Comments

તે દિવસે નરેન્દ્ર મોદીને ખૂબ સારી ઊંઘ આવી હશે

આપણી જાણ બહાર આપણે બધા જ એટલી બધી નકારાત્મકતા આપણા હ્રદય અને મગજમાં ઠાંસી ઠાંસી ભરીએ છીએ કે આપણી પાસે બધું જ હોવા છતાં કંઈક ખૂટી રહ્યું છે તેવું સતત લાગ્યા કરે છે. આપણે પોતે જે કરીએ છીએ અને જે આપણે વિચારીએ છીએ તે સિવાય બધા જ ખોટું કરે છે તેવી માન્યતાઓનો આપણે અજાણતા શિકાર થઈ જઈએ છીએ.

આપણી હાલત જંગલમાં શિકારીએ બીછાવેલી જાળમાં ફસાયા હોઈએ તેવી  છે. જો કે જંગલમાં શિકારીની જાળમાં ફસાયેલા પ્રાણી અથવા  પક્ષીને તો તેની પણ ખબર હોય છે કે તેણે કોઈ પણ ભોગે શિકારીની ચુંગાલમાંથી છટકવું છે, પરંતુ આપણે નકારાત્મકતાની જાળમાં ફસાઈ ગયા છીએ તેવો અંદાજ પણ આવતો નથી અને રોજ આપણે જે જાળમાં ફસાયા છીએ તે જાળને આપણે જાતે ફંદાની જેમ આપણા ગળામાં મજબૂત કરીએ છીએ,જે આપણું જીવવું હરામ કરે છે.

જયાં સુધી નકારાત્મકતાનો સવાલ છે ત્યાં સુધી તેમાંથી કોઈ બચી શકયું નથી.ખાસ કરી પોતાને બુધ્ધિજીવી માનતો વર્ગ આ દલદલમાં રોજ વધુ ખૂંપતો જાય છે. સોશિયલ મીડિયા ઉપર જુવો તો તમને અંદાજ આવશે કે આપણે કેટલી બધી નકારાત્મકતાને ગળે વળગાડી રહ્યા છીએ.

આપણી આસપાસ બધા જ ખરાબ માણસો છે અને બધું જ  ખરાબ થઈ રહ્યું છે તેવું નથી, પરંતુ આપણી નજર જાણે  ખરાબ જ શોધી રહી હોય તેવી સ્થિતિ છે. નિરાશાજનક બાબત તો એવી છે, હમણાંની સ્થિતિમાં જે શિક્ષિત વર્ગે પોતાને સંભાળી બીજાને મદદ કરવાની ક્ષમતા છે તેઓ પોતે પોતાનું નિયંત્રણ ખોઈ બેઠા  છે.

સોશિયલ મીડિયા ઉપર આપણે જેમને વ્યકિતગત રીતે ઓળખીએ છીએ તેવા મિત્રો પોતાના વિરોધી મતોને જે ભાષામાં જવાબ આપે છે અથવા વિરોધી મત ધરાવતી વ્યકિત સાથે સંવાદ કરે છે,તે જોઈ પોતાને જ પ્રશ્ન પૂછવાનું મન છે કે આપણે જે મિત્રને ઓળખતા હતા તે ખરેખર  આપણો જ મિત્ર છે કે પછી તે પહેલાંથી જ આવો હતો પણ આપણે તેને ઓળખી શકયા ન્હોતા.

નકારાત્મકતા આપણને અંદરથી ખતમ કરી રહી છે.એક પત્રકાર તરીકે મારું કામ સરકાર અને તંત્રની ચુક શોધી તેમાં સુધારો થાય તેવા પ્રકારનું રીપોર્ટીંગ કરવાનું છે. સરકારની ટીકા કરીએ ત્યારે તેની પાછળનો હેતુ તો લોકોના જીવનમાં સારું થાય તેવો જ હોવો જોઈએ, પણ ખરેખર તેવું થતું નથી.

પત્રકાર પણ અજાણતાં માનતો થઈ જાય છે કે ફલાણો નેતા અથવા ફલાણાનો  રાજકીય પક્ષ સારો અથવા ખરાબ છે. પછી પોતાની આ માન્યતાને પોતે જ  દ્રઢ કરતો જાય છે. પત્રકારને પણ કોઈ નેતા અથવા  પક્ષ પસંદ હોય તેમાં ખોટું નથી, પણ જે નેતા અથવા પક્ષ સાથે તે સંમત નથી તે આપણો દુશ્મન નથી, પણ સામાન્ય રીતે તેવું બનતું નથી.

પત્રકાર કલમ રૂપી દંડ લઈ સતત ન્યાય તોળવાની ભૂમિકામાં ઊભો રહે છે,તંત્ર અથવા નેતાની ચુક હોય ત્યારે ચોક્કસ શબ્દ દ્વારા સંબંધિતનો કાન પકડવાનો છે, પણ આ જ નેતા અને તંત્ર સારું કરે ત્યારે તેમની પીઠ થાબડવાનું કામ પણ થવું જોઈએ પણ તેવું થતું નથી, કારણ બધું  જ સારું અને બધું જ ખરાબ થતું નથી.દરેક વખતે ગુણ દોષના આધારે વાત કરવી જોઈએ.

પત્રકારો જેવી જ સ્થિતિ રાજનેતાની છે. લોકશાહીમાં કોઈ એક જ પક્ષને સત્તા કરવાનો અધિકાર મળે છે અને બીજાને વિરોધ પક્ષમાં બેસવાનો પ્રજા અધિકાર આપે છે. સત્તાઓ આવતી જતી રહી છે, પણ રાજનેતાઓને ખબર નથી કે તેમને ઈશ્વરે એક જ જિંદગી આપી છે,  રાજકારણ સિવાયની પણ એક જિંદગી હોય છે,કારણ કોઈ રાજનેતા તરીકે જન્મ  લેતું નથી,એટલે સત્તા નહીં હોય તો પણ જિંદગી  ચાલવાની છે.

આ સ્થિતિ સમજાતી નથી એટલે રાજનેતા બીજાને  નિષ્ફળ અથવા નકામો સાબિત કરી જીતવા માગે છે. સત્તા સુધી પહોંચવા અથવા સત્તામાં ટકી રહેવા કદાચ આ જરૂરી છે, પણ ચોવીસ  કલાક વિરોધી મત ધરાવતી વ્યકિત માટે નકારાત્મક વિચારવું અથવા બોલતાં રહેવું પોતાના માટે કેટલું ઘાતક છે તેનો તેમને અંદાજ આવતો નથી.

વિરોધ પક્ષમાં રહેલા નેતાએ સરકારની ભૂલો શોધવાની સાથે સરકારે સારું શું કર્યું તે પણ જોવું જોઈએ અથવા સરકાર કેવી રીતે સારું કામ કરી શકે  તે માટે મદદરૂપ થવા સરકાર તરફ હાથ પણ લંબાવવો જોઈએ.

આવું જ સરકારમાં બેઠેલા નેતાઓ પણ કરી શકે, જે વિરોધ પક્ષમાં બેઠા છે તેઓ આપણા દુશ્મન નથી. વિરોધ પક્ષને રોજ ભાંડવાને બદલે પ્રજાને મદદરૂપ થવા માટે  વિરોધ પક્ષને કઈ રીતે સામેલ કરી શકાય તે દિશામાં સરકારમાં બેઠેલા નેતાઓએ પણ એક પગલું આગળ વધવું જોઈએ.ભાજપ અને કોંગ્રેસ વિરોધી વિચારધારા છે,  પણ તેઓ એકબીજાના દુશ્મન નથી, સરકારી નિર્ણયોમાં તેઓ એકબીજાના ટીકાકાર હોઈ શકે, પણ માણસ તરીકે  તેઓ મિત્ર  રહી શકે છે પણ તેવું થતું નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના નેતા ગુલાબનબી આઝાદ સાથેનાં સારાં સંસ્મરણો સંસદમાં વાગોળ્યાં ત્યારે તે રડી પડયા હતા. આખી જિંદગી એકબીજાની ટીકા કરતા નરેન્દ્ર મોદીએ માણસ તરીકે આઝાદનાં વખાણ કર્યાં ત્યારે આઝાદની  આંખો પણ રડયા વગર રહી શકી નહીં.

મને લાગે છે કે કોંગ્રેસની સતત ટીકા કરતા  મોદીએ જે દિવસે  સંસદમાં આઝાદનાં વખાણ કર્યાં મને લાગે છે કે તે રાત્રે નરેન્દ્ર મોદીને ખૂબ સારી ઊંઘ આવી હશે.જેમ આપણા શરીરમાં ગુડ એન્ડ બેડ કોલોસ્ટ્રેલ હોય છે તેમ આપણા જીવનમાં પણ  માણસ તરીકે ગુડ કોલોસ્ટ્રોલ વધે નહીં તો વાંધો નહીં, પણ ઘટે નહીં તેની કસરત પણ  આપણે કરવી પડશે.      

  • આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top