ત્રણ વખત બાંગ્લા દેશનાં વડાં પ્રધાન રહી ચૂકેલાં ખાલિદા ઝિયા બાંગ્લા દેશ પરત ફર્યાં છે. આ સાથે દેશની વચગાળાની સરકાર અને ખાસ કરીને તેના સલાહકાર મોહમ્મદ યુનુસ પર સામાન્ય ચૂંટણીઓ યોજવાનું દબાણ વધવા લાગ્યું છે. ગયા વર્ષે ૮ ઓગસ્ટના રોજ, વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન અને હિંસા વચ્ચે તત્કાલીન વડાં પ્રધાન શેખ હસીનાને દેશ છોડવાની ફરજ પડી હતી.
હસીના હાલમાં ભારતમાં રહે છે. દરમિયાન ખાલિદા ઝિયા પોતાની બીમારીની સારવાર માટે લંડન ગયાં હતાં, જ્યાંથી તેઓ ગયા અઠવાડિયે પોતાના દેશ પરત ફર્યાં હતાં. ખાલિદા ઝિયાએ બે વાર વડાં પ્રધાન તરીકેનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. ત્રીજા કાર્યકાળમાં તેઓ ફક્ત થોડા મહિના માટે વડાં પ્રધાન રહ્યાં, જે દરમિયાન તેમને સત્તા પરથી દૂર કરવામાં આવ્યાં અને ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતા. આ આરોપો માટે તેમને ૧૭ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ વર્ષે જાન્યુઆરીમાં સુપ્રીમ કોર્ટે તેમને તમામ આરોપોમાંથી મુક્ત કર્યાં હતાં.
બાંગ્લા દેશમાં મુખ્ય રાજકીય સ્પર્ધા ખાલિદા ઝિયાની બાંગ્લા દેશ નેશનાલિસ્ટ પાર્ટી અને શેખ હસીનાની અવામી લીગ વચ્ચે રહી છે. આ બે ઉપરાંત, જમાત-એ-ઇસ્લામી બાંગ્લા દેશનું પણ દેશના રાજકારણમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ સ્થાન રહ્યું છે. વિદ્યાર્થી આંદોલન પછી દેશમાં એક નેશનલ સિટીઝન પાર્ટી પણ ઉભરી આવી છે, જેના કન્વીનર નાહિદ ઇસ્લામ છે. તેમના નેતૃત્વ હેઠળ ગયા વર્ષે જુલાઈમાં અવામી લીગ સરકાર વિરુદ્ધ પ્રદર્શનો થયાં હતાં.
શેખ હસીનાના બાંગ્લા દેશ છોડ્યા પછી વચગાળાની સરકારના સલાહકાર મોહમ્મદ યુનુસે કહ્યું હતું કે તેઓ ૨૦૨૬ ની શરૂઆતમાં દેશમાં ચૂંટણી કરાવશે. તે પહેલાં તેઓ ઇચ્છે છે કે દેશના બંધારણમાં સુધારો કરવામાં આવે, જેના માટે ઘણી સમિતિઓની રચના પણ કરવામાં આવી છે. આ સુધારાઓ પછી ચૂંટણીનો માર્ગ મોકળો થશે. હવે બાંગ્લા દેશની વચગાળાની સરકાર માટે હનીમૂન પીરિયડ પૂરો થઈ ગયો છે. જો ચૂંટણીઓ ટૂંક સમયમાં નહીં યોજાય તો તે શેખ હસીના પર લગાવવામાં આવેલા આરોપો જેવું જ હશે કે મોહમ્મદ યુનુસ ચૂંટણીનાં પરિણામોથી ડરે છે.
ગયા અઠવાડિયે બાંગ્લા દેશના વિવિધ રાજકીય પક્ષો અને સંગઠનોએ અવામી લીગ પર પ્રતિબંધ મૂકવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. શનિવારે ઢાકાના શાહબાગમાં મોહમ્મદ યુનુસના ઘરની સામે વિવિધ સંગઠનોએ પ્રદર્શન કર્યા બાદ બાંગ્લા દેશની વચગાળાની સરકારે અવામી લીગની તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણય અવામી લીગના નેતાઓ સામે આંતરરાષ્ટ્રીય ગુનાહિત ટ્રિબ્યુનલ એક્ટ હેઠળ ટ્રાયલ પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.
