લગભગ ત્રણ દાયકામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના સૌથી ખરાબ લશ્કરી સંઘર્ષનો અંત આવ્યાના થોડા દિવસો પછી ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુરુવારે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA) ને પાકિસ્તાનનાં પરમાણુ શસ્ત્રોની જવાબદારી સંભાળવા વિનંતી કરી છે. આ વિનંતીને કારણે ભારતે બ્રહ્મોસ મિસાઈલ છોડીને પાકિસ્તાનના કિરાણા હવાઈ અડ્ડા ઉપર આવેલા અણુ શસ્ત્રાગારને નુકસાન પહોંચાડ્યું હોવાની અટકળોને સમર્થન મળ્યું છે.
ભારતે અને પાકિસ્તાને સત્તાવાર રીતે કોઈ પણ અણુમથકને નુકસાન ન થયું હોવાનું વલણ રાખ્યું છે પણ સોશ્યલ મિડિયામાં એવી જોરદાર અફવા ફેલાઈ ગઈ છે કે પાકિસ્તાનના અણુ શસ્ત્રાગારમાં ભારતના મિસાઈલ હુમલાને કારણે રેડિયેશન ફેલાઈ ગયું છે, જેને નિયંત્રણમાં રાખવા માટે તાબડતોબ અમેરિકાના નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા છે. જાણકારો કહે છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના અને પાકિસ્તાનના નેતાઓ ઉપર દબાણ આણીને યુદ્ધવિરામ કરાવ્યો તેનું મુખ્ય કારણ અણુ શસ્ત્રાગાર ઉપરનો ભારતનો હુમલો હતું.
ચીની સેટેલાઇટ ફર્મ MIZAZVISION દ્વારા બહાર પાડવામાં આવેલી છબીઓ દર્શાવે છે કે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના નૂર ખાન એરબેઝ અને ત્યાંની ટેકરીઓ પર કરેલા સચોટ હુમલામાં તે સ્થળ પર હાજર અણુવિષયક માળખાકીય સુવિધાઓનો નાશ થયો હતો. નૂરખાન બેઝ પાસે ટેકરીઓમાં મોટા ખાડાઓ હતા. તેમાં પાકિસ્તાનના પરમાણુ બોમ્બ હતા. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે જે જગ્યા પર બ્રહ્મોસ મિસાઇલથી હુમલો થયો હતો ત્યાં જબરદસ્ત કિરણોત્સર્ગ ફેલાઈ ગયો છે.
તે પછી ઘણા અમેરિકન વિમાન કાફલા ત્યાં સતત ઉતરાણ કરી રહ્યા છે. અમેરિકાથી ન્યુક્લિયર ઇમરજન્સી સપોર્ટ એરક્રાફ્ટ B350 AMS પાકિસ્તાન પહોંચી ગયું છે અને ઇજિપ્તની વાયુસેના પાકિસ્તાનને બોરોન વાયુ સપ્લાય કરી રહી છે, જેનો ઉપયોગ કિરણોત્સર્ગના ફેલાવાને નિયંત્રિત કરવા માટે થાય છે. ઘણા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો માને છે કે સરગોધામાં કિરાણા હિલ્સની મધ્યમાં મુશફ એરબેઝ પર ભારતના બ્રહ્મોસ મિસાઈલના હુમલાને કારણે ત્યાં સ્થિત પાકિસ્તાનના ગુપ્ત પરમાણુ સંગ્રહ કેન્દ્રમાં રેડિયેશનનું લીકેજ થયું છે.
હકીકતમાં, જે સામે આવી રહ્યું છે તે ચોંકાવનારું છે. જાણકારો કહે છે કે જે પરમાણુ બોમ્બ પાકિસ્તાનના મનાતા હતા તે પાકિસ્તાનના નહોતા પણ અમેરિકાના હતા, જેને તેણે પાકિસ્તાનમાં બેઝ બનાવીને રાખ્યા હતા. ઓપરેશન સિંદૂર અને આ લશ્કરી સંઘર્ષે તે બધાં રહસ્યોને પ્રકાશમાં લાવ્યાં છે જે અગાઉ ચાર દિવાલોમાં બંધ હતાં. અમેરિકા પાકિસ્તાનનો ઉપયોગ પોતાના પરમાણુ બેઝ તરીકે કરવા માંગે છે. પાકિસ્તાન સ્વયં પરમાણુ શક્તિ નથી, પરંતુ ત્યાં અમેરિકા દ્વારા સ્થાપિત પરમાણુ મથકો છે. જેમ તુર્કીમાં રશિયા સામે અમેરિકાનાં પરમાણુ મથકો છે, તેમ પાકિસ્તાનમાં ભારત તથા ચીન સામે જરૂર પડે તો ઉપયોગ કરવા માટે અમેરિકાનાં અણુ મથકો છે.
