સૌ પ્રથમ ઓપરેશન સિંદૂરનાં સૌ રક્ષાકર્મીઓને અંત:કરણપૂર્વક સલામ. હવે જ્યારે યુદ્ધવિરામની જાહેરાત થઇ ચૂકી છે ત્યારે હવે સમય છે દેશની લોકશાહી પર કાળા ધબ્બા સમાન અને દેશને દુનિયા સમક્ષ નાલેશી અપાવનારાં મીડિયા – ટી.વી. ચેનલો તેમજ સોશ્યલ મીડિયાના બેજવાબદાર વર્તન વિષે વાત કરવાનો. કારણ કે, એક તરફ દેશની સેનાએ આપણને ગૌરવ અપાવ્યું તો બીજી તરફ દેશની મુખ્ય ધારાની ટી.વી. ચેનલોએ અપાવી શરમ. કટોકટીના સમયે સંયમ રાખી નાગરિક તરીકેની જવાબદારી નિભાવવાની હોય એવા સમયે ખોટી માહિતી, ઉન્માદભરી ભાષા કે પછી ગાળગલોચ ભરેલું સોશ્યલ મીડિયા ટ્રોલીંગ કરી લોકોને ના માત્ર ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું, પણ ‘વૈવિધ્યમાં એકતા’ની ભારતની છબી પર ઊંડા ઘા કર્યા. આ કામ કર્યું છે પોતાને ‘રાષ્ટ્રપ્રેમી’ગણાવનારાં લોકોએ.
ટી.વી. ચેનલો ગપગોળા ચલાવી જે બિનજવાબદાર રીપોર્ટીંગ કર્યું અને વિશ્વભરમાં વિશ્વસનીયતા ગુમાવી એ અંગે ઘણી ચર્ચા થઇ. આજે ચર્ચા કરવી છે બેકાબૂ બની ગયેલા સોશ્યલ મીડિયા અંગે. આજના સમયે સોશ્યલ મીડિયાની ગતિવિધિને ધ્યાનમાં લેવી જ પડે. કારણ કે, અધિકૃત સંદેશા પણ એક્સ (ટ્વીટર) જેવા પ્લેટફોર્મ પર મુકાતા હોય છે. એ સાથે મોટા ભાગનાં લોકો પણ સોશ્યલ મીડિયા પર પ્રવૃત્ત હોય છે. આ માધ્યમની તાકાત સમજીને દોઢ-બે દાયકાથી જાહેર અભિપ્રાય ઘડવા-તોડવાની પ્રવૃત્તિ બહુ સુઆયોજિત ઢબે થઇ રહી છે, જે અંગે સ્વાતિ ચતુર્વેદીએ પોતાના પુસ્તક ‘આઈ એમ અ ટ્રોલ’માં ખૂબ વિગતે લખ્યું છે. રાજકીય અભિપ્રાય ઘડવા માટે અને પોતાનાથી ભિન્ન રાજકીય અભિપ્રાય ધરાવનારને તોડી પાડવા માટે શરૂ થયેલી પ્રવૃત્તિ હવે બેકાબૂ બની ગઈ છે.
ટ્રોલીંગ એનું મુખ્ય હથિયાર છે, જે લોકોની જિંદગીને ઊંડે સુધી અસર કરનારી પ્રવૃત્તિ બની ગઈ છે. રાજકીય અભિપ્રાયની અસંમતિ જાણે કોઈ સજાપાત્ર ગુનો બની જાય છે જે તમારા પરના હુમલાનું કારણ બની શકે છે! જાહેર ચર્ચામાં ભાષા પરનો સંયમ લુપ્ત થઇ ગયો છે. આક્રમક શબ્દોના આઘાત માત્ર વિચારો પર નથી થતા, પણ એ તેની ઓળખ પર પણ થાય છે. સામે કોઈ મહિલા હોય તો તો ભાષા સભ્યતાની સીમા ઓળંગી શકે છે, એમાંય જો લઘુમતી સમુદાયની અને સ્વતંત્ર રીતે બોલી-વિચારી શક્તી મહિલા હોય તો એના એક રાતના ભાવ બોલવા સુધીની હલકાઈ સુધી ટ્રોલરો ઊતરી જતાં આપણે જોયાં છે. ઈન્ટરનેટના જમાનામાં સ્ક્રીન પાછળ પોતાની ઓળખ છુપાવીને હુમલા કરવાનું સરળ બની ગયું છે અને સોશ્યલ મીડિયાના એલ્ગોરીધમ આગમાં હવા ફૂંકવાનું કામ કરે છે.
આ યુદ્ધમાં હિમાંશી નરવાલ અને વિક્રમ મીસરીનું ટ્રોલીંગ, નીચતાના સૌથી મોટા ઉદાહરણ તરીકે બહાર આવ્યા. ટ્રોલીંગ નામનો રાક્ષસ સંપૂર્ણપણે વિવેકભાન ખોઈ ચૂક્યો છે. તે એક માત્ર વાત સમજે છે કે અમારાથી અલગ અભિપ્રાય ધરાવનારા બધા ‘દેશદ્રોહી’! હિમાંશી નરવાલનું પોતાનું મંતવ્ય આપવા બદલ ચરિત્રહનન કરી નંખાયું! પોતાના પતિના હત્યારા સામે નિર્દોષ મુસલમાન અને કાશ્મીરીઓને નહિ રંજાડવાની અપીલ કરી હતી અને સાચા ગુનેગારો સામે પગલાં લઇ ન્યાય આપવાની વાત કરી હતી – જે મુસલમાન દ્વેષથી પીડાતાં લોકોને માફક ના આવ્યું.
આ એ મહિલા છે, જે પતિના મૃતદેહની બાજુમાં બેઠી હોય એવો ફોટો પહેલગામ ત્રાસદીનું પ્રતીક બની ગયો છે. આંખો સામે હિંસામાં પતિને ગુમાવી ચૂકેલી નવપરિણીત મહિલાને દેશબંધુઓ તરફથી આશ્વાસન અને સધિયારાની અપેક્ષા હોય. એને બદલે એણે ટ્રોલરોના હુમલાનો પણ ભોગ બનવું પડ્યું, એ દરેક ભારતીય નાગરિક માટે શરમજનક કહેવાય. અહીં એ કહેવાની જરૂર ખરી કે જે લોકો હિમાંશી નરવાલની પાછળ પડી ગયેલાં લોકોએ ભાઈચારાની વાત કરનારા પત્રકારો, સામાજિક કાર્યકરો, કલાકારો, કે શિક્ષકોને પણ નથી જ બક્ષ્યા?
વિક્રમ મીસરીના કિસ્સામાં તો, વિદેશ સચિવના હોદ્દાની રૂએ તેઓ માત્ર સરકારે લીધેલા નિર્ણયને જાહેર જનતા સુધી પહોંચાડતા હતા, એમના અંગત અભિપ્રાય નહિ. પણ વર્ષોથી યુદ્ધની માંગ કરનાર માટે ચાર દિવસમાં યુદ્ધ પૂરું થઇ જાય એ વાત હજમ ના થઇ. યુદ્ધવિરામની ઘોષણાથી જાણે એમની સાથે દગો થયો હોય એવું લાગ્યું. આ નિર્ણય લેનાર દેશના સર્વોચ્ચ નેતૃત્વને તો તેઓ કશું કહી શકે નહિ એટલે એમના આક્રોશનો ભોગ બન્યા વિક્રમ મીસરી.
વિવેકભાન ભૂલેલી ટ્રોલ સેના એમની દીકરી સુધી પહોંચી ગયા અને એનો અંગત ફોન નંબર શોધી કાઢી સોશ્યલ મીડિયા પર ફરતો કરી દીધો – જાણે કે પાકિસ્તાનની ખુફિયા માહિતી જાહેર કરી દેશસેવા કરતા ના હોય! મીસરી અને એમનો પરિવાર ગુનાહિત માનસિકતા ધરાવનારના રડાર પર આવી ગયા. જે સમયે દેશના વિદેશ સચિવનું ધ્યાન દેશના મુત્સદ્દી મુદ્દા પર હોવું જોઈએ ત્યારે તેમણે બધું છોડીને પોતાના પરિવારની ચિંતા કરવી પડે એવો માહોલ ‘રાષ્ટ્રપ્રેમ’ના નામે ઊભો થાય એ તો કેટલી શરમજનક બાબત કહેવાય! પાકિસ્તાનને પહોંચી વળવા આપણી સેના સક્ષમ છે પણ દેશની અંદર ફેલાયેલી, ઘર ઘરમાં ઘૂસીને દેશભક્તિના નામે દેશના પાયાને ઉધઈની માફક નુકસાન કરી રહેલ આ મીડિયા/ સોશ્યલ મીડિયા ફોજને કઈ રીતે પહોંચી વળીશું?
નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.