તા. ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૧ ના ‘ગુજરાતમિત્ર’માં ‘ ટ્રાફિક સમસ્યા પાછળ જવાબદાર કોણ? એ શીર્ષક હેઠળનું આરતીબેન જે. પટેલનું ચર્ચાપત્ર વાંચ્યું. અકસ્માત અટકાવવા માટે ટ્રાફિકના નિયમોથી વ્યક્તિ વાહન ચલાવતું થાય ત્યારથી જ વાહન ચલાવનારને અવગત કરાવવા જોઈએ તેવી તેમની વાત બિલકુલ સાચી છે.
પણ હમણાં હમણાં ધૂમ સ્ટાઈલમાં બાઈક હંકારનારાઓની સંખ્યા દિનપ્રતિદિન વધતી જાય છે તે પણ અકસ્માત થવા માટે એટલી જ જવાબદાર છે. નજીકના ભૂતકાળમાં વર્તમાનપત્રોમાં સમાચાર પ્રકાશિત થયા હતા કે ડુમસ રોડ ઉપર ૧૦૦ કી. મી. કરતાં વધારે સ્પીડમાં બાઈક ચલાવતા યુવાનને અકસ્માત થયો અને તેમાં પાછળ બેઠેલી વ્યક્તિ ફંગોળાઇ અને સ્થળ પર જ મોત નિપજ્યું, જ્યારે બાઈક ચલાવનાર હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.
આરતીબેને જે વાત લખી છે તે ઉપરાંત વાહનની વધારેમાં વધારે સ્પીડ કેટલી રાખવી જોઈએ ( શહેરમાં અને હાઇ વે પર અલગ અલગ હોઈ શકે) તે માટે પણ જે વ્યક્તિ વાહન ચલાવતું થાય ત્યારથી જ તેને તે અંગે અવગત કરાવવા જોઈએ એવું આ લખનારનું માનવું છે.
આ સંદર્ભમાં તા. ૧૪ ફેબ્રુઆરીના ‘ગુજરાતમિત્ર’માં બીજા પાના પર પ્રકાશિત થયેલ સમાચાર સૌની આંખ ઉઘાડનાર સાબિત થવા જોઈએ. તેમાં જણાવ્યા પ્રમાણે વિશ્વ બેંકના એક અહેવાલ પ્રમાણે આપણા દેશમાં આખી દુનિયાના એક ટકા જેટલાં વાહનો છે પરંતુ વાહન અકસ્માતોમાં અહીં વિશ્વના દસ ટકા લોકો મરે છે, એટલું જ નહીં, કોઈ પણ સમયે આપણા દેશની હોસ્પિટલોની દસ ટકા ક્ષમતા અકસ્માતોમાં ઇજા પામેલાઓની સારવારમાં રોકાયેલી હોય છે.
વિશ્વ બેન્કનો આ અહેવાલ ચોંકાવનારો તથા ગંભીર વિચારણા માંગી લે એવો છે અને આરતીબેને તેમના ચર્ચાપત્રમાં જે વ્યવહારુ સૂચનો જણાવ્યાં છે તેને યથાર્થ સાબિત કરે છે, જેનો અમલ થવો જોઈએ.
સુરત – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.