ફિલ્મજગતમાં એક દેવઆનંદ અને બીજા ધર્મેન્દ્ર, ત્રીજા રાજેશ ખન્ના અને ચોથા અમિતાભ બચ્ચન એવા છે જેના પ્રેમમાં અનેક હીરોઇનો પડી હોય. હીરોઇન ન હોય અને પ્રેમમાં પડી હોય એવી સ્ત્રીના દાખલા તો ઘણા છે. પણ હીરોઇનો પ્રેમમાં પડે અને સામે હીરો હોય તો તેની તરત કહાણી બની જાય છે. જે ચાર નામ ગણાવ્યાં તેમાં જે સજ્જન કહી શકાય તેવા તો માત્ર દેવઆનંદ છે. ધર્મેન્દ્રનું તો અનેક હીરોઇનો સાથે નામ જોડાયું. રાજેશ ખન્ના તો પોતાના જ એટલા પ્રેમમાં હતા કે તેઓ કોઈ સ્ત્રીને લાંબો સમય સહન કરી શકે તેમ ન હતા. અંજુ મહેન્દ્ર આખી જિંદગી તેનામાં ફસાયેલી રહી. તે રાજેશ ખન્નાના પ્રેમમાં હતી પણ રાજેશ ખન્ના કોઈના પ્રેમમાં નહોતા. અમિતાભ બચ્ચનનો પ્રોબ્લેમ એ રહ્યો કે તે સંબંધ ડેવલપ જરૂર કરે પણ પોતાની ઇમેજનું બહુ ધ્યાન રાખે અને અમુક સમય પૂરતા જ સંબંધમાં રહે. પરવીન બાબીને એ જ તો પ્રોબ્લેમ હતો પણ રેખાથી છૂટી ન શકાયું કારણ કે રેખા પોતે જ એવી હતી કે અમિતાભથી ન રહેવાય. પણ હા, ત્યાં પણ અમિતાભની સંસ્કારિતા અને લગ્નજીવન બચાવવાની વૃતિએ સંબંધને અંદરથી મારી નાંખ્યો.
દેવઆનંદને સુરૈયા સાથે પ્રેમ હતો અને તે પ્રેમ કયારેય છૂપાવ્યો નથી પણ પછી તેના જીવનમાં ઝિન્નત અમાન પણ આવી હતી. ઝિન્નતને તેમણે ‘હરે રામ હરે કૃષ્ણ’માં બહેન બનાવેલી. દેવઆનંદની બહેન બનવા તે વખતે કોઇ અભિનેત્રી તૈયાર ન હતી. બધાએ દેવસાહેબ સાથે રોમેન્ટિક ભૂમિકા જ કરવી હોય એટલે નવી નવી ઝિન્નતે હા પાડી દીધી. પછી એ પરદા પરની ‘બહેન’ જ દેવ આનંદના દિલમાં કસક પેદા કરી ગઈ. બાકી, દેવસાહેબ કોઇ સાથે ઝટ પ્રેમમાં પડે એવા ન હતા. વહીદા રહેમાને જ કહ્યું છે કે દેવઆનંદ પર તમે પૂરો ભરોસો કરી શકો. રાજકપૂર કે દિલીપકુમાર પર ભરોસા ન થાય એવું તેમની દરેક હીરોઇનો જાહેર નહીં તો અંગતમાં કહેતી.
આ દેવઆનંદના ચકચૂર પ્રેમમાં કોઇ પડી હોય તો તે ઝાહીદા પણ છે. ઝાહીદા એટલે નરગીસના સાવકા ભાઈ અખ્તર હુસેનની દીકરી કે જે ‘અનોખી રાત’માં સંજીવકુમારની હીરોઇન હતી અને દેવ આનંદ સાથે ‘પ્રેમપૂજારી’માં આવી હતી. આ ઝાહીદાને દેવસાબે ‘હરે રામ હરેકૃષ્ણ’માં ઝિન્નતવાળી ભૂમિકા માટે કહેલું પણ ઝાહિદા કહે કે બહેન નહીં, તમારી પ્રેમિકા બનાવો તો તૈયાર છું. દેવઆનંદે મુમતાઝને નક્કી કરી દીધી હતી એટલે ઝાહીદાનો ચાન્સ લાગ્યો નહીં.
ઝાહીદાને R.K. ફિલ્મ્સમાં રાજકપૂર તક આપવા માંગતા હતા અને તે માટે કોરો ચેક પણ આપેલો પરંતુ નરગીસે ના પાડેલી. ઝાહીદા એક સારી એકટ્રેસ હતી અને અનોખી રાત પછી તો દેવઆનંદ સાથેની ગેમ્બલરમાં પણ તેની સારી ભૂમિકા હતી. નરગીસની ભત્રીજી હોવાના કારણે દેવસાબ તેને ઓળખતા હતા. નરગીસની મા જદ્દનબાઈનાં ત્રણ લગ્ન થયેલાં. તેનું નામ નરોત્તમ દાસ ખત્રી હતું પણ જદ્દનબાઈ સાથે શાદી કરવા તેમણે બચ્ચી બાબુ બની ઇસ્લામ ધર્મનો અંગિકાર કરેલો. જદ્દનબાઈના બીજા પતિ રાશિદ મીર ખાન અને એ રાશિદ મીર ખાનથી થયેલો દીકરો તે અખ્તર હુસેન. અખ્તર હુસેનની દીકરી ઝાહીદા. જદ્દનબાઈ છેલ્લે મોહનબાબુને પરણેલી અને તેનાથી નરગીસ જન્મેલી. મતલબ કે ઝાહીદા આ નરગીસની ભત્રીજી છે.
ઝાહીદા દેવઆનંદના પ્રેમમાં એવી પડી કે ફિલ્મોમાં કારકિર્દી બનાવવા વિશે બેપરવાહ બની અને દેવસાબ સાથે તો લગ્ન શક્ય નહોતા એટલે આખર બિઝનેસમેન કેસરીનંદન સહાય સાથે પરણી ગઇ. દેવઆનંદ વિના ફિલ્મો લોકોને યાદ રહે તેવી નહોતી. ખેર, જાને દો. આ ઝાહીદાના દીકરાનું નામ નીલેશ સહાય છે જે ‘એંજલ’ નામની 2011ની ફિલ્મમાં કામ કરી ચૂકયો છે. ઝાહીદાની લવસ્ટોરી અધૂરી રહી પણ તેમાં દેવઆનંદનો વાંક ન હતો. આવા પ્રેમ પણ થાય છે. રાજકુમાર સંતોષી મિનાક્ષી શેષાદ્રિના પ્રેમમાં પાગલ હતા પણ મિનાક્ષી નહોતી તો તે લવસ્ટોરી આગળ ન વધી. અરે, બલરાજ સાહની જેવા અભિનેતા લીલા નાયડુના પ્રેમમાં હતા પણ લીલા નાયડુ પ્રેમમાં નહોતા તો કિસ્સો અટકી ગયો. ફિલ્મજગત જ નહીં આપણા બધાના જીવનમાં પણ આમ બને છે પણ આપણી સ્ટોરી બે જણાની બનીને રહી જાય અને સ્ટાર્સની બધા જાણે. સોરી. ઝાહીદા. •
