Charchapatra

વસંતનાં વધામણાં

ફૂલોએ રાગ છેડયો ને સુગંધે સંગત કરી અને પાંદડાઓએ ખુશીનું કોરસ ગાતાં ગાતાં વસંતના આગમનની  છડી  પોકારી છે. વસંત એ પ્રેમની ૠતુ પણ છે.  સમગ્ર પ્રકૃતિ અનોખી સૌરભથી તરબતર થઈ ગઈ છે. તમે ન ઈચ્છો તો પણ આ સમીરની છેડછાડ તમને અલગ નશામાં ડુબાડી દે છે. પ્રકૃતિ  તહેવાર ઉજવણી કરવા માટેની તક ઊભી  કરી  આપે છે.

કુદરત પણ માનવી સાથે ઓતપ્રોત થવા વસંત ૠતુ પસંદ કરે છે. સાધારણ ઠંડી અને કૂણા તડકાથી વસંત ૠતુ શોભાયમાન બને છે. કલમ આરાધનાનો દિવસ પણ વસંત પંચમીના દિવસે આવે છે. સાહિત્ય સાથે સંલગ્ન લોકો આ દિવસે મા શારદાની આરાધના કરે છે. પીળા રંગની વિશેષ ઓળખ આ ૠતુની છે. તે સાથે અન્ય રંગ પણ કુદરતમાં છવાય છે. 

વસંત રંગોની ૠતુ  છે. જેના આવવાથી પ્રકૃતિ પણ મુક્ત હાથે રંગોની લહાણી કરે છે. ત્યારે  આ  મોકો છોડવા જેવો નથી. તમે પણ જોડાઈ જાવો આ કુદરતના કોરસમાં..રંગીન મિજાજમાં અને આધ્યાત્મિક પરિવેશમાં..શહેરની ભીડથી દૂર, કોઈક વાર વસંતનો વૈભવ માણવા  જેવો ખરો..જો આ શક્ય ન બને તો ઘરની બાલકનીમાંથી પણ વસંતને માણી શકો..તમારા ઘરની સામે  ફૂલોની પરિષદ ભરાતી હોય છે એમાં હાજર  રહો.

પુષ્પોના પમરાટને અનુભવો. કૂણા ઘાસ પર   બેસી કુદરતનાં કાવ્યો માણો, સાંભળો અને વસંતને વધાવો. ડાળ પરનાં ફૂલ કેવાં ડોલે છે?/કે વસંતી વાયરાને તોલે છે./કેસરી વલ્કલ વાસંતી પહેરીને,/આ કણેકણમાં જગત આંદોલે છે./ખેતરોની ક્યારીમાં રૂપ ઉઘડે, સાંજ કેસરિયાળું કેસર ઘોળે છે./એકડો ઘૂંટે પ્રણયની જ્યાં વસંત દ્વાર આ ‘દિલીપ’ ક્ષણના ખોલે છે.

સુરત     – દિલીપ વી. ઘાસવાલા      – આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top