એટલા માટે ભારતના પાકિસ્તાન સામેનાં છેલ્લાં બે યુદ્ધ દરમિયાન પાકિસ્તાનનો પરમાણુ ખતરો પોકળ સાબિત થયો છે, કારણ કે પાકિસ્તાનમાં સ્થિત પરમાણુ કેન્દ્રોનું નિયંત્રણ અમેરિકાના હાથમાં છે. જેમ રશિયાનો સામનો કરવા માટે તુર્કીમાં પરમાણુ મથક સ્થાપિત કરવામાં આવ્યું હતું, એ જ રીતે અમેરિકાએ એશિયામાં તેના દુશ્મનોનો સામનો કરવા માટે પાકિસ્તાનમાં પરમાણુ મથકો સ્થાપ્યાં.અમેરિકાએ જ્યારે પાકિસ્તાનમાં આ થાણાંઓ સ્થાપિત કર્યાં ત્યારે તેની પાછળનો વિચાર અહીંથી સોવિયેત સંઘ અને ભારતનો સામનો કરવાનો હતો. હવે જ્યારે ભારતના મિસાઈલ હુમલા દરમિયાન અમેરિકાને ભારત તરફથી પાકિસ્તાનમાં પોતાના પરમાણુ મથક માટે ખતરો અનુભવાયો ત્યારે તે તરત જ પોતાના વ્યૂહાત્મક પરમાણુ મથકોને બચાવવા માટે સક્રિય બન્યું.
અમેરિકા આ બધું વિશ્વભરમાં શક્તિ સંતુલન જાળવવા માટે કરતું હતું. આમાં અમેરિકન ડીપ સ્ટેટનાં ઊંડાં અને દૂરગામી હિતો સંકળાયેલાં છે. જ્યાં સુધી અમેરિકાનાં પરમાણુ સ્થળો પાકિસ્તાનમાં રહેશે, ત્યાં સુધી પાકિસ્તાનને અમેરિકન નાણાંકીય મદદ મળતી રહેશે. ભૂતકાળમાં પણ પાકિસ્તાનને આ વ્યૂહરચના હેઠળ અમેરિકન સહાય મળી છે. બાલાકોટ એરસ્ટ્રાઇક અને ઓપરેશન સિંદૂર બંનેમાં F-16 નો ઉપયોગ એ કહેવા માટે પૂરતો છે કે F-16 વિમાન અમેરિકાએ ભારતને ફક્ત ભારત વિરુદ્ધ ઉપયોગ માટે આપ્યાં હતાં. આ કથા પણ સંપૂર્ણપણે ખોટી અને બનાવટી છે કે ઇઝરાયેલ એક સમયે પાકિસ્તાનના પરમાણુ સ્થળોનો નાશ કરવા માંગતું હતું.
આ ખોટી વાતનો પર્દાફાશ કરતાં બે તથ્યો છે:-
૧) પાકિસ્તાનનાં પરમાણુ સ્થળોનો નાશ કરવા માટે ઇઝરાયલને ભારતની કેમ જરૂર પડશે? તે આ કામ પોતાની જમીન પરથી અને પોતાનાં લડાયક વિમાનોથી પણ કરી શક્યું હોત.
૨) ઇઝરાયલનો પાકિસ્તાનનાં પરમાણુ સ્થળોનો નાશ કરવાનો કોઈ ઇરાદો નહોતો. ઇઝરાયલ હજુ પણ અમેરિકાનું ગુલામ છે.
૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકામાં તે આજ કરતાં અમેરિકાનું મોટું ગુલામ હતું. ઇઝરાયલ અમેરિકાનું પાલતુ પ્રાણી હતું અને પાકિસ્તાન પણ અમેરિકાનું પાલતુ પ્રાણી હતું. તો ઇઝરાયલ તેના માલિકને શા માટે નિરાશ કરશે?
