આૅપરેશન સિંદૂરનો રંગ હજી લોકોના મનમાંથી ઉતર્યો નથી અને આ રંગને બોલિવુડ એટલુ આસાનીથી ઉતારવા નહિ જ દે… જોકે આ ‘સિંદુર’ને અમુક લોકોએ શણગાર બનાવ્યો તો અમુક પર આ સિંદૂરનો દાગ લાગ્યો છે. ભારત જેવા દેશમાં જ્યાં ફિલ્મો જીવાય છે, સિનેમા સમાજ સાથે ખૂબ ગાઢ રીતે જોડાયેલું હોય, દરેક વાતો ફિલ્મોથી શરુ થતી હોય એક્ટરોને હજીયે સુપરસ્ટાર માનવામાં આવતા હોય ત્યારે આ બોલિવુડનાં કલાકારો ખૂબ મોટા પ્રમાણમાં જનતાનાં વિચારો પર અસર કરતી આવી બાબતો પર પોતાની પ્રતિક્રિયા આપવી કે નહિ એ બાબતે પહેલાથી ગોથા ખાતા આવ્યા છે. અને આ ઓપરેશન સિંદુરમાં પણ એવી જ બાબત બની જેને કારણે મહાનાયક અમિતાભ બચ્ચનથી લઇ સલમાન ખાન અને બીજા ઘણા એક્ટર્સને સિંદૂરના નામે સવાલોનો, ટ્રોલીંગ સમાનો કરવો પડ્યો.
થોડા સમય પહેલા જ્યારે દેશનાં નિર્દોષ નાગરિકો પર પાકિસ્તાન પ્રેરીત આતંકવાદીઓ દ્વારા હુમલા કરવામાં આવ્યો ત્યારે જ શો ટાઈમમાં જોયું હતું કે હવે બોલિવુડ અને પાકિસ્તાન કે તેના કલાકરોના સંબંધ નહિ જ રહે. બાદમાં દેશમાં સ્થિતિ બદલાઈ, આતંકવાદ સામે મજબૂત જવાબ આપવામાં આવ્યો. ત્યારે સામાન્ય નાગરિકો એ તેને વધાવી લીધો પણ જે અભિનેતાઓ પોતાની ફિલ્મમાં દેશભક્તિની વાતો કરતા હોય, સૈનિક બની ફિલ્મમાં દેશને બચાવતા દેખાય છે તેમાનાં ઘણા લોકો ચૂપ રહ્યા. આ ચુપ્પી ટ્રોલર્સને બરદાસ્ત નહિ થઇ અને બોલિવુડનાં કલાકરોની ટ્રોલીંગ શરુ થઇ.
આમા અમિતાભ બચ્ચન પણ બાકાત નહિ રહ્યા. રોજ પોતાના X(ટ્વિટર) ઍકાઉન્ટ પર પોતાની વાત મુકતા અમિતાભજીએ ઓપરેશન સિંદૂર દરમિયાન ઘણા બધા ટ્વિટ કર્યા જેમાં તેમણે કંઈ જ લખેલું નહિ! હવે આનો અર્થ ટ્રોલર્સે એવો લીધો કે ઓપરેશન સિંદૂર પર બચ્ચન સા’બ ‘ખામોશ’ રહેવા માંગે છે. જો કે આ ઘટનાના 20 દિવસ બાદ ઘણું બધું ટ્રોલીંગ થતા અમિતજી એ પિતા હરિવંશરાય બચ્ચનની કવિતાઓ આશરો લેતા પોતાની પતિક્રિયા આપી है चिता की राख कर में, माँगती सिंदूर दुनिया “ .. (बाबूजी की पंक्ति) तो “ …… “ ने दे दिया सिंदूर! तू ना थमें गा कभी ; तू न मुड़ेगा कभी ; तू न झुकेगा कभी , कर शपथ , कर शपथ, कर शपथ! अग्नि पाथ! अग्नि पाथ! अग्नि पाथ! આ પંક્તિઓ લખી ભારતીયસેનાની પ્રશંસા કરી હતી. અને ટ્રોલર્સે એ હાશકારો લીધો હતો. આવો હાશકારો સલમાન ખાને પણ લીધો જ્યારે બંને દેશોએ સામસામે હુમલા કર્યા બાદ સિઝફાયરનો અમલ થયો. આ જાહેરાતના થોડા જ સમયમાં સલમાન ખાને Thank God for the ceasefire – એવું પોતાના X ઍકાઉન્ટ પર લખ્યું. આ જોઈ ટ્રોલર્સ યુદ્ધ કરવા આવી પહોંચ્યા કે લડાઈ વખતે તો તમે સેનાને સપોર્ટ કર્યો નહીં, અને હવે સિઝફાયર થતાં તમે થેંક્યુ કહી રહ્યા છો! આનો વિરોધ થતા સલમાન પોતાના કરિયરની જેમ બેકફુટ પર જતો રહી પોતાની પોસ્ટ જ ડિલીટ કરી દીધી હતી. આ જ સલમાન ગંગારામમાં સૈનિક બની પોતાનું કમબેક વિચારી રહ્યો હતો, આ અગાઉ પણ ઘણી વાર સૈનિક બની કલાકોરોએ દેશના નામે સફળતા મળેવી બોક્સઓફિસ પર પૈસાનો વરસાદ પાડ્યો છે.
આ બનાવમાં પણ પબ્લિક પાસેથી પૈસા ઉઘરાણી કરવાનું વિચારતા કોન્ટ્રોવર્સી થઇ. દેશ જ્યારે યુદ્ધનાં દરવાજે ઉભું હતું ત્યારે બોલિવુડનાં ઘણા બધા ફિલ્મમેકર્સ જે સારી વાર્તાના અભાવથી પીડાઈ રહ્યા હતાં તેમણે ‘ઓપરેશન સિંદૂર’ પર ફિલ્મ બનાવવા કોપીરાઈટ મેળવવા લાઈનો લગાવી હતી. ઘણાં બધા પ્રોડક્શન હાઉસે તો ફિલ્મના પોસ્ટર પણ રીલિઝ કરી દીધા હતા. આ બધુ જોઈ બોલિવુડ કલા અને દેશ વચ્ચે પોતાનું બેલેન્સ રાખવાની ખોટી કોશિશ કરતી હોય તેવું સિને-મા નાં બાળકોને લાગ્યું. •
