વડોદરા : જવાહરનગર પોલીસ મથકે પોલીસ કંટ્રોલ વર્ધીને કારણે લવાયેલા 45 વર્ષીય ઈસમનું પોલીસે માર મારતા મોત થયું હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ હોબાળો મચાવી પેનલ પીએમ નહીં કરવામાં આવે ત્યાં સુધી ડેડબોડી સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો.
વડોદરા શહેરના જવાહરનગર પોલીસ મથકે સોમવારની રાત્રે 2 વાગ્યાની આસપાસ પોલીસ કંટ્રોલરૂમ તરફથી મળેલી વર્ધીને આધારે 45 વર્ષીય મહેન્દ્રભાઈ ઉર્ફે મહેશભાઈ પઢીયારને પોલીસ મથકે લવાયા હતા.દરમિયાન વહેલી સવારે તેમનું રહસ્યમય મોંત થયું હોવાની જાણ થતાં જ પરિવારજનોએ પોલીસે માર મારતા તેઓનું મોંત થયું હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવી પોલીસ અધિકારીઓ સામે ગંભીર આક્ષેપ કર્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર બાજવા ગામમાં આવેલા જલારામનગર 3 માં રહેતા 45 વર્ષીય મહેન્દ્રભાઈ ઉર્ફે મહેશભાઈ પઢીયાર માતા અને પત્નિ સાથે રહેતા હતા.જેઓ જમીન મિલ્કત લે વેચના વ્યવસાય સાથે સંકળાયેલા હતા.ગતમોડી રાત્રે પોલીસ કંટ્રોલરૂમની
વર્ધીને આધારે મહેન્દ્રભાઈને જવાહરનગર પોલીસ પકડીને પોલીસ મથકે લઈ આવી હતી.જયારે વહેલી સવારે તેમની પત્નિ જશોદાબેને પોતાના ભત્રીજા નિલેશ સોલંકીને ફોન કરી મહેન્દ્રભાઈને એટેક આવ્યો છે અને બાજવા પીએચસી સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યા છે તેમ જણાવ્યું હતું.જેથી નિલેશ સોલંકી તુરતજ બાજવા પીએચસી સેન્ટર ખાતે પહોંચ્યો હતો.જ્યાં પોલીસ દ્વારા મહેન્દ્રભાઈનું મોંત થયું હોવાનું જણાવ્યું હતું.
જેથી પરિવારજનો એ તેમનું મોંત પોલીસે માર માર્યો હોવાથી થયું હોવાના આક્ષેપ કરી હોબાળો મચાવ્યો હતો અને પેનલ પીએમ કરાવવાની માંગ કરતાં મૃતદેહને એસેસજી હોસ્પિટલમાં લવાયો હતો.જ્યાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ઘટના અંગે તપાસનો દોર લંબાવ્યો હતો.
આ અંગે મૃતકના પરિજન નિલેશ સોલંકીએ જણાવ્યું હતું કે રાત્રે મારા ફુવા મહેન્દ્રભાઈને પોલીસ કંટ્રોલ વર્ધીને કારણે જવાહરનગર પોલીસ પકડીને લઈ ગઈ હતી.151ની કલમમાં તેમને છાતીના અને પેટના ભાગે ઢોર માર માર્યો છે.
મારા ફુવા જમીન લે વેચના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને ત્યાં નજીકમાં જ આવેલા ગિરિરાજ ફ્લેટમાં રહેતા પંચાલ નામના વ્યક્તિએ પોલીસ કંટ્રોલ માં વર્ધી નોંધાવતા જવાહરનગર પોલીસ પકડીને લઈ ગઈ હતી અને માર મારતા તેમનું થયું છે.ફતેગંજ માં શેખબાબુ કસ્ટડીયલ ડેથ થઈ તે જ પ્રકારે જવાહરનગર પોલીસ મથકમાં ઘટના બની છે.
અમે પેનલ પીએમ કરાવવાની માંગ કરી છે અને જો નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે મૃતદેહ સ્વીકારીશું નહીં તેમ જણાવ્યું હતું.જોકે અંતે પરિવારજનો એ મૃતદેહને સ્વીકારી અંતિમક્રિયા માટે લઈ જવાયો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરામાં ફતેગંજ શેખબાબુ કસ્ટડીયલ ડેથ મામલામાં પોલીસ સગડ મેળવી શકી નથી. ત્યાં આજે બીજી કસ્ટડીયલ ડેથ થઈ હોવાના આક્ષેપ સાથે વડોદરાના જવાહરનગર પોલીસ મથકે બનેલી ઘટના ટોક ઓફ ધી ટાઉન રહી હતી.
આ ઘટના અંગે ઉચ્ચાધિકારીઓને પણ ગંભીર બાબત બની હોઈ તેવી આશંકા જતા જવાહરનગર પીઆઈ, ક્રાઈમ બ્રાંચ, એસીપી બકુલ ચૌધરી સહિતના અધિકારીઓએ મોડીરાત સુધી એસીપી કચેરીમાં બેઠકોનો દૌર ચલાવ્યો હતો.
જવાહરનગર પોલીસ મથકમાં કસ્ટોડિયલ મોત અંગે અધિકારીઓનું સૂચક મૌન
સોમવારની રાત્રે જવાહરનગર પોલીસ મથકમાં લવાયેલા લેન્ડ બ્રોકરના કસ્ટોડિયલ મોંત અંગે પોલીસ અધિકારીઓએ કંઈ પણ નહીં કહેતા મૌન સેવી લીધું હતું.અને કંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો હતો.જેથી ફલિત થાય છે કે અગાઉ ફતેગંજ શેખબાબુ કસ્ટોડિયલ મોંત પ્રકરણમાં પોલીસની કામગીરીના લીરેલીરા ઉડ્યા હતા.ત્યારબાદ વધુ એક વખત જવાહરનગર પોલીસ મથકમાં લેન્ડ બ્રોકરના રહસ્યમય કસ્ટોડિયલ મોંતનો કિસ્સો બનતા પોલીસ અધિકારીઓએ મૌન ધારણ કર્યું હતું.