એક ધાર્મિક સંસ્કારોવાળું ઘર હતું. ઘરમાં ભગવાનના પૂજા પાઠ થતા. બધા રોજ મંદિરે જતા. નાનપણથી બાળકોમાં પણ ધર્મના સંસ્કાર આપોઆપ રોપતા હતા. એક દિવસ પિતા અને પુત્ર મંદિરે ગયા. પિતાએ પુત્રને એક બે રૂપિયાનો સિક્કો આપ્યો અને બીજો દસ રૂપિયાની સિક્કો આપ્યો અને કહ્યું, ‘દીકરા તું તારી રીતે નક્કી કરજે અને આ બે સિક્કા તને આપ્યા છે તેમાંથી તને જે ઠીક લાગે તે ભગવાનની સામે મુકેલી દાનપેટીમાં નાખજે અને બીજો તું રાખી લેજે’
અને પિતાને વિશ્વાસ હતો અને આશા પણ હતી કે તેના નાના દીકરાને તેને સારા સંસ્કાર આપ્યા છે એટલે ચોક્કસ તે દસ રૂપિયાનો સિક્કો દાન પેટીમાં નાખશે અઅક બે રૂપિયાનો સિક્કો પોતાની પાસે રાખશે. મંદિરમાંથી બહાર આવીને પિતાએ પૂછ્યું, ‘દીકરા તે બે સિક્કાનું શું કર્યું.’ નાના દીકરાએ પોતાના ખિસ્સામાંથી દસનો સિક્કો પિતાને બતાવતા કહ્યું, ‘પિતાજી મેં બે રૂપિયાનો દાન પેટીમાં નાખ્યો અને દસ રૂપિયાનો મારા માટે રાખ્યો છે.’ પિતાને વિશ્વાસ ન થયો તે બોલી ઉઠ્યા, ‘અરે દીકરા તે આમ કેમ કર્યું? મેં તને હંમેશા સારા અને ધર્મના સંસ્કાર આપ્યા છે. તો તારે વધારે પૈસા દાનપેટીમાં નાખવા જોઈએ ને?”
નાના દીકરાએ પિતાને ભોળાભાવે કહ્યું, ‘હા પિતાજી, તમે મને જે શીખવ્યું છે તે પ્રમાણે જ મેં કર્યું છેઇ તમે હંમેશા અમને સમજાવો છો કે દાન મનના આનંદ માટે કરવું. જે આપો તે પુરા મનથી અને ખુશીથી આપવું અને હમણાં અંદર પણ પુજારી સમજાવતા હતા કે ભગવાનને ખુશીથી આપનાર દાતા ગમે છે માટે જે આપો તે ખુશીથી આપો અને એટલે મેં બે રૂપિયાનો સિક્કો પુરા મનથી અને રાજીખુશીથી દાન પેટીમાં નાખ્યો. દસ રૂપિયાનો સિક્કો હું પુરા મનથી અને ખુશીથી ન આપી શક્યો હોત એટલે મેં તે નથી આપ્યો મારી પાસે રાખ્યો છે.’
નાના દીકરાએ ભોળાભાવે સાચી કબુલાત કરી લીધી. આ નાનકડો પ્રસંગ પણ એક સરસ સંદેશ કે ઈશ્વરને આનંદથી આપનાર દાતા ગમે છે, તમે શું આપો છો? કેટલું આપો છો તે વધુ મહત્વનું નથી. જે આપો છો તેમાં સૌથી મહત્વની છે તમારા મનની ભાવના તમે જે કઈ પણ દાન આપો તે પુરા મનથી અને આનંદથી આપો તે જરૂરી છે પછી તે બે રૂપિયા હોય કે દસ રૂપિયા કે હજારો કે લાખો રૂપિયા. તેનું મહત્વ નથી. તમે જે આપો છો તેમાં તમારી જે મનની ખુશી સમાયેલી છે તેનું મહત્વ સૌથી વધારે છે. જાત સાથે પ્રમાણિક રહેવું અને દિલથી મન આનંદમાં રહે તેટલું દાન કરવું.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે