વલસાડ: વલસાડ તિથલ રોડ પર આવેલી એક હાઇ પ્રોફાઇલ બિલ્ડીંગના ત્રીજા માળની બાલ્કનીમાં એક વૃદ્ધ ફસાઇ ગયા હતા. જેઓ બાલ્કનીમાં આવ્યા અને રૂમનો દરવાજો બંધ થઇ ગયો હતો. જેના કારણે ફાયર બ્રિગેડે દોરડા વડે ઉતરી તેમને ઉગાર્યા હતા.
- તિથલ રોડ કંચનજંગા બિલ્ડીંગમાં રૂમનો દરવાજો બંધ થઇ જતાં વૃદ્ધ ફસાઇ ગયા હતા
વલસાડના કંચનજંગા બિલ્ડીંગમાં બી વિંગમાં ત્રીજા માળે રહેતા રાજેશભાઇ શાહ (ઉં.વ. 65) ગઈ રાત્રે તેમના ઘરની બાલ્કનીમાં ફસાઇ ગયા હતા. તેઓ બાલ્કનીમાં બેઠાં હતા ત્યારે આકસ્મિક રીતે રૂમનો દરવાજો બંધ થઇ ગયો હતો. રૂમનો દરવાજો બંધ હોય તેઓ અંદર જઇ શકતા ન હતા. જેના કારણે તેમણે બૂમરાણ મચાવી આજુ બાજુના લોકો પાસે મદદ માંગી હતી. આજુ બાજુના લોકો આવ્યા પરંતુ તેમને બહાર કાઢવાનો રસ્તો તેમને મળ્યો ન હતો.
આખરે તેમણે વલસાડ નગરપાલિકાના તિથલ રોડના સભ્ય અને કારોબારી ચેરમેન અશિષ દેસાઇને ફોન કર્યો અને તેઓ ફાયર વિભાગની ટીમને લઇ તુરંત ત્યાં પહોંચ્યા હતા. જ્યાં ફાયર વિભાગની ટીમે દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. તેઓ ચોથા માળની બાલ્કનીમાં ગયા અને ત્યાંથી તેઓ નીચે ઉતર્યા હતા. ત્યાર બાદ ત્રીજા માળની બાલ્કનીનો દરવાજો કળ અને બળથી ખોલી કાઢ્યો હતો અને રાજેશભાઇને બાલ્કીનીમાંથી ઘરમાં લઇ ગયા હતા.
આ સંદર્ભે ફાયર અધિકારી હાર્દિપભાઇએ જણાવ્યું કે, એ સમયે રાજેશભાઇ ઘરમાં એકલા હતા. તેમના ફ્લેટનો મુખ્ય દરવાજો તેમણે અંદરથી બંધ કર્યો હોય કોઇ પણ વ્યક્તિ બહારથી તેમના ઘરમાં પ્રવેશ કરી શક્યું ન હતુ. જેના કારણે ફાયરના માણસોએ ચોથા માળની બાલ્કનીમાંથી તેમની બાલ્કનીમાં ઉતરવું પડ્યું અને તેમનો દરવાજો ટેકનીકથી ખોલવો પડ્યો હતો.