આજકાલ આપણે અખબારો, ન્યૂઝ ચેનલો તથા સોશ્યલ મીડિયા દ્વારા ઑપરેશન સિંદૂર, સૈન્ય શક્તિની ઉપલબ્ધિઓ, તેની ખૂબી-ખામીઓની, ભારતની વિદેશનીતિની, આર્થિક વિકાસ અને વેપારની, ખૂબ વાતો જોઈ. સંભળી. ભારતવાસી તરીકે આપણે જરૂર એવું ઇચ્છીએ કે ભારત એક આર્થિક રીતે સમૃદ્ધ, સૈન્ય દૃષ્ટિએ એવું મજબૂત કે કોઈ દુશ્મન દેશ લડવાનું તો ઠીક આંખ ઉઠાવીને જોવાની હિંમત ન કરે. ટેકનોલોજીમાં પણ સમૃદ્ધ એવું કે ટેકનોલોજી માટે કોઈ ની પાસે ભીખ માંગવી ન પડે. દુનિયા આપણી ટેકનોલોજી માટે લાઇન લગાવે.
આ બધું જ કરવાની ક્ષમતા આપણાં દેશવાસીઓમાં છે એ સર્વવિદિત છે. પરંતુ આ બાબતે ટેકનોલોજીકલ માહિતી, શિક્ષણ, સ્ટાર્ટઅપ કરવા માટેની પ્રાથમિક માહિતી મૂડીરોકાણ ક્યાંથી અને કેવી રીતે કરવું આ બધી બાબતોની ઊણપ છે એવું લાગે. દેશોમાં અખબારો અને ટીવી ચેનલો ઉપરોક્ત બાબતે ખૂબ ટેકનીકલ અને ટેકનોલોજીકલ માહિતી સાથે ખૂબ પ્રચાર-પ્રસાર કરે, રોજીંદા સમાચાર કે અન્ય કાર્યક્રમોમાં થોડી સ્પેસ રાખી દેશના યુવાધનને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવે એવી અપેક્ષા રાખીએ.
સુરત – સુરેન્દ્રસિંહ જી. દેવધરા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
મોદીએ આવી ભૂલ કેમ કરી?
મને લાગે છે કે પાકિસ્તાન સામે આપણે એક સુંદર તક ગુમાવી દીધી છે. આપણા દેશનાં બધાં જ લોકોની આ લાગણી છે. ટ્રમ્પની શેહશરમમાં આવીને આપણે જીતેલી બાજી હારી ગયા. મુખમાં આવેલો કોળિયો જતો કરી દીધો અને શસ્ત્રવિરામ સ્વીકારી લીધો. POK લઈ લેવા માટેની આ એક સુંદર તક આપણે ગુમાવી દીધી. આપણી લશ્કરી મદદ મોકલીને બલુચિસ્તાનને પણ સ્વતંત્ર કરાવવા માટે આ યોગ્ય સમય હતો. આપણે બેમાંથી કશું જ ન કર્યું. આપણે મસૂદ અઝહર કે દાઉદને પણ પકડી શક્યા નહિ. જો કે આમાં કોઈ ઊંડો રાઝ હશે જે આપણને કદી ખબર નહિ પડશે.
1971માં ભૂ.પૂ.વં.પ્ર. ઈંદિરા ગાંધીએ અમેરિકાના પ્રમુખ નિકસનની ધમકીને પણ ધરાર અવગણીને નિડરતાથી બાંગ્લા દેશને સ્વતંત્ર કર્યું હતું. હાલના વ.પ્ર. નરેન્દ્ર મોદીએ પણ બલુચિસ્તાન માટે આવી નિડરતા દાખવવી પડશે. જો કે ઈંદિરાજીએ પણ તે સમયે ભૂલ કરી હતી. પાકિસ્તાનના 93000 સૈનિકોને કોઈ પણ જાતની સોદાબાજી કર્યા વગર તેમણે પાછા સોંપી દીધા. તે સમયે આ સૈનિકોના બદલામાં POK માંગી શક્યાં હોત! આપણું લશ્કર હંમેશ જંગ જીતે છે પણ રાજકારણીઓ મંત્રણા ટેબલ પર જંગ હારી જાય છે.
સુરત- ડો. કિરીટ એન. ડુમસિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.