વિશ્વમાં આજે ચારે બાજુ કોઈને કોઈ કારણસર યુદ્ધનો માહોલ ચાલી રહ્યો છે જેમાં સૈનિકો નિર્ભય રીતે શહીદીને વહોરી લે છે. ત્યારે એના નામનાં સ્મારકો બનાવવામાં આવે છે. પણ ઘણા ઓછાને ખબર છે કે આ સ્મારકોનાં પણ મૃત્યુનાં સંજોગ પ્રમાણે એના વિવિધ નામ હોય છે. જે ‘ખાંભી’ તરીકે વિશેષ પ્રચલિત છે. જેમ કે’ થેસા સ્મારક’ જે પરિવારની વ્યક્તિની યાદગીરી રૂપે બનાવવામાં આવે છે. તેની આજુબાજુ નાના નાના પથ્થરો ગોઠવવામાં આવે છે, ‘ચાગીયો અથવા સુરાપુરા સ્મારક’ -અન્યના જીવન બચાવવા ખપી જનાર યોદ્ધા માટે આ નામના સ્મારક બનાવવામાં આવે છે. ‘સુરધન સ્મારક’ શૂરવીર વ્યક્તિનું આકસ્મિક મૃત્યુ થાય તેના સ્મારકને આ નામ આપવામાં આવે છે .
’રણ ખાંભી’ જે યુદ્ધના સ્થળ પર જ બનાવવામાં આવે છે. તેની ઉપર તલવાર, ગદા, બંદૂક, ધનુષ વિગેરે હથિયારોનું ચિત્ર અંકિત કરવામાં આવે છે. ‘સતીની ખાંભી ‘આવા સ્મારક સ્ત્રીઓને સમર્પિત હોય છે. જે 90 અંશ ના ખૂણે નમેલી હોય છે. રાજસ્થાન, સિંધ પ્રદેશમાં તેની સંખ્યા વિશેષ છે. ‘ક્ષેત્રપાળ સ્મારક’ કોઈ ક્ષેત્રનું રક્ષણ કરતા શહીદ થયા હોય તેને આ નામ આપવામાં આવે છે, જેમાં આંખનું ચિન્હો દર્શાવવામાં આવે છે. લોકો તેને દેવ તરીકે પણ પૂજે છે. ‘લોક સાહિત્યના પાળીયા’ જેમાં પ્રેમ કથામાં બલિદાન મિત્રતા માટે તથા સંતો ભક્તો એ કરેલા દેહ ત્યાગની યાદગીરી રૂપે બનાવેલા હોય છે જે ગામડાઓમાં વિશેષ જોવા મળે છે.
સુરત – રેખા એમ પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.