આ ફક્ત ખાલી ખિસ્સાની વાત નથી પણ એક આગ છે જે અંદર અંદર સપનાઓને ભસ્મ કરી દે છે. દરેક સવારે લાખો યુવાનો નોકરીની શોધમાં ડેલી ઓળંગે ને જ્યારે સમી સાંજે નિરાશાના ઘોર અંધકારમાં ઘરે પાછા ફરે ત્યારે આ કરૂણાંતિકા હૃદયને ચીરી નાખે છે. બેરોજગારી એક આંકડો નહીં પણ વ્યથા છે. રાતોની ઊંઘ હરામ કરી મેળવેલી ડિગ્રી આજે હાથમાં રહેલો નકામો કાગળ માત્ર છે. એ વ્યથા છે એ પિતાની જે પોતાના બાળકની નાનકડી ઇચ્છાઓને પૂરી નથી કરી શકતો. એ વ્યથા છે એ માતાની જે બે ટંકના ભોજન માટે રસોડામાં રોજ લડત આપે છે. દેશના નાના- નાના ગામડાંઓથી લઈને મહાનગરો સુધી બેરોજગારીની આગ દઝાડી રહી છે. “અનુભવ નથી, જગ્યા ખાલી નથી, અમે તમને”ફોન કરીશું જેવા શબ્દો નોકરી ઈચ્છુકના આત્મવિશ્વાસને ભ્રમિત કરી નાખે છે.
આ એક ઘા છે જે દેખાતો નથી પણ અંદરથી રક્તસ્ત્રાવ કરાવે છે. બેરોજગારી એકલતા લાવે છે. હસતા રમતા ન જાણે કેટલાય યુવાનો પોતાની દુનિયામાં ખોવાઈ ગયા છે. બેરોજગારીના અંધકારમાં પણ આશાનું કિરણ છે યુવાનોમાં રહેલી અતૂટ હિંમત અને અદમ્ય ઝુંબેશ. આજે ઘણા યુવાનો પોતાના હુનરને ઓળખી નવા રસ્તા શોધી રહ્યા છે. નાના ઉદ્યોગો, ઓનલાઇન વ્યવસાય- આ બધું તેમની સર્જનશીલતાનું પ્રતીક છે. બેરોજગારી એક વ્યક્તિની નહીં પણ સમગ્ર વિશ્વની લડાઇ છે.
સુરત – સંજય સોલંકી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.