રાજનીતિમાં જે કોઈ મહત્ત્વની ઘટનાઓ ઘટતી હોય છે, તેમાં જાહેરમાં જે કામગીરી દેખાતી હોય છે તેના કરતાં પડદા પાછળ કોઈ અલગ જ કામગીરી થઈ હોય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે અચાનક થયેલા યુદ્ધવિરામમાં પણ આવું જ કાંઈક બન્યું છે. આ યુદ્ધવિરામમાં પડદા ઉપર વિચિત્ર ઘટના એવી બની કે તેની જાહેરાત ભારત કે પાકિસ્તાનના વડા દ્વારા નહીં પણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી હતી, જે સૂચિત કરતું હતું કે તેમાં અમેરિકાએ મોખરાની ભૂમિકા ભજવી હતી.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે રાષ્ટ્રજોગા ઉદ્બોધનમાં કોઈ ત્રીજા કે ચોથા દેશની ભૂમિકાનો ઇનકાર કરી રહ્યા હતા તે પહેલાં જ ડોનાલ્ડ ટ્રમ્પે વિસ્ફોટક નિવેદન કર્યું હતું કે તેમણે ભારત અને પાકિસ્તાન બંને પર દબાણ લાવીને તેમને અણુયુદ્ધની કગાર પરથી રોક્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે એમ પણ કહ્યું કે તેમણે ભારત અને પાકિસ્તાનને વેપાર બંધ કરવાની ધમકી આપીને તેમને યુદ્ધવિરામ કરવા મજબૂર કર્યા હતા. બે બાળકો લડતાં હોય અને તેમનો બાપ તેમને ચોકલેટ ન આપવાની ધમકી આપીને લડતાં અટકાવે તેવો આ ઘાટ હતો; પણ તેમાં ડોનાલ્ડ ટ્રમ્પ ભારત અને પાકિસ્તાનના બાપ બની ગયા છે.
ભારતે હંમેશા કોઈ પણ દ્વિપક્ષીય વિવાદમાં ત્રીજા પક્ષની મધ્યસ્થીને નકારી કાઢી છે. પોતાના પહેલા કાર્યકાળ દરમિયાન પણ ડોનાલ્ડ ટ્રમ્પે જુલાઈ ૨૦૧૯માં પાકિસ્તાનના તત્કાલીન વડા પ્રધાન ઇમરાન ખાનને કાશ્મીર પર મધ્યસ્થી કરવાની ઓફર કરી હતી, પણ ભારતે ટ્રમ્પની આ ઓફરને તરત જ નકારી કાઢી હતી. અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ X પર યુદ્ધવિરામ અંગે એક પોસ્ટમાં લખ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વિવાદોના ઉકેલ માટે કોઈ ત્રીજા દેશમાં વાત કરશે. અમેરિકા દ્વારા યુદ્ધવિરામની જાહેરાત પર ભારતનો પ્રતિભાવ બહુ ઉષ્માભર્યો નહોતો.
ડોનાલ્ડ ટ્રમ્પ અને રુબિયોની જાહેરાત પછી ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે X પર લખ્યું છે કે ભારત અને પાકિસ્તાન લશ્કરી કાર્યવાહી બંધ કરવા માટે સંમત થયા છે. ભારત આતંકવાદ સામે કોઈ સમાધાન કરશે નહીં અને ભવિષ્યમાં પણ આ વલણ એ જ રહેશે. જયશંકરે તેમની પોસ્ટમાં ક્યાંય પણ યુદ્ધવિરામ માટે મધ્યસ્થી કરનાર તરીકે અમેરિકાનું નામ લીધું નથી. ગયા મહિને જમ્મુ અને કાશ્મીરમાં થયેલા ઘાતક હુમલામાં ૨૬ પ્રવાસીઓનાં મોત બાદ ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં હવાઈ હુમલા શરૂ કર્યા હતા.
ત્યાર બાદ દિવસો સુધી હવાઈ અથડામણો, તોપમારો થયો અને શનિવારે સવાર સુધીમાં બંને પક્ષોએ એકબીજા પર તેમનાં હવાઈ મથકો પર મિસાઈલ હુમલા કરવાનો આરોપ લગાવ્યો હતો. શુક્રવારે રાત્રે પાકિસ્તાન અને ભારત બંનેએ એકબીજાના વાયુસેના મથકોને નિશાન બનાવવા અને નુકસાન પહોંચાડવાનો દાવો કર્યો હતો. આ પછી બંને દેશો વચ્ચે તણાવ વધુ ઘેરો બન્યો અને તેમણે એકબીજા પર ડ્રોનથી હુમલો કર્યો હતો. બંનેએ એકબીજાના ડ્રોન અને મિસાઇલો તોડી પાડવાનો દાવો કર્યો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે નિયંત્રણ રેખા પર ભારે ગોળીબાર પણ થયો હતો. શનિવારે સવારે પાકિસ્તાને દાવો કર્યો હતો કે ભારતે તેના ત્રણ લશ્કરી એરબેઝને નુકસાન પહોંચાડ્યું છે.
ભારતે પણ પાકિસ્તાની એરબેઝ પર સચોટ હુમલા કર્યા હોવાની પુષ્ટિ કરી હતી. તેમાં પાકિસ્તાનના અણુ શસ્ત્રાગાર પર હુમલાના સમાચારો આવ્યા હતા. પાકિસ્તાનના નિષ્ણાતો કહે છે કે જેમ જેમ તણાવ વધતો ગયો, તેમ તેમ પાકિસ્તાને બેવડા સંકેતો આપ્યા હતા. પાકિસ્તાને એક તરફ લશ્કરી બદલો લેવાની શરૂઆત કરી હતી અને બીજી તરફ નેશનલ કમાન્ડ ઓથોરિટી (NCA) ની બેઠક બોલાવી હતી. પાકિસ્તાન કમાન્ડ ઓથોરિટી દેશનાં પરમાણુ શસ્ત્રોનું નિયંત્રણ કરે છે અને તેમના ઉપયોગ અંગે નિર્ણયો લે છે. જાણકારો કહે છે કે પાકિસ્તાને ભારત પર અણુબોમ્બ ફેંકવાની તૈયારીઓ શરૂ કરી હતી, જેની જાણ અમેરિકાની ગુપ્તચર સંસ્થાને થઈ ગઈ હતી.
આ જાણ થતાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરને ફોન લગાવ્યો હતો અને યુદ્ધ રોકવા તાકીદ કરી હતી. બીજી બાજુ અમેરિકાની સૂચનાથી પાકિસ્તાનના ડિરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશને ભારતના સમકક્ષને ફોન કરીને યુદ્ધવિરામ કરવાની વિનંતી કરી હતી. ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે બપોરે ૩.૩૦ વાગ્યે વાતચીત થઈ અને બે કલાકમાં યુદ્ધવિરામ લાગુ કરવામાં આવ્યો. બંને દેશો કઈ શરતો પર સંમત થયા છે તે અંગે હજુ સુધી વધુ માહિતી નથી. ભારત પર અમેરિકા ઉપરાંત તુર્કી અને સાઉદી અરેબિયાનું દબાણ હોવાથી તેણે જીતતાં હોવા છતાં યુદ્ધવિરામ સ્વીકાર્યો હતો.
ભારતીયોને યુદ્ધવિરામ વિશે પહેલી માહિતી ભારત કે પાકિસ્તાન તરફથી નહીં પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ તરફથી મળી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની પોસ્ટમાં લખ્યું કે અમેરિકાએ આખી રાત પાકિસ્તાન અને ભારત વચ્ચે મધ્યસ્થી કરી અને આ પછી બંને દેશો યુદ્ધવિરામ માટે સંમત થયા છે. નિષ્ણાતો કહે છે કે ભારતના દાવાથી વિરુદ્ધ પડદા પાછળ અમેરિકાના મધ્યસ્થીઓએ ભારત અને પાકિસ્તાનના નેતાઓ સાથે મળીને રાજદ્વારી બેકચેનલ દ્વારા પરમાણુ સશસ્ત્ર હરીફોને યુદ્ધના આરેથી પાછા લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેનો પ્રારંભ તા. ૯ મેના અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોના પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ મુનીરને ફોન કોલ સાથે થયો હતો.
પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર સાથે ફોન પર વાત કર્યા પછી માર્કો રુબિયોએ ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે પણ ફોન પર વાત કરી હતી. આ પહેલી વાર નથી જ્યારે અમેરિકાની મધ્યસ્થીથી ભારત-પાકિસ્તાન કટોકટીને ઓછી કરવામાં મદદ મળી હોય. અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ તેમના પુસ્તકમાં દાવો કર્યો છે કે એક વખત તેમના ભારતીય સમકક્ષ એસ. જયશંકર દ્વારા તેમને જગાડવામાં આવ્યા હતા, જેમને ડર હતો કે પાકિસ્તાન ૨૦૧૯ની બાલાકોટ સ્ટ્રાઇક પછી વળતો જવાબ આપવા પરમાણુ શસ્ત્રો તૈયાર કરી રહ્યું છે.
પાકિસ્તાનમાં ભારતના ભૂતપૂર્વ હાઈ કમિશનર અજય બિસારિયાએ પાછળથી લખ્યું હતું કે માઈક પોમ્પિયોએ પરમાણુ યુદ્ધના ભય અને સંઘર્ષને શાંત કરવામાં અમેરિકાની ભૂમિકા બંનેને અતિશયોક્તિપૂર્ણ ગણાવી હતી. જો કે, રાજદ્વારીઓ કહે છે કે તેમાં કોઈ શંકા નથી કે અમેરિકાએ આ કટોકટી ટાળવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. શનિવારે સવારે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે ભારતે દાવો કર્યો કે પાકિસ્તાનના સૈનિકો આગળ વધી ગયા છે, ત્યારે તેણે કહ્યું કે ભારત તણાવ વધારવા માંગતું નથી. એક પ્રેસ કોન્ફરન્સમાં કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું હતું કે પાકિસ્તાની સેના દ્વારા આગળના વિસ્તારોમાં સૈનિકોની તૈનાતી વધી રહી હોય તેવું લાગે છે, જે પરિસ્થિતિને વધુ ખરાબ કરવાનો ઇરાદો દર્શાવે છે.
ભારતીય સશસ્ત્ર દળો સંપૂર્ણ ઓપરેશનલ એલર્ટની સ્થિતિમાં છે. ભારતીય સશસ્ત્ર દળો પુનરોચ્ચાર કરે છે કે તેઓ તણાવ વધારવા માંગતા નથી. જો પાકિસ્તાન પણ આવું જ વર્તન કરે. ભારત એવું સૂચવી રહ્યું હતું કે તેનો પરિસ્થિતિને વધુ ખરાબ કરવાનો કોઈ ઇરાદો નથી. ભારતનું વલણ ખૂબ જ સ્પષ્ટ હતું. ભારતે કહ્યું હતું કે અમે બદલો લઈશું અને ભારતે બદલો લીધો. પછી પાકિસ્તાની સેનાએ નક્કી કર્યું કે અમે પણ બદલો લઈશું અને ત્યાંથી પરિસ્થિતિ વધુ ખરાબ થવા લાગી. જો પાકિસ્તાને ૭ મેના રોજ પ્રતિક્રિયા ન આપી હોત, તો પરિસ્થિતિ આ બિંદુ સુધી પહોંચી ન હોત.
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે શનિવારે સવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે પાકિસ્તાને ભારતને યોગ્ય જવાબ આપ્યો છે. અમારા જવાબી ઓપરેશન બુન્યાન અલ મારસૂસમાં ભારતીય લશ્કરી ઠેકાણાંઓને ખાસ નિશાન બનાવવામાં આવ્યાં હતાં, જ્યાંથી પાકિસ્તાન પર હુમલા શરૂ થયા હતા. આજે અમે ભારતને યોગ્ય જવાબ આપ્યો છે અને નિર્દોષ લોકોનાં મોતનો બદલો લીધો છે. આ ઘટનાક્રમ પછી લાગે છે કે ભારત અને પાકિસ્તાન બંને યુદ્ધની પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માગતા હતા, પણ તેમને પોતાનો ઇગો નડતો હતો. તેઓ જાતે યુદ્ધવિરામ માટે પહેલ કરી શકે તેમ નહોતા, માટે જ અન્ય દેશોની મધ્યસ્થીની જરૂર પડી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચેનું સંભવિત અણુયુદ્ધ ટળી ગયું તે સૌથી સારા સમાચાર છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.