
બારડોલી તાલુકાના હરિપુરા ખાતે ૧૯૩૮માં યોજાયેલી ભારતીય રાષ્ટ્રીય મહાસભાનું ૫૧મું અધિવેશન ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ ઘટના હતી. આ અધિવેશન ૧૯, ૨૦ અને ૨૧ ફેબ્રુઆરી, ૧૯૩૮ના રોજ બારડોલી તાલુકાના હરિપુરા ગામમાં યોજાયું હતું. શહેરને બદલે ગામડામાં યોજાયેલું આ બીજું અધિવેશન હતું, જેનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ જનજાગૃતિ અને નેતાઓનો ગ્રામીણ પરિવેશ સાથે પરિચય કેળવવાનો હતો.
આ ઐતિહાસિક અધિવેશનના પ્રમુખ તરીકે ક્રાંતિકારી નેતા સુભાષચંદ્ર બોઝ હતા. ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ અધિવેશન માટે સ્વાગત સમિતિના પ્રમુખ દરબાર ગોપાળદાસ દેસાઈ હતા અને અનેક અગ્રણી નેતાઓએ વિવિધ જવાબદારીઓ સંભાળી હતી.
અધિવેશન સ્થળને સરદાર પટેલના ભાઈ વિઠ્ઠલભાઈ પટેલની સ્મૃતિમાં ‘વિઠ્ઠલનગર’ નામ અપાયું હતું. આ નગર 450 એકર જમીનમાં બનાવવામાં આવ્યું હતું. જે 2.5 માઈલ લાંબુ અને 1.75 માઈલ પહોળું હતું. વિઠ્ઠલનગરમાં આવવા-જવા માટે કુલ 51 દરવાજા હતા. અધિવેશનના પ્રમુખ સુભાષચંદ્ર બોઝને 51 જોડ બળદના રથમાં બેસાડીને સભા સ્થળે લાવવામાં આવ્યા હતા. આ રથ વાંસદાના મહારાજાએ આપ્યો હતો. અહીં સુભાષચંદ્ર બોઝના સરઘસ માટે વાંસદાના મહારાજાએ ચાંદીનો રથ આપ્યો હતો. આ અધિવેશનમાં લગભગ ૨૯૦૦ પ્રતિનિધિ અને એક લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો. અહીં હસ્તકલા પ્રદર્શન પણ યોજાયું હતું. વિઠ્ઠલનગરમાં 95 ફૂટનો ધ્વજ સ્તંભ ઝંડાચોકમાં બનાવવામાં આવ્યો હતો. જે આજે પણ બારડોલી સ્વરાજ આશ્રમમાં જોવા મળે છે. વિઠ્ઠલનગરની લગભગ 3 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી. અધિવેશન માટે ગાંધીજી અને સરદાર પટેલ કાર્યકરોને માત્ર 50 હજાર રૂપિયાનો ખર્ચ કરવા જણાવ્યું હતું. પરંતુ તેની સામે 7.50 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. જે ફાળો કરીને ખર્ચ ચૂકવવામાં આવ્યો હોવાનું ગામના વડીલ મહેન્દ્રભાઈએ જણાવ્યું હતું.
સુભાષચંદ્ર બોઝે પોતાના પ્રમુખ પદના પ્રવચનમાં સમવાયતંત્ર (કેન્દ્ર અને રાજ્ય એમ બેવડી કક્ષાએ કામ કરતી શાસકીય વ્યવસ્થા)નો વિરોધ અને લઘુમતીઓના વાજબી હક્કોના સ્વીકારની વાત કરી હતી. અધિવેશનમાં કોંગ્રેસ પ્રધાનમંડળો, સમવાયતંત્ર, લઘુમતીઓના હક્કો, દેશી રાજ્યોની સ્થિતિ, કિસાન સભાઓ, વિદેશી નીતિ અને રાષ્ટ્રીય કેળવણી જેવા મહત્ત્વના નવ ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. આ અધિવેશને દેશી રાજ્યોની પ્રજાને તેમના અધિકારો માટે લડવાની પ્રેરણા આપી, જેના પરિણામે રાજકોટ અને લીંબડી જેવાં રાજ્યોમાં પ્રજાકીય લડતો થઈ. હરિપુરા અધિવેશન ગુજરાતમાં યોજાયેલ ચાર પૈકીનું એક હતું, જે સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતના, ખાસ કરીને અમદાવાદ અને સુરતના પ્રદાનને ઉજાગર કરે છે. સુભાષચંદ્ર બોઝની સુરત મુલાકાતની યાદમાં ગોપીપુરા ચૉકને ‘સુભાષચૉક’ નામ અપાયું, જે આ અધિવેશનની સુરત શહેર પરની અસર દર્શાવે છે. આમ, હરિપુરા અધિવેશન ભારતીય સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના ઇતિહાસમાં એક આગવું સ્થાન ધરાવે છે.