પાકિસ્તાને ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર શૉને છોડી દીધો છે. પાકિસ્તાની રેન્જર્સે અટારી વાઘા બોર્ડર દ્વારા બીએસએફ કોન્સ્ટેબલને પરત મોકલી દીધા છે. તે છેલ્લા વીસ દિવસથી પાકિસ્તાનની કસ્ટડીમાં હતા. કોન્સ્ટેબલ પૂર્ણમ કુમાર સવારે 10:30 વાગ્યે દેશમાં પરત ફર્યા. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
પૂર્ણમ કુમાર પાકિસ્તાન કેવી રીતે પહોંચ્યો?
પૂર્ણમ કુમાર ભૂલથી આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને 23 એપ્રિલના રોજ પાકિસ્તાન પહોંચી ગયો હતો, ત્યારબાદ તેને પાકિસ્તાન રેન્જર્સ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. તેઓ પંજાબના ફિરોઝપુર સેક્ટરમાં પોસ્ટેડ હતા. આ ઘટના જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના બીજા જ દિવસે બની હતી. ત્યાર બાદ ભારતે 7 મેના રોજ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ આતંકવાદી ઠેકાણાઓ પર સચોટ હુમલા કર્યા. પાકિસ્તાને પણ વળતો જવાબ આપ્યો, જેનાથી તણાવ વધ્યો. આવી સ્થિતિમાં પૂર્ણમના પરિવારની ચિંતાઓ વધુ વધી ગઈ.
પત્નીને આશા હતી કે વહેલા મુક્ત થશે
પૂર્ણમ કુમારના પત્ની રજનીએ આશા વ્યક્ત કરી હતી કે ડીજીએમઓ સાથેની વાતચીતમાં પૂર્ણમ કુમારનો મુદ્દો ઉઠાવવામાં આવશે. તેણીએ કહ્યું હતું કે, જ્યારે ભારતીય સેનાએ 3 મેના રોજ રાજસ્થાનમાં એક પાકિસ્તાની રેન્જરની અટકાયત કરી હતી, ત્યારે એવું લાગતું હતું કે કદાચ મારા પતિને પણ મુક્ત કરવામાં આવશે. પણ આવું ન થયું. હવે ડીજીએમઓ વાટાઘાટોથી નવી આશા જાગી છે.
રજનીએ એમ પણ કહ્યું કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રવિવારે તેમને ફોન કર્યો હતો અને શક્ય તમામ મદદનું આશ્વાસન આપ્યું હતું. મુખ્યમંત્રીએ તેમના સાસરિયાઓ માટે તબીબી સહાય વિશે પણ વાત કરી.