World

ભારત-પાકિસ્તાન યુદ્ધ રોકવા માટે સંમત: સંઘર્ષ વિરામ લાગુ, 12 મે ના રોજ કરશે વાતચીત

ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ માટે સંમત થયા છે. આ જાણકારી સોશિયલ મીડિયા X પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘અમેરિકાની મધ્યસ્થી હેઠળ ગઈકાલે રાત્રે લાંબી ચર્ચા પછી, મને જણાવતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન તાત્કાલિક અને સંપૂર્ણ યુદ્ધવિરામ માટે સંમત થયા છે.’ હું બંને દેશોને આ સમજદારીભર્યા નિર્ણય લેવા બદલ અભિનંદન આપું છું. વિદેશ સચિવ વિક્રમ મિસરી જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ પર સંમત થયા છે. તેમણે કહ્યું કે આજે સાંજે 5 વાગ્યાથી યુદ્ધવિરામ લાગુ કરવામાં આવ્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી રોકવા માટે બંને દેશો વચ્