આપણે છાપામાં, સામયિકોમાં જે તે પ્રોડક્ટની જાહેરાતો જોઈ છે. રેડિયો પર સાંભળી છે. ટીવી પર સાંભળી અને નિહાળી છે. સૌ ઉત્પાદકોને એષણા છે કે મહત્તમ ગ્રાહકો એમની પ્રોડક્ટ ખરીદે. હવે નવું નાટક આવ્યું છે, મોબાઈલ માર્કેટિંગ. સવાર, બપોર, સાંજ, રાત ગમે ત્યારે મેસેજ કે ફોન આવી શકે. આપ લગ્નમાં છો કે સ્મશાનમાં, જાતે માંદા છો કે પરિવારમાં કોઇની તબિયત નાશાઝ છે- મેસેજ કે ફોન આવ્યો જ સમજાવો. આ જુલમીઓ ખાસ કરી બપોરનો સમય પકડે છે.
બપોરે એકાદ ઝોકું ખાવા આડા પડો છો અને ફોન આવે, વળી લિન્ક પણ આવે કે અમારી સેવાને 1 થી 10માં ગ્રેડ આપશો. તદુપરાંત ઇન્ટરનેટ અને ફોન સેવા પૂરી પાડતી કંપનીઓ તો હદ કરે છે. સેવ પૂર્ણ થવાના 4-6 દિવસ પહેલેથી મેસેજ આવવાના શરૂ થઈ જાય. જ્યાં સુધી ગ્રાહક રિચાર્જ નથી કરાવતો ત્યાં સુધી આ ભવાઇ અવિરતપણે ચાલુ જ રહે છે. અને આપણે તો જિજ્ઞાસુ જીવ રિંગ સાંભળતાં જ હાથ ગજવે, કારણ કે આપણે દરેક વખતે વિચારીએ કે કોઈ અગત્યનો મેસેજ હોય તો. આ ઉત્પાદકોને કોણ સમજાવે કે હાથમાંથી કોઈ ઝૂંટવી જાય, પ્રારબ્ધમાંથી નહીં.
બારડોલી – વિરલ વ્યાસ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.