આંતરરાષ્ટ્રીય મેનેજમેન્ટ અને સંશોધન સંસ્થા ઇનોવિઝન કન્સલ્ટિંગ એ તાજેતરમાં બાંગ્લા દેશમાં થયેલા એક સર્વેનો અહેવાલ જાહેર કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સર્વેમાં ભાગ લેનારા ૫૮ ટકા લોકોએ કહ્યું કે દેશમાં આ વર્ષે સામાન્ય ચૂંટણીઓ થવી જોઈએ. આ સર્વે આ વર્ષે ફેબ્રુઆરી અને માર્ચ દરમિયાન હાથ ધરવામાં આવ્યો હતો, જેની માહિતી તાજેતરમાં સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર રૂબૈયત સરવરે ઢાકામાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરી હતી.
તેમણે કહ્યું કે આ સર્વે દેશના ૬૪ જિલ્લાઓમાં કરવામાં આવ્યો હતો જેમાં ૭૫ ટકા સહભાગીઓ ૪૫ વર્ષથી ઓછી ઉંમરના હતા. સર્વેમાં એક આશ્ચર્યજનક હકીકત બહાર આવી છે કે આટલા હિંસક વિરોધ અને પ્રતિબંધની માંગણીઓ છતાં ૧૪ ટકા લોકો અવામી લીગ તરફ ઝુકાવ ધરાવતા હતા જ્યારે ૪૧.૭ ટકા લોકો બાંગ્લા દેશ નેશનાલિસ્ટ પાર્ટી તરફ ઝુકાવ ધરાવતા હતા. સર્વેમાં ભાગ લેનારા લોકોમાં જમાત-એ-ઇસ્લામી તરફ ૩૧.૬ ટકાનો ઝુકાવ જોવા મળ્યો હતો.
બાંગ્લા દેશમાં સૌથી મોટી ચિંતાજનક બાબત જમાત-એ-ઇસ્લામીનો વધી રહેલો પ્રભાવ છે. બાંગ્લા દેશમાં અવામી લીગ સામે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હોવા છતાં, તેણે કટ્ટરપંથીઓને ખીલવા દીધા નથી. અવામી લીગ સરકાર દરમિયાન લઘુમતીઓ ક્યારેય અસુરક્ષિત અનુભવતા નહોતા. પરંતુ હવે લઘુમતીઓ પરના હુમલાઓને કારણે તેમનામાં અસંતોષ અને અસુરક્ષાની લાગણી વધી રહી છે. પહેલાંની સરકારે પણ વાલ્મીકિ સમુદાય માટે સફાઈ કર્મચારીઓ માટે સરકારી નોકરીઓમાં અનામત સુનિશ્ચિત કરી હતી, જેનો વિરોધ કરવામાં આવ્યો હતો. લઘુમતી સમુદાયો પણ સમાજ સાથે સુમેળમાં રહેતાં હતાં. હવે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. વચગાળાની સરકાર ગમે તે દાવા કરે તેનાથી કોઈ ફરક પડતો નથી.
ચૂંટણીઓ યોજતાં પહેલાં, મોહમ્મદ યુનુસ બંધારણમાં પરિવર્તન અને અન્ય ઘણા સામાજિક સુધારા વિશે વાત કરી રહ્યા છે, પરંતુ તેઓ ભૂલી રહ્યા છે કે આ તેમની ચૂંટાયેલી સરકાર નથી પરંતુ ફક્ત એક વચગાળાની સરકાર છે જેને ફક્ત ચૂંટણીઓ યોજવાની કામગીરી જ સોંપવામાં આવી હતી. બંધારણમાં પરિવર્તન અને સુધારાનું કામ ફક્ત ચૂંટાયેલી સરકાર દ્વારા જ થવું જોઈએ કારણ કે લોકોને તેના પર વિશ્વાસ છે.
બંધારણમાં સુધારા અને ફેરફારોના નામે ચૂંટણીઓ મુલતવી રાખવામાં આવી રહી છે, જેની સામે એક દિવસ લોકોનો ગુસ્સો વધશે. લોકશાહીમાં ફક્ત લોકશાહી રીતે ચૂંટાયેલી સરકારને જ કાયદા બનાવવાનો અધિકાર છે. ચૂંટણી જીત્યા વિના અને સંસદની મંજૂરી મેળવ્યા વિના કોઈ પણ વ્યક્તિ અચાનક બહારથી આવીને આ કરી શકતું નથી. ગ્રામીણ બેંક અંગે પણ મોહમ્મદ યુનુસ સામે ઘણા આરોપો મૂકવામાં આવ્યા છે.