બીજી એક કથા પણ ખોટી છે કે પાકિસ્તાની વૈજ્ઞાનિક એ.ક્યુ. ખાને પરમાણુ ટેકનોલોજી ચોરી હતી. અમેરિકા અન્ય દેશોને, ખાસ કરીને એશિયન દેશોને પરમાણુ શસ્ત્રો પૂરાં પાડી રહ્યું છે. આ પ્રકારની હેડલાઇન્સ અને વાતો પશ્ચિમી વિશ્વનાં લોકો અને ખુદ અમેરિકન લોકો ક્યારેય સહન કરતાં નથી. આનાથી તત્કાલીન અમેરિકન વહીવટી તંત્ર પર પ્રશ્નો ઊભા થયા હોત. આવા આરોપોથી બચવા માટે એક ખૂબ જ સસ્તી કથા ઘડવામાં આવી હતી કે એક પાકિસ્તાની વૈજ્ઞાનિક પશ્ચિમની એક પ્રયોગશાળામાંથી ટેકનોલોજી ચોરીને પાકિસ્તાન આવ્યો અને તેણે એકલા પરમાણુ મિસાઇલ બનાવી. આ કહેવાતી વાર્તા સાથે અમેરિકા તેનાં દુષ્કૃત્યોથી મુક્ત થઈ ગયું છે.
હવે એક અમેરિકન ટીમ પાકિસ્તાનમાં પરમાણુ સ્થળોની મુલાકાત લેશે અને કોઈ નુકસાન થયું છે કે નહીં તેનું મૂલ્યાંકન કરશે. આ એક રૂટિન કાર્ય છે, જેનો રિપોર્ટ યુએસ ન્યુક્લિયર સેન્ટરને મોકલવામાં આવશે કે ત્યાં બધું બરાબર છે કે નહીં. જો કોઈ ખામીઓ હશે તો તેને દૂર કરવામાં આવશે. એવી પણ શક્યતા છે કે અમેરિકા પાકિસ્તાનમાં સ્થિત તેનાં પરમાણુ કેન્દ્રોને સુરક્ષિત રાખવા માટે તેની પેટ્રિઅટ સિસ્ટમ (હવાઈ સંરક્ષણ પ્રણાલી) તૈનાત કરી શકે છે. જ્યાં સુધી અમેરિકાનાં પરમાણુ મથકો પાકિસ્તાનમાં રહેશે, ત્યાં સુધી પાકિસ્તાનને લોન મળતી રહેશે.દુનિયાને એવું માનવા માટે પ્રેરિત કરવામાં આવ્યું છે કે પાકિસ્તાને તેની વૈજ્ઞાનિક પ્રતિભા અને વ્યૂહાત્મક સ્વનિર્ભરતા દ્વારા વિશાળ પરમાણુ શસ્ત્રાગાર વિકસાવ્યો છે.
પરંતુ આ વાર્તા પાછળની વાસ્તવિકતા અમેરિકા અને તેના પશ્ચિમી સાથીઓ દ્વારા રચાયેલી રાજકીય અને વ્યૂહાત્મક છેતરપિંડી છે. માન્યતા એવી ફેલાવવામાં આવી છે કે પાકિસ્તાન પાસે ૧૭૫ પરમાણુ બોમ્બ છે. સત્ય એ છે કે પાકિસ્તાન પાસે ખરેખર લગભગ ૨૦ કાર્યરત પરમાણુ બોમ્બ છે. ૧૭૫ બોમ્બ નંબર એક માનસિક શસ્ત્ર છે. પાકિસ્તાની કટ્ટરપંથીઓને સમજાવવા માટે કે તેઓ ભારત જીતી શકે છે. તેની પાછળનો ઉદ્દેશ ભારત પર માનસિક દબાણ ઊભું કરવાનો છે. ૨૦ અણુ બોમ્બનો સંગ્રહ મુખ્યત્વે ત્રણ જગ્યાએ થાય છે: (૧) તોરી-ખોરી (બલુચિસ્તાન) (૨) નૂર ખાન એર બેઝ (ચકલાલા, રાવલપિંડી) (૩) સરગોધા એર બેઝ- વાયુસેના દ્વારા ઉપયોગ માટે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી સંઘર્ષ થાય છે ત્યારે સૌથી પહેલાં જે વસ્તુ ધ્યાનમાં આવે છે તે બંને દેશોનાં પરમાણુ શસ્ત્રો હોય છે. ભારત અને પાકિસ્તાન બંને પાસે પરમાણુ શસ્ત્રો છે પરંતુ આ શસ્ત્રોના ઉપયોગ અંગે બંને દેશોની નીતિઓ અલગ છે. પાકિસ્તાન પોતાની સુરક્ષા માટે જોખમ હોય ત્યારે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની નીતિ અપનાવે છે. આને પ્રથમ ઉપયોગ નીતિ કહેવામાં આવે છે. ભારત હંમેશા બદલાની કાર્યવાહી તરીકે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની વાત કરે છે અને આ ભારત દેશની નિર્ધારિત નીતિ પણ છે. ભારતીય નેતૃત્વ પાકિસ્તાનની પરમાણુ શસ્ત્રોના પહેલા ઉપયોગની નીતિને પરમાણુ બ્લેકમેલ કહે છે.
–આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે