ભારતીય સૈન્યએ ઓપરેશન સિંદૂર હેઠળ દુશ્મન પાકિસ્તાનને બોધપાઠ ભણાવતા દેશમાં તણાવનો માહોલ હતો. હાલ યુદ્ધવિરામની ઘોષણા થયેલ છે પરંતુ ભવિષ્યમાં આતંકી હુમલાઓ, સાયબર એટેક, યુદ્ધની શક્યતાઓને નકારી શકાય નહી. દેશની વિકટ પરિસ્થિતિમાં માત્ર સેના જ નહી, નાગરિકોએ પણ જવાબદાર નાગરીક તરીકેની પોતાની ભૂમિકા અને ફરજોને નિભાવવી પડશે. રાષ્ટ્ર પર કોઇ આપત્તિ તૂટી પડે ત્યારે આપણી પરાક્રમી સેના રાષ્ટ્રની સીમાડાનું રક્ષણ કરે છે, પરંતુ દેશની આંતરિક સુરક્ષા અને પ્રજાના જાન-માલનું રક્ષણ નાગરિકોએ સ્વયં કરવું પડશે. તે લોકોના સહકાર અને રાષ્ટ્રભાવના વગર શક્ય નથી.
સરકાર મોક ડ્રીલ સહિતના વિવિધ કાર્યક્રમો દ્રારા લોકોમાં સમજણ અને જાગૃતિ લાવવાના પ્રયત્નો કરે છે, પરંતુ સરકાર પર બધું ના છોડાય. નાગરિકોએ પણ શિસ્તબધ્ધ રીતે વર્તી પોતાના નાગરિક ધર્મનું પાલન કરવું જોઇએ. દેશ સામેની આફતોનો સામનો એકજૂથ થઇ મક્કમતાથી કરવો જોઇએ. યુદ્ધ જેવી પરિસ્થિતિ માટે કાયમ તૈયાર રહેવાની માનસિકતા કેળવવી પડશે. યુદ્ધ કે આપત્તિ સમયે કોઇ પણ અફવાઓથી દૂર રહેવુ, સોશિયલ મીડિયાની ભ્રામક અને ખોટી માહિતીઓને શેર કરવી નહી અને દેશની આંતરિક સુરક્ષાને મજબૂત બનાવવામાં મદદરૂપ થવું જોઇએ. દરેક યુવાઓએ નાગરિક સંરક્ષણની તાલીમ લઇ સજજ થવું જોઇએ. આપત્તિ સમયે નાગરિકોમાં જુસ્સાની સાથે શિસ્ત અને સતર્કતાની પણ જરૂર છે.
ઓડ(આણંદ) – ધવલ એમ. પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.