ચારેક વર્ષ પહેલા આખા વિશ્વમાં ભારે હાહાકાર મચાવી દેનારા કોરોનાના કેસ માંડ કાબુમાં આવ્યા હતા ત્યાં સિંગાપોર અને હોંગકોંગમાં કોરોનાના વધેલા કેસને કારણે ફરી ચિંતાનો માહોલ ઊભો થયો છે. હાલમાં જોવા મળી રહેલા કોરોનાના કેસોમાં નવા ઓમિક્રોન ઉપપ્રજાતિ JN.1 અને KP.2 જોવા મળી રહ્યા છે. આ બંનેના ઝડપી પ્રસાર અને અગાઉના સંક્રમણોથી મળેલી રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડાને કારણે આ બંને દેશોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે.
ચિંતાજનક વાત એ છે કે માત્ર કેસ જ નહીં પરંતુ કોરોનાને કારણે મોતની સંખ્યા પણ વધી છે. જેને કારણે ફરી કોરોનાની લહેર આખા વિશ્વને ધમરોળશે કે શું? તેવો મુદ્દો ઉપસ્થિત થયો છે.કોરોનાની ચાર વર્ષ પહેલા મહામારી આખા વિશ્વમાં ફેલાયેલી હતી. કોરોનાની વેક્સિન શોધાયા બાદ કોરોનાના કેસ માંડ માંડ કાબૂમાં આવ્યા હતા. પરંતુ હવે ફરી લહેર દેખાવા માંડી છે. સિંગાપોરમાં 5થી 11 મે વચ્ચે 25,900 નવા કેસ નોંધાયા, જે અગાઉના સપ્તાહની તુલનાએ લગભગ 90% વધુ છે. દૈનિક હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા પણ 181થી વધીને 250 થઈ છે.
સિંગાપોરના આરોગ્ય મંત્રીએ જાહેર સ્થળોએ માસ્ક પહેરવાની સલાહ આપી છે અને લોકોને વેક્સિનના બૂસ્ટર ડોઝ લેવા માટે પ્રોત્સાહિત કર્યા છે, ખાસ કરીને વયસ્કો અને રોગપ્રતિકારક શક્તિ ઓછી ધરાવતા લોકોને તો વેક્સિનના બુસ્ટર ડોઝ લેવા માટે તાકીદ કરવામાં આવી છે. બીજી તરફ હોંગકોંગમાં પણ કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. સ્થાનિક સરકાર દ્વારા જ્યારે સીવેજ સર્વેલન્સ સાથે અન્ય મોનિટરિંગ પદ્ધતિઓ દ્વારા વાયરસની હાજરીમાં વધારો નોંધાયો છે, જે સમુદાયમાં વાયરસના વ્યાપને દર્શાવે છે.
કોરોનાની આ નવી લહેરે બતાવ્યું છે કે કોરોના હજુ સુધી પૂર્ણપણે નાબૂદ થયો નથી. કોરોના વાયરસની નવી ઉપપ્રજાતિઓના કારણે સંક્રમણ ફરીથી વધી શકે છે. હોંગકોંગમાં કોરોનાને કારણે કેસમાં 28 ટકાનો વધારો થયો છે. સિંગાપોરમાં એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં કોરોના કેસની સંખ્યા 11,110 હતી, જે મેના પહેલા અઠવાડિયામાં વધીને 14,200 થઈ ગઈ. આમાં 28%નો વધારો થયો છે. સિંગાપોરમાં પણ કોરોનાના કેસોમાં 28%નો વધારો થયો છે. સિંગાપોરમાં આ વર્ષે અત્યાર સુધીમાં કોરોનાના 14200 કેસ નોંધાયા છે. આ જ રીતે દૈનિક ધોરણે હોસ્પિટલોમાં દાખલ થતા દર્દીઓની સંખ્યામાં પણ 30%નો વધારો થયો છે. જે લોકો ગંભીર રોગથી પીડાઈ છે તેવા દર્દીઓના મોતથી કોરોનાનો મૃત્યુઆંક વધવા પામ્યો છે.
હોંગકોંગ અને સિંગાપોરમાં વધેલા કોરોનાના કેસને પગલે હવે ચીન અને થાઇલેન્ડની સરકારો પણ કોરોના બાબતે સચેત બની છે. ચીનમાં, રોગની તપાસ માટે જતા દર્દીઓમાં કોવિડ વાયરસના કેસ બમણા થઈ ગયા છે. ચાઇનીઝ સેન્ટર ફોર ડિસીઝ એન્ડ પ્રિવેન્શનના ડેટા અનુસાર, કોવિડ લહેર ટૂંક સમયમાં તીવ્ર બની શકે છે. થાઈલેન્ડમાં પણ બે અલગ અલગ વિસ્તારોમાં કોરોનાના કેસો દેખાયા છે અને તેમાં ઝડપી વધારો પણ નોંધાયો છે. અગાઉ 2020માં ભારતમાં કોરોનાની મહામારી ફેલાઈ હતી. માર્ચ, 2020માં ભારતમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. 202ના અંત સુધીમાં ભારતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો હતો. સિંગાપોર અને હોંગકોંગમાં વધેલા કોરોનાના કેસથી ભારતે પણ ચેતવા જેવું છે.
સિંગાપોર અને હોંગકોંગ જનારા ભારતીયોની સંખ્યા વધુ છે. ધંધાર્થે અને ફરવા માટે અનેક ભારતીયો સિંગાપોર અને હોંગકોંગ જાય છે. ઉપરાંત થાઈલેન્ડમાં પણ હરવા ફરવા માટે જનારા ભારતીયોની સંખ્યા ખૂબ છે. ભારત સરકારે આ તમામ મુદ્દાઓને ધ્યાને રાખીને કોરોનાની મહામારી ફરી ભારતમાં નહીં ફેલાય તે માટે તાકીદે પગલાઓ લેવાની જરૂરીયાત છે. જો તંત્ર સતર્ક નહીં રહે તો આગામી સમયમાં કોરોનાના મામલે મુશ્કેલી સર્જાય તેવી સંભાવના છે.