે 6 વાગ્યાથી સુરત શહેરમાં કમોસમી વરસાદ વરસવાનું શરૂ થયું હતું. લગભગ એકાદ કલાક સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો. મોર્નિંગ વોક કરવા નીકળેલા શહેરીજનો વરસાદના લીધે ભીંજાઈ ગયા હતા. દરમિયાન વરસાદના લીધે ઠેરઠેર પાણી ભરાયા હતા, જેના લીધે રાહદારીઓ અને વાહનચાલકોને અવરજવર કરવામાં તકલીફનો સામનો કરવો પડ્યો હતો.

સુરત પાલિકા દ્વારા ચોમાસા પહેલાં પ્રિમોન્સુન કામગીરી હાથ ધરવામા આવી છે અને આ કામગીરી યોગ્ય રીતે થાય તે માટે સતત મોનીટરીંગ પણ થઈ રહ્યું છે. પરંતુ અચાનક તુટી પડેલા વરસાદે પાલિકાની પ્રિમોન્સુન કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. પ્રિમોન્સુન કામગીરીની સમીક્ષા દરમિયાન આ વર્ષે કોઈ જગ્યાએ પાણીનો ભરાવો ન થાય તેવો દાવો કરવામા આવતો હતો. પરંતુ મોરા ભાગળ ચાર રસ્તા, ડભોલી હરી દર્શન ખાંચો સહિત શહેરના અનેક રોડ પર પાણીનો ભરાવો થયો છે. જેના કારણે વહેલી સવારે નોકરી ધંધે નિકળેલા લોકોની હાલત કફોડી થઈ ગઈ હતી.

બીજી તરફ પાલિકાના સફાઈ કર્મચારીઓએ રસ્તા પર ઉતરવું પડ્યું હતું. પાણીના નિકાલ માટે સફાઈ કર્મીઓએ ગટરના ઢાંકણા પાસેનો કચરો હટાવવાની કામગીરી હાથ ધરી હતી.

શહેરમાં 6 ઠેકાણે ઝાડ પડતાં રસ્તા થયા બ્લોક
શહેરમાં સવારના 6 વાગ્યા થી બપોરના 1 વાગ્યા સુધીમાં અલગ અલગ વિસ્તારમાં ૬ ઝાડ પડવાના કોલ ફાયર વીભાગને મળ્યા હતા જો કે સદનસીબે કોઈ જાનહાની થવા પામી ના હતી, કોલ મળતા જ ફાયર વિભાગની ટીમ દ્વારા ઘટના સ્થળે જઈને ઝાડ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સુમુલ ડેરી રોડ પર ઝાડ પડ્યું હતું, અમરોલી તાડવાડી છાપરાભાઠા પાસે ઘર પર ઝાડ પડ્યું હતું, અમરોલી આવાસમાં દુકાન પર ઝાડ પડ્યું હતું, કતારગામ માધવાનંદ આશ્રમ પાસે, વરાછા પોલીસ સ્ટેશન પાસે અને અડાજણ સુરભી ડેરી પાસે ઝાડ પડ્યું હતું.