SURAT

સુરતની હોટલમાં ગેંગરેપ, ભાજપના વોર્ડ મહામંત્રીએ મિત્ર સાથે મળી વારાફરતી દુષ્કર્મ કર્યું

સુરતમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીંની એક હોટલમાં 23 વર્ષીય યુવતીનો ગેંગરેપ થયો છે. અત્યંત ચોંકાવનારી બાબત એ છે કે આ મામલામાં ભાજપનો મહામંત્રી અને તેના મિત્રો આરોપી છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. ઘટનાની જાણ થતા ભાજપ દ્વારા આરોપી આદિત્ય ઉપાધ્યાયને વોર્ડના મહામંત્રી પદેથી સસ્પેન્ડ કરી દેવાયો છે.

આ કેસની મળતી માહિતી અનુસાર ભાજપના વોર્ડના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્રોએ એક 23 વર્ષીય યુવતીનો જહાંગીરપુરાની હોટલમાં ગેંગરેપ કર્યો છે. યુવતીને ઘેની પદાર્થ પીવડાવી નરાધમોએ તેની પર વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું.

વધુમાં મળતી માહિતી અનુસાર વેડરોડ 23 વર્ષીય યુવતી રોજની જેમ બજારમાં ગઈ હતી, ત્યારે ઓળખીતા યુવક આદિત્ય ઉપાધ્યાય તેને મળ્યો હતો. આદિત્ય ઉપાધ્યાય સુરતના વોર્ડ નં 8માં ભાજપનો મહામંત્રી છે. વાતચીતના બહાને અમિત ઉપાધ્યાયે યુવતીને પોતાની કારમાં બેસાડી હતી.

બાદમાં આદિત્યએ યુવતીને કારમાં જ કેફી પીણું પીવડાવ્યું હતું. થોડી જ મિનિટોમાં યુવતી બેભાન થઈ ગઈ હતી. ત્યાર બાદ આદિત્ય યુવતીને જહાંગીરપુરાની એક હોટલમાં લઈ ગયો હતો, જ્યાં તેનો એક મિત્ર ગૌરવસિંહ રાજપુત પહેલાથી જ હાજર હતો. બંને યુવકોએ હોટલના રૂમમાં યુવતી પર વારાફરતી દુષ્કર્મ કર્યું હતું.

ત્યાર બાદ આદિત્યએ યુવતીને કારમાં બેસાડી તેના ઘર નજીક છોડી દીધી હતી. ભાનમાં આવ્યા બાદ યુવતીએ તરત પોલીસનો કોન્ટેક્ટ કર્યો હતો અને સમગ્ર ઘટનાની માહિતી આપી હતી. સુરત પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી આરોપી આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્ર ગૌરવસિંહ રાજપૂતને પકડી લીધા છે.

સમગ્ર મામલો બહાર આવતા તાત્કાલિક અસરથી ભાજપે આરોપી આદિત્ય ઉપાધ્યાયને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધો હતો. ભાજપ સુરત શહેર પ્રમુખ પરેશ પટેલે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. દરમિયાન પોલીસે હોટલના સીસીટીવી ફૂટેજ, કારની વિગત, કોલ રેકોર્ડ અને યુવતીના નિવેદનના આધારે તપાસ આગળ ધપાવી આરોપીઓના રિમાન્ડ લેવા તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top