ઘણા વિશ્લેષકો માને છે કે બાંગ્લા દેશના રાજકીય પરિદૃશ્યમાં પરિવર્તન પછી પાકિસ્તાન વિવિધ સ્તરે સક્રિય બાંગ્લા દેશમાં પ્રવર્તમાન ભારતવિરોધી ભાવનાનો લાભ લઈને બાંગ્લા દેશને પ્રાદેશિક રાજકારણમાં સામેલ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાન અને ચીન ખૂબ જ ગાઢ સંબંધો ધરાવે છે, તેથી બાંગ્લા દેશ સરકારના ચીન સાથેના સંબંધોને મજબૂત બનાવવાના પ્રયાસોથી પાકિસ્તાની રાજનીતિના નિર્માતાઓ પ્રોત્સાહિત થયા છે. બાંગ્લા દેશ પાકિસ્તાન તેમજ ઈરાન, મધ્ય પૂર્વ અને મધ્ય એશિયાઈ મુસ્લિમ દેશો સાથે સંપર્કોમાં ઊંડો રસ ધરાવે છે. પાકિસ્તાન ગયા વર્ષે ઓગસ્ટથી બાંગ્લા દેશ સાથે કપાસ સહિત કેટલાંક ઉત્પાદનોની નિકાસ વધારવાની શક્યતા પર વાતચીત કરી રહ્યું છે. બંને દેશો વચ્ચે સીધું કાર્ગો પરિવહન પણ શરૂ થઈ ગયું છે.
શેખ હસીના સરકારના પતન પછી પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે તરત જ પ્રોફેસર મોહમ્મદ યુનુસને બાંગ્લા દેશની વચગાળાની સરકારના વડા તરીકે કાર્યભાર સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. એક મહિના પછી સપ્ટેમ્બરમાં બંને નેતાઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં હાજરી આપતી વખતે મળ્યા હતા, જે બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધારો દર્શાવે છે. ત્યાર બાદ, નવેમ્બરમાં, કરાંચીથી એક કન્ટેનર જહાજ સીધું બાંગ્લા દેશના ચિત્તાગોંગ બંદરે પહોંચ્યું. આ સમાચારની સોશ્યલ મિડિયા પર ખૂબ ચર્ચા થઈ હતી.
પાકિસ્તાને વર્ષ ૨૦૨૩માં બાંગ્લા દેશને લગભગ ૬૫ કરોડ ડોલરનો માલ નિકાસ કર્યો હતો. તેનાથી વિપરીત બાંગ્લા દેશથી પાકિસ્તાનમાં નિકાસ કરાયેલા માલનું મૂલ્ય ૬ કરોડ ડોલરથી થોડું વધારે હતું. બાંગ્લા દેશ મુખ્યત્વે કાચું શણ, દવાઓ, હાઇડ્રોજન પેરોક્સાઇડ, ચા અને તૈયાર વસ્ત્રોની નિકાસ કરે છે. વિશ્લેષકો માને છે કે જો પાકિસ્તાન અને બાંગ્લા દેશ વચ્ચેના સંબંધો સામાન્ય ગતિએ આગળ વધે છે, તો બંને દેશો વચ્ચેનો વેપાર અનેકગણો વધી શકે છે, જેનો ફાયદો બંને દેશોને થશે.
તાજેતરમાં બાંગ્લા દેશે તેનાં બંદરો દ્વારા ભારતમાંથી યાર્નની આયાત સ્થગિત કરી દીધી છે. બાંગ્લા દેશના રાષ્ટ્રીય મહેસૂલ બોર્ડનો આ નિર્ણય બાંગ્લા દેશના બેનાપોલ, ભોમારા, સોનામસ્જિદ, બાંગ્લાબંધા અને બુરીમારી બંદરો પર લાગુ કરવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલાં જ ભારતે ભારે ભીડને ટાંકીને બાંગ્લા દેશ માટે ટ્રાન્સશિપમેન્ટ સુવિધા પાછી ખેંચી લીધી હતી, જે હેઠળ બાંગ્લા દેશી નિકાસને ભારતીય માલ ઉપરાંત તેના એરપોર્ટ અને બંદરો પરથી ભારતીય નિકાસ દ્વારા જવાની મંજૂરી આપવામાં આવી હતી. ભારત અને બાંગ્લા દેશ વચ્ચે અંતર વધી રહ્યું છે, પણ બાંગ્લા દેશ પાકિસ્તાનની નજીક આવી રહ્યું છે તે ભારત માટે ચિંતાજનક છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.