લોકો કમાણી કરવા, વધુ સારા જીવન ધોરણની આશાએ વગેરે કારણોસર વિદેશોમાં જઇને વસે છે. ત્યાંથી તેઓ સ્વદેશમાં પોતાના કુટુંબીજનોને જે નાણા મોકલે છે તેના માટે અંગ્રેજીમાં રેમિટન્સ શબ્દ છે. દુનિયાભરના અનેક સારી કમાણી પુરી પાડતા દેશોમાંથી લોકો આ રેમિટન્સ પોતાના દેશમાં, પોતાના કુટુંબને, સગાઓને મોકલતા હોય છે. અમેરિકામાં જઇને વસેલા ભારતીયો પણ મોટા પ્રમાણમાં ત્યાંથી રકમ પોતાના દેશમાં, પોતાના કુટુંબીજનોને મોકલે છે. પણ અમેરિકામાં વસતા જે ભારતીયો પોતાના ઘરે નાણા મોકલે છે તેનો ખર્ચ હવે વધી શકે છે. જ્યારે અમેરિકામાંથી બહાર જતી આવી રકમનો આંકડો ૧.૬ અબજ અમેરિકી ડોલરને વટાવી જાય તેવી શક્યતા છે ત્યારે ટ્રમ્પ પ્રશાસન આ રકમ પર પ ટકા ટેક્સ લાદવાની યોજના બનાવી રહ્યું છે.
અમેરિકામાંથી બહાર જતી રકમના ૨૦૨૩-૨૪ના આંકડા તાજેતરના આરબીઆઇના એક લેખમાંથી ભેગા કરવામાં આવ્યા હતા જે મુજબ ભારતીયો તરફથી અમેરિકાથી સ્વદેશ મોકલાતી રકમમાં ખાસ્સો વધારો થયો છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ પ્રાથમિકતા ખરડામાં, રેમિટન્સ ટ્રાન્સફર પર 5 ટકા એક્સાઇઝ ટેક્સનો પ્રસ્તાવ છે જે ગ્રીન કાર્ડ અને H1B વિઝા ધરાવતા લોકો સહિત 4 કરોડથી વધુ લોકોને આવરી લેશે. પ્રસ્તાવિત વસૂલાત અમેરિકી નાગરિકો માટે લાગુ પડશે નહીં. ૨૦૨૩-૨૪માં વિદેશોમાંથી ભારતીયો દ્વારા વતનમાં મોકલાતી રકમમાં અમેરિકાથી આવતી રકમનો જ ફાળો સૌથી વધુ હતો જે આવી કુલ રકમના ૨૭.૭ ટકા હતો, જે ૨૦૨૦-૨૧માં ૨૩.૪ ટકા હતો. હવે અમેરિકાની હાલની સરકાર આ રેમિટન્સ પર ટેક્સ નાખવા યોજના બનાવી રહી છે.
ટ્રમ્પના નવા ખરડામાં અમેરિકામાં રહેતા લાખો ભારતીયો માટે એક ભયાનક બાબત છે, પછી ભલે તેઓ નોન-ઇમિગ્રન્ટ વિઝા ધારકો (જેમ કે H-1B) હોય કે ગ્રીન કાર્ડ ધારકો. આ બિલ લાગુ થયા પછી, જે કોઈ પણ અમેરિકન નાગરિક નથી અને જે દેશની બહાર પૈસા મોકલે છે તેમણે 5 ટકા રેમિટન્સ ટેક્સ ચૂકવવો પડશે. તાજેતરમાં, અમેરિકા ભારતમાં રેમિટન્સ માટે સૌથી મોટા સ્ત્રોત દેશ તરીકે ઉભરી આવ્યું છે, જેનું કારણ અમેરિકામાં ભારતીય ડાયસ્પોરાના કદ અને તેમની આવકનું સ્તર બંને છે. ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, અમેરિકામાં લગભગ 45 લાખ વિદેશી ભારતીયો છે, જેમાં લગભગ 32 લાખ PIOનો સમાવેશ થાય છે.
જો આ બિલ લાગુ કરવામાં આવે છે, તો પણ જો આપણે યુએસમાંથી રેમિટન્સનો આંકડો સ્થિર માની લઈએ, તો પણ ભારતીય ડાયસ્પોરા રેમિટન્સ ટેક્સ તરીકે 1.6 અબજ ડોલર ચૂકવશે. ટ્રમ્પને જ્યાં ત્યાંથી વિદેશીઓ પાસેથી નાણા જ ખંખેરવાની ચળ ઉપડી છે. હવે તેઓ રેમિટન્સ ટેક્સ નાખી રહ્યા છે. પ ટકા ટેક્સ ઘણો વધારે જ કહેવાય. જો કોઇ ભારતીય કે અન્ય દેશનો નાગરિક પોતાના વતનમાં ૧૦૦૦ ડોલર મોકલે તો તેણે પ૦ ડોલર તો ટેક્સ ચુકવવો પડે. અમેરિકામાં ભરવાના થતા બીજા વેરા તો જુદા. લાગે છે કે ટ્રમ્પ દુનિયાભરના લોકોમાં અમેરિકાને અળખામણુ કરી દેશે.