એક સમય હતો જ્યારે જેને ભણવું હતું તેને પણ ભણવા દેવામાં નો’તો આવતો. જ્યારે આજે જેને નથી ભણવું, ભણવુ જરૂરી નથી કે ભણવાની યોગ્યતા જ નથી તેને ભણાવવામાં આવે છે. પૈસો, રૂપિયો, ધંધો… બધા જ નિયમો ફેરવી દે છે. બજાર બિન સાંપ્રદાયિક હોય છે. ઊચ-નીચના, જ્ઞાતિ જાતિના ભેદ તે જોતુ નથી. તે જૂએ છે માત્ર નફો, રૂપિયા બધુ જ ભૂલાવે છે. માટે જાગવાનું ગ્રાહકે છે. અર્થશાસ્ત્ર કહે છે કે માણસ તેની જરૂરિયાત મૂજબ ખરીદી કરે છે. પણ વર્તમાન બજારમાં વેચાણ ખર્ચ-જાહેરાતનો મારો. મનોવૈજ્ઞાનિક પરિબળો વ્યક્તિને એવી સેવા-વસ્તુ ખરીદવા તૈયાર કરે છે જેની એને જરૂર જ નથી હોતી!
ધોરણ બારના આકાશી પરિણામો આવી ગયા છે. ઊચ્ચ શિક્ષણના બજારમાં ઊચ્ચ ગુણવત્તાવાળી સંસ્થાઓથી માંડીને સાવ લે-ભાગુ સંસ્થાઓ ડીગ્રી, ડિપ્લોમા કે અન્ય સર્ટીફીકેટ કોર્ષની દુકાનો ખોલીને બેઠા છે! આજે શિક્ષણ વેચાય છે! ખરીદવુ કે ન ખરીદવું તે આપણા હાથમા છે. માટે વાલીઓ અને વિદ્યાર્થીઓ ધીરજ પૂર્વક વિચારજો કે શું મારે ઊચ્ચ શિક્ષણની જરૂર છે? જો જરૂર છે તો કેવા પ્રકારના શિક્ષણની જરૂર છે? શિક્ષણ મેળવવા માટે સમય અને નાણા બન્ને ખર્રચવા પડે છે! શું આ યોગ્ય છે? તેનું ભૌતિક કે અભૌતિક વળતર મને મળશે ખરૂં?
શિક્ષણ એ આધુનિક માનવ જીવનની પ્રાથમિક આવશ્યક્તા છે. માટે જ તેને મૂળભૂત અધિકાર પણ ગણવામાં આવે છે. પણ કયુ શિક્ષણ? ઔપચારિક શિક્ષણ વ્યવસ્થાની રીતે વિચારીએ તો પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સૌને મળવું જોઈએ. સૌ એ મેળવવુ જ જોઈએ. પણ ઊચ્ચ શિક્ષણ, વિશિષ્ટ વ્યવસાયલક્ષી શિક્ષણ માણસે જરૂર હોય તો જ લેવુ જોઈએ! હમણા જ વિદેશી હુંડિયામણના કામકાજમાં લાગેલા એક યુવાને કહ્યું કે મે બારમુ પાસ કર્યા પછી કોલેજ અને એમ.બી.એ.માં ખોટા વર્ષો બગાડ્યા બારબા પછી જ આ વિદેશી હુંડિયામણની આપલે ના ધંધાને સંભાળી લીધો હોત તો સમય અને શક્તિ અને બંને બચત!
ભારતમાં ખાનગીકરણ અને ઊદારીકરણને પાંત્રીસ વર્ષ પૂરા થવા આવ્યા છે. સમાજવાદી સમાજરચનાવાળા દેશમાં રોજગારી માટે માત્ર સરકારી નોકરીઓ જ હતી અને સરકારી નોકરીઓ માત્ર ડીગ્રીના આધારે જ મળતી. એટલે ડીગ્રીનું મહત્ત્વ વધવા લાગ્યુ. સરકારી નોકરીમાં પગાર અને નિશ્ચિતતા સૌને આકર્ષવા લાગી અને ભણો તો ભવિષ્ય ઉજવળ બનશે તે વાત સરકારી નોકરી અને શૈક્ષણીક ડીગ્રીના ગઠબંધન સાથે જોડાઈ ગઈ! પછી તો ધીમે ધીમે માત્ર ડીગ્રી જ મહત્વની રહી અને જ્ઞાન, આવડત, અભ્યાસ એ બધાની તો કોઈ જરૂર જ નથી એમ સમાજ માનવા લાગ્યો. કોલેજોમાં એડમિશન લો. વર્ષ પતે ત્યારે પરિક્ષા આપો પછી ડીગ્રી લો અને નોકરીની લાઈનમાં ઊભા રહો.
વર્ષ 2000 પછી સરકારે સરકારી નોકરીઓમાં ભરતી બંધ કરી સીધી ભરતીની પ્રથા બંધ થઈ ડીગ્રી અને નોકરી વચ્ચેનો સંબંધ તૂટી ગયો. હવે રેલ્વેથી માંડીને બેંક સુધી. શિક્ષકથી માંડીને કલેક્ટર સુધી તમામ નોકરીઓ સ્પર્ધાત્મક પરિક્ષા દ્વારા લેવાય છે. એટલે ગમે તેમ કરીને ડીગ્રી મેળવી લીધી તો નોકરી મળી જશે. તે વાત ભૂલી જવી જરૂરી છે. પણ સમાજમાં ખાસ તો ગ્રામ્ય અને અંતરીયાળ વિસ્તારોમાં સામાન્ય પ્રજા હજુ આ વાત સમજી નથી. એમને તો સરળતાથી પ્રવેશ મળે અને ભણ્યા વગર ડીગ્રી મળે તેવી વ્યવસ્થા બહુ ‘વાજબી’લાગે છે. અને પરિણામે ‘‘ફી ભરો-ડીગ્રી મેળવો’’ના સૂત્રથી શરૂ થયેલી સેલ્ફ ફાયનાન્સ કોલેજોના રાફડા ફાટ્યા છે.
વર્ષોથી શિક્ષણશાસ્ત્રીઓ કૌશલ્ય પર ભાર મુકી રહ્યા છે કોઈ પણ રાષ્ટ્રના નાગરીક ઘડતર માટે જરૂરી હોય તેવું વિધિસરનું શિક્ષણ બધા ને મળે પછી વ્યક્તિએ એવા શિક્ષણમાં આગળ વધવુ જોઈએ જે તેને અર્થોપાર્જનમાં મદદ કરે! અને કૌશલ્ય વગર તે શક્ય નથી! સમાજમાં આજે ઈલેક્ટ્રીશીયન, મિકેનીક, કુશળ કારીગરોની અછત છે. બીજી બાજુ બી.એ, બી.એડ.ની ફોજ વધતી જ જાય છે. હવે તો એમ.બી.એ. અને એન્જિનિયરીંગની પણ આ જ હાલત છે અને મેડીકલમાં ડેન્ટીસ્ટની સંખ્યા બેકારોમાં વધારો કરી રહી છે. વિષય તરીકે ભાષાઓ, સમાજશાસ્ત્રો, વાણીજ્ય કે વિજ્ઞાન સરખુ મહત્ત્વ ધરાવે છે.
કળા અને માનવનિધાનો અભ્યાસ ખૂબ જ અગત્યનો છે. પણ તે અભ્યાસ શરૂ કરતા પહેલા એક જ પ્રશ્ન પૂછવાનો હોય છે કે શુ કામ ? મારે ગુજરાતી સાથે બી.એ, એમ.એ. શુ કામ થવું છે ? ઇતિહાસમાં માર્સસ્ટ અને પછી પી.એચ.ડી. શા માટે કરવી છે ? શુ હું સંસ્કૃત સાથે ‘ગ્રુજ્યએટ થયા પછી કર્મકાંડના વ્યવસાયમાંથી કમાણી કરવા માંગુ છું ? શુ હું ઇતિહાસમાં સંશોધન અને અથઘટન કરવા માંગુ છું ! કોઇ પણ વિષયમાં ગ્રેજુએટ થઇ શિક્ષક થઇ જઇએ ! એવી સાદી માનસીકતાથી શિક્ષણના બજારમાં રૂપિયા ખર્ચનારા સૌએ વર્તમાન સ્થિતિનો અભ્યાસ કરવા જેવો છે !
ગુજરાત સરકારે છેલ્લા ઘણા સમયથી વિદ્યાસહાય, શિક્ષણ સહાયકની ભરતી જ નથી કરી, ટેટ-ટાટ પાસ લાખો ઉમેદવારો હજુ રાહ જોઇ રહ્યા છે. ખાનગી શાળા કોલેજો નોકરી તો આપશે પણ પગાર અને નિશ્ચિતતા નહીં આપે ! વળી, ઊચ્ચ શિક્ષણમાં જતા પહેલા મોટો પ્રશ્ન એ પણ ખરો જ કે શું ? તમે ખરેખર શિક્ષણ મેળવવા માંગો છો ! નિયમિત કોલેજ જવું, નિયમિત અભ્યાસ કરવો. એ તમારૂ લક્ષ છે ! જે ખરેખર ભણે છે તેને તો આજે પણ કોઇને કામ મળી જ રહે છે. પણ નાની-મોટી નોકરી-ધંધાની સાથે કોલેજ ગયા વગર, પુસ્તકો વાંચ્યા વગર પરિક્ષામાં ગપ્પા મારીને, કોપી કરીને પાસ થઇ જવાના ‘સ્પષ્ટ ધ્યેય’સાથે ભણનારા ખરા અભ્યાસુઓને મુશ્કેલી પહોંચાડે છે !
જે ખેતરમાં કશુ ન ઊગે ત્યાં ઊગી નીકળેલી કોલેજો તમને ફી ભર્યા પછી કોલેજ નહીં આવો તો ચાલશે! ની બાહેધરી આપે છે તે તો માત્ર તમને લૂંટવા જ બેઠી છે. આ કોલેજો સંસ્થામાં યોગ્ય સ્ટાફની ભરતી જ કરતી નથી. તમે નિયમિત ભણવા જતા નથી માટે તે નિયમિત ભણાવવાની વ્યવસ્થા જ ગોઠવાતી નથી. અને માટે જ તે પરિક્ષામાં ચોરી કરવાની સાર્વજનીક વ્યવસ્થા પુરી પાડે છે. સમજો જયાં જયાં પરિક્ષાના પરિણામ પછી તરત નોકરી છે તે તે પરિક્ષાઓ કેવી કડક રીતે લેવાય છે.
પરિક્ષાના સમયના અડધા કલાક પહેલા પહોંચવું પડે, બૂટ-મોજા કે ડ્રેસમાં પણ કશું સંતાડી ન શકાય, સી.સી. ટી.વી. કેમેરા દરેક વિદ્યાર્થીને અલગ પ્રશ્ન પત્ર… અને કોલેજોની પરિક્ષામાં લાલીયવાડી! અમારા અધ્યાપક મિત્ર આ સામુહિક ચોરી કરતા વિદ્યાર્થીઓને કાયમ કહે છે કે તમે ન ભણો, આગળ ન વધો તે માટેનું આ વ્યાપક કાવત્રુ છે! તમે બધા જો ભણશો તો અમારા બાળકો શું કરશે? કોલેજ ગયા વગર, કશી મહેનત અભ્યાસ કર્યા વગર સતત પાસ થવાની તમને ટેવ પડી જશે. પટી નોકરી-વ્યવસાયના બજારમાં, સ્પર્ધાત્મક પરિક્ષાની દોડમાં તમને કશું આવડવાનું જ નથી! તમે જાતે જ તમારી જાતને દોષ દેવાના છો. કે મને ના આવડયું માટે હું નપાસ થયો! પણ તમને ન કેમ આવડયું? કારણ તમે શીખો. એ વ્યવસ્થા જ અમે નથી રાખી?
આ વાત સમજવા જેવી છે! શિક્ષણના વેપારમાં શિક્ષણ વેચવા અને ખરીદવાની સૌને સ્વતંત્રતા છે. જવાબદારી છે! જો ખરેખર તમે વહીવટી અધિકારી, સારા શિક્ષક, કલાર્ક કે લેખક પત્રકાર બનવા માંગો છો તો બેશક કોઇ સારી સંસ્થામાં પ્રવેશ મેળવો! તમે જે અભ્યાસ ક્રમમાં જોડાવા માંગો છો તેનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરવા માંગતા હો તો જ તેમાં લાખોની ફી ભરીને જોડાજો. માત્ર કોઇ કામ નથી તો કોલેજ કરીએ… એ વિચારે આ બજારમાં આવતા નહીં! બારમા ધોરણ સુધીનું શિક્ષણ પૂરતુ છે.
બેંકીગનો, ડ્રાફટસમેનનો, ઇલેકટ્રીશીયનનો, ફોરેન એક્ષચેન્જનો કોઇ પણ કૌશલ્યવર્ધક કોર્ષ કરો. સ્વતંત્ર વ્યવસાય કે નોકરી કરી શકાશે. તેને માટે પરંપરાગત આર્ટસ, સાયન્સ, કોમર્સ કે ફાર્મસી, એન્જિનિયરીંગમાં વધુ ચાર પાંચ વર્ષ મુકવાની જરૂર નથી! છેલ્લે એક જ વાત જ્ઞાન જ મેળવવું હોય તો તે ઘરે બેસીને પણ મળી જ શકે છે. ભાષા આવડે પછી ભાષા દ્વારા દુનિયાના કોિપણ વિષય વિષે માહિતી મળી શકે છે. જ્ઞાન ખાતર જ્ઞાન માટે ઔપચારિક ડીગ્રીની જરૂર નથી. વ્યવસાય માટે, અર્થમાર્જન માટે જ શિક્ષણ લેવાનું છે તેમાં ડીગ્રી નહીં આવડત જરૂરી છે અને એ આવડત મેળવવા માટે મહેનત કરજો. મહેનત કરીને ડીગ્રી મેળવવા માટે રૂપિયા ન ખર્ચશો.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.