એક જમાનામાં કિન્નર બિરાદરીને કાયદાકીય રીતે કોઇ ઓળખ નહોતી મળી, પણ હમણાં થોડા સમય પહેલાં સુપ્રીમ કોર્ટે થર્ડ જેન્ડર તરીકે તેમને વિશેષ ઓળખ આપીને વિશેષ સુવિધાઓ આપી છે. સમાજમાં કોઇ પણ સારા પ્રસંગો બને ત્યારે કિન્નરો આવીને આશીર્વાદ આપતા હોય છે એના બદલામાં લોકો એમને પૈસા આપે છે. એમાંથી એમનું જીવન ચાલે. કહેવાય છે કે કિન્નર આશીર્વાદ કોઇ દિવસ ખાલી નથી જતા. ગુજરાતમાં તો બહુચરાજીમાં એમનું ભવ્ય મંદિર છે અને બહુચર માતાને દેવી તરીકે પૂજાય છે. લોકો દર્શન કરીને ધન્યતા અનુભવે છે. કિન્નરો શુભ પ્રસંગે જે પૈસા લે છે એ વાત સામાન્ય નથી. મોટાં શહેરોમાં એ કલેકશન કરોડોમાં હોય છે. દિલ્લીમાં તો એ આલિશાન બંગલામાં રહે છે. કરોડપતિ કહેવાય છે અને કિન્નર ગુરુસ્થાન ધરાવે છે.
ખેર, પણ આજકાલ એમનો ત્રાસ ઘણો જ અસહ્ય થઇ ગયો છે. લગ્નપ્રસંગે કે બાળકના જન્મ પ્રસંગે એમની માંગણીએ તો માઝા મૂકી છે. એમને કોઇનો ડર નથી. એમની માંગણી હવે તો હજારોની હોય છે. એ પછી સામાન્ય કુટુંબ હોય અને ઘણું ભારી પડે છે. ટાંચા આવકના સાધને એમની માંગણી પૂરી કરવી ભારે પડે છે. એમની જીદ ભારે હોય છે. એમના જીવનનિર્વાહમાં કેટલા રૂપિયા જોઈએ. હવે તો લોક જાગૃતિ કરીને કંઇક વિચારીને એમનો ત્રાસ બંધ થાય એવા પગલાની તાતી જરૂર જણાય છે. હવે તો ટ્રેન, બસ કે જાહેર રસ્તા પર પણ એમનો વ્યવસાય વધી ગયો છે.
ગંગાધરા – જમિયતરામ હ. શર્મા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે