વલસાડઃ વલસાડના સાંકડા રોડ અને વધતા જતા વાહનોના વ્યાપે લોકોની મુશ્કેલી વધારી છે. જેમાં જૂના વલસાડ ગણાતા એમ. જી. રોડ, વી. પી. રોડ, મોટા બજાર વિસ્તારમાં પાર્કિંગની વ્યાપક સમસ્યા ઉભી થઇ છે. ત્યારે આ મુખ્ય માર્ગો સહિતના શહેરના 18 માર્ગોને પહોળા કરવા માટે ડિમોલિશનની હિલચાલ નગરપાલિકામાં ચાલી રહી છે. પાલિકા દ્વારા શહેરના નવા ડેવલપમેન્ટ પ્લાનને અમલમાં મુકવાની તૈયારીઓ થઇ રહી છે, પરંતુ ડિમોલિશનની પ્રક્રિયા ખરા અર્થમાં થશે ખરી એવા સવાલો પણ ઉઠી રહ્યા છે.
- પાલિકા દ્વારા જૂના વલસાડનો સરવે થઇ રહ્યો છે, અનેક વેપારીઓ તેમજ સંસ્થાઓ દ્વારા ચર્ચા વિચારણા પણ થઇ
વલસાડ નગરપાલિકાએ આ વખતે 44 પૈકી 41 બેઠકો હાંસલ કરી ઇતિહાસ રચી દીધો હતો. ત્યારે હવે ભાજપ શાસિત પાલિકા ધારે તો વિરોધ વિના શહેરનો વિકાસ કરી શકે છે. વલસાડ શહેરના વિકાસ માટે તેમના મુખ્ય માર્ગોને પહોળા કરવા જરૂરી બન્યા છે. સાથે અહીં પાર્કિંગ વ્યવસ્થા યોગ્ય બને એવા પ્રયાસો પણ થાય એ જરૂરી બન્યું છે. ત્યારે પાલિકા દ્વારા આ માટે હિલચાલ શરૂ કરી દેવાઇ છે.
વલસાડ નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે અનેક માર્ગોને પહોળા કરવાનો સરવે ચાલી રહ્યો છે. નવા પ્લાન મુજબ શહેરના માર્ગથી બંને તરફ 6 મીટર જેટલું અંતર ખુલ્લુ કરવાનું હાલ વિચારાઇ રહ્યું છે. જેના માટે લોકો પણ સાથ આપવા તૈયાર હોવાનું હાલ પ્રાથમિક દ્રષ્ટીએ લાગી રહ્યું છે. પાલિકા દ્વારા વલસાડના વી.પી. રોડ, એમ. જી. રોડ, રામવાડી, છીપવાડ, બંદર રોડ, મોટા બજાર સહિતના અનેક માર્ગોને વિસ્તૃત કરી તેનો વિકાસ કરવાની તૈયારી ચાલી રહી છે.
અનેક ધાર્મિક સ્થળોનું પણ ડિમોલિશન થઇ શકે છે
વલસાડ શહેરમાં અનેક ધાર્મિક સ્થળોનું પણ ડિમોલિશન થઇ શકે છે. જેમાં મંદિર અને મસ્જિદ બંનેનો સમાવેશ થાય છે. શહેરના વિકાસ માટે તેમની પાસે પણ સાથ સહકાર મંગાઇ રહ્યો છે. જેમાં મહત્તમ લોકો આ વિકાસ માટે તૈયાર હોવાનું પણ જાણવા મળ્યું છે. જોકે, પાલિકા પોતાનો આ એક્શન પ્લાન ક્યારે અમલમાં મુકે એ જરૂરી બન્યું છે.
માજી પ્રમુખ દિપક રાણાએ એમ. જી. રોડનું ડિમોલિશન કર્યું હતું
વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ દિપક રાણાએ એમ. જી. રોડનું ઐતિહાસિક ડિમોલિશન કરી ઇતિહાસ રચ્યો હતો. એ સમયે ટાવરથી લઇ નવયુગ સુધીનો આ માર્ગ ખુબ જ સાંકડો હતો. જેના માટે એ સમયમના પ્રમુખ દિપક રાણાએ વેપારીઓને અપિલ કરી હતી. જેમની અપિલને માન આપી આ રોડના તમામ લોકોએ સ્વૈચ્છીક ડિમોલિશન કર્યું હતુ. જેના કારણે માર્ગ મોટો થઇ શક્યો હતો. એ પ્રકારનું ડિમોલિશન વલસાડમાં ત્યારબાદ થયું જ નથી.
અનેક ગેરકાયદેસર બિલ્ડીંગનો તૂટે તો માર્ગ મોકળો થઇ શકે
વલસાડ શહેરમાં કેટલીક કુખ્યાત બિલ્ડીંગો છે. સદંતર ગેરકાયદેસ રીતે બનેલી આ બિલ્ડીંગો તૂટે તો માર્ગ મોકળો થઇ શકે એમ છે. રાજકિય કે સરકારી રહેમ નજર હેઠળ વર્ષો જૂની આ બિલ્ડીંગો તોડવાનો સમય આવી ગયો છે. ત્યારે આવી બિલ્ડીંગો તોડીને શહેરને વિકસિત બનાવાય એવી લોકોની પણ લાગણી પ્રવર્તી રહી છે. ત્યારે પાલિકાની નવી બોડી પણ આ અંગે ધ્યાન આપે એ જરૂરી બન્યું છે.