શહેરના ડુમસ વિસ્તારમાં આવેલા સાયલન્ટ ઝોનની કરોડોની જમીનના કૌભાંડના કેસમાં સીઆઈડી ક્રાઈમે શુક્રવારે મોડી રાત્રે એક આરોપીની ધરપકડ કરી છે. નાસતા ફરતા સિટી સરવે સુપરિન્ટેન્ડન્ટ અનંત પટેલને સીઆઈડીએ મહારાષ્ટ્રના પૂણેથી ઝડપી લીધો છે. અનંત પટેલની ધરપકડ બાદ હવે સમગ્ર કેસમાં વધુ મોટાં ખુલાસાઓની શક્યતા CID અધિકારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
આ કેસમાં કરોડોની સરકારી જમીનના દસ્તાવેજો સાથે ચેડાં કરીને બોગસ પ્રોપર્ટી કાર્ડો તૈયાર કરવામાં આવ્યા હતા. લેન્ડ પોલિસી મુજબ જ્યાં કોઈ પણ પ્રકારનો વિકાસ શક્ય નહોતો એવી સાયલન્ટ ઝોનના વિસ્તારોને ખાનગી માલિકીની બતાવી તેમને વેચવાનું કૌભાંડ કરાયું હતું.
આ સમગ્ર કૌભાંડમાં અનંત પટેલની ભૂમિકા ભૂંડી રહી છે. અનંત પટેલે પોતાના પદનો દુરૂપયોગ કરીને નકલી ડોક્યુમેન્ટેશન તૈયાર કરવામાં કૌભાંડીઓને મદદ કરી હોવાનું તેમજ સત્તાધિકારીઓ પાસેથી જરૂરી સર્ટિફિકેટ પસાર કરાવવાની મુખ્ય ભૂમિકા ભજવી હોવાનો આરોપ છે.
ખૂબ ગાજેલા જમીન કૌભાંડમાં સુરત શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં આવેલા પોઝીશન ધરાવતા પ્લોટો અને જમીનો સાથે છેડછાડ કરવામાં આવી હતી. આ અંગેની વિગતો મળી આવ્યા બાદ સુરત CID ક્રાઇમમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને તપાસ શરૂ કરવામાં આવી હતી. CID ટીમે તદ્દન ગુપ્ત રીતે તપાસ આગળ ધપાવી હતી અને બાદમાં મળેલી ટોચની માહિતીના આધારે તેમણે મહારાષ્ટ્રના પુણે શહેરમાં દરોડા પાડ્યા હતા. જ્યાંથી અનંત પટેલને મોડી રાત્રે ઝડપી લેવામાં આવ્યો છે.