World

અમેરિકામાં ડીપફેક પોર્ન પર કાયદો બનાવ્યો, 48 કલાકમાં કાર્યવાહી કરાશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ડીપફેક અને રિવેન્જ પોર્ન વિરુદ્ધ એક મોટું પગલું ભર્યું છે અને એક કાયદો બનાવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે બપોરે એક બિલ પર હસ્તાક્ષર કર્યા અને આ કાયદાનું નામ છે ટેક આઈટી ડાઉન એક્ટ.

આ કાયદાની રચના પછી જો કોઈ વ્યક્તિ અથવા પ્રકાશન જે તે વ્યક્તિની સંમતિ વિના વાસ્તવિક અથવા AI દ્વારા જનરેટેડ પોર્નોગ્રાફિક ચિત્ર ઓનલાઈન પોસ્ટ કરે છે. તો ટેકનોલોજી કંપનીઓએ 48 કલાકની અંદર તે સામગ્રી દૂર કરવી પડશે. યુએસ ફર્સ્ટ લેડીએ આજે ​​કહ્યું કે ‘ટેક ઈટ ડાઉન’ એક્ટ આપણા બાળકો, આપણા પરિવારો અને અમેરિકાના ભવિષ્યના કલ્યાણ માટે જરૂરી છે.

અમેરિકાના ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ પણ હાજર રહ્યા હતા
વ્હાઇટ હાઉસ ખાતે રોઝ ગાર્ડન સમારોહ દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિએ આ બિલ પર હસ્તાક્ષર કર્યા અને અમેરિકાના પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પ પણ તેમની સાથે હાજર હતા. આ બિલ હેઠળ કહેવાતા રીવેન્જ પોર્ન અને ગેરકાયદેસર ડીપફેક સામગ્રી પોસ્ટ કરવી ગેરકાયદેસર કૃત્ય ગણાશે. આ કાયદાનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિને જેલ અને દંડ અથવા બંનેનો સામનો કરવો પડી શકે છે.

બંને પક્ષોનો ટેકો મળ્યો
કોંગ્રેસમાં દ્વિપક્ષીય સમર્થન ધરાવતા આ બિલને એપ્રિલમાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ સેનેટ કોમર્સ કમિટીના ચેરમેન ટેડ ક્રુઝ દ્વારા લખવામાં આવ્યું હતું, જેમાં ડેમોક્રેટિક સેનેટર એમી ક્લોબુચર પણ જોડાયા હતા.

ડીપફેક શું છે?
ડીપફેક વાસ્તવમાં એઆઈની મદદથી જનરેટ કરાયેલા વીડિયો અથવા ફોટા છે. તેની મદદથી ઘણા લોકોના ચહેરા બદલાઈ જાય છે. ઘણા કિસ્સાઓમાં, ડીપફેકનો ઉપયોગ કરીને અન્ય વ્યક્તિનો ફોટો અશ્લીલ ઈમેજ અને વીડિયોની ટોચ પર ચોંટાડવામાં આવે છે. તાજેતરમાં આ સંદર્ભમાં એક હિન્દી ફિલ્મ લવયાપા પણ રિલીઝ થઈ હતી, જેમાં ડીપફેક પોર્ન વિશે સમજાવવામાં આવ્યું છે અને તેના જોખમો પણ સમજાવવામાં આવ્યા છે.

Most Popular

To Top