Vadodara

વડોદરા : પોલેન્ડના વર્ક પરમિટ બનાવી આપવાના બહાને મહિલા પાસેથી એજન્ટે રૂ.2.52 લાખ ખંખેર્યાં

ગેંડા સર્કલ સારાભાઇ કેમ્પસ ખાતેની યુરોકન ઈન્ટરનેશનલ કન્સ્લટન્સીના સંચાલક દ્વારા ઠગાઇ, રૂ. 1.50 લાખનો આપેલો ચેક પણ બેન્કમાં ડિપોઝિટ કરાવતા બાઉન્સ થયો

પ્રતિનિધિ વડોદરા તા.11

પોલેન્ડ વર્ક પરમિટ કરાવી આપવાના બહાને યુરોકન ઇન્ટરનેશલ કન્લસ્ટન્સીના સંચાલક દ્વારા રૂ. 2.52 લાખ મહિલા પાસેથી પડાવી છેતરપિંડી આચરવામાં આવી હતી. ઉપરાંત પોલેન્ડના વર્ક પરમિટનો લેટર મોકલ્યો હતો જેને ખાતરી કરાવતા બોગસ નીકળ્યો હતો. જેથી રૂપિયા પરત માગતા એજન્ટે આપેલો રૂ.1.50 લાખનો ચેક બેન્કમાં ડિપોઝીટ કરાવતા બાઉન્સ થયો હતો. જેથી મહિલાએ એજન્ટ વિરુદ્ધ ઠગાઇની ફરિયાદ નોંધાવી છે.

વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલી ઓમકાર રેસિડેન્સીમાં રહેતા સોનલબેન રાહુલભાઇ પરમાર અલકાપુરીની એક્સપ્રેસ હોટલ ખાતે નોકરી કરે છે. તેમને પોલેન્ડ ખાતે વર્ક પરમીટ પર જવાનુ હોય માર્ચ 2024માં વિદ્યાનગર આણંદ ખાતે અભ્યાસ ભાણિયા અર્પિતને જાણ કરી હતી. જેથી તેણે વિદ્યાનગર ખાતે યુરોકન ઈન્ટરનેશનલ કન્સ્લટન્સીમાં જઈ પુછપરછ કરી પોલેન્ડ જવાની વાતચીન કરી હતી. ત્યારે આ યુરોકન ઈન્ટરનેશનલ કન્સલ્ટન્સીમાંથી ભાણિયાને જણાવ્યું હતું કે તેઓની કન્સલટન્સી ઓફીસ ગોરવા સારાભઆઇ કેમ્પસ ખાતે એટલાંટીસ-10માં આવેલી છે. જેથી મહિલાએ ત્યાંની ઓફિસ જઇને તપાસ કરતા તેમની કન્સલ્ટન્સીના સંચાલક ગૌરાંગ દિનેશ પટેલ સાથે મુલાકાત થઇ હતી. મહિલાએ સંચાલક એજન્ટને પોલેન્ડના વર્ક પરમીટ માટે રૂ.5 લાખ ખર્ચ થશે અને ત્રણ વર્ષના વર્ક પરમીટ કરી આપશે તેમ કહ્યું હતું. જેથી મહિલાએ વર્ક પરમીટની કામગીરી કરવા ડોક્યુમેન્ટ આપતા તેણે વિઝા પ્રોસેસ શરૂ કરી હતી. છ મહિનામાં કામ કરી આપવાનો નોટરી કરાર કરતા મહિલાએ તેના પર વધુ ભરોસો આવ્યો હતો. વર્ક પરમિટ માટે તેણે નાણાની માંગણી કરતા મહિલાએ રૂ. 2.52 લાખ પ્રોસેસિંગ માટે આપ્યા હતા. એજન્ટ ગૌરાંગ પટેલે પોલેન્ડના વર્ક પરમીટની નકલ આપી બાકીના નાણા ભરપાઈ કરવા કહ્યું હતુ. પરંતુ મહિલાએ વર્ક ૫રમીટ લેટરની ચકાસણી કરતા આ લેટર ખોટો હોવાનું જાણવા મળ્યું હતું.  ગૌરાંગ પટેલને વાત કરતા કોઈ સરખો જવાબ ન આપતા તેની પાસે નાણાની માંગણી કરી હતી ત્યારે તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. ગત ઓગષ્ટ મહિનામાં રૂ.1.50 લાખનો ચેક કુરીયર દ્વારા ઘરે મોકલ્યો હતો જે ચેક બેંકમાં જમાં કરાવતા બાઉન્સ થયો હતો. એજન્ટ ફોન તથા ઓફીસ પણ બંધ કરી ફરાર થઇ ગયો હતો. જેથી પોલેન્ડના વર્ક પરમિટ બનાવી આપવાના બહાને એજન્ટે રૂ.2.52 લાખની  ઠગાઇ કરી હોય તેના વિરુદ્ધ ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

Most Popular

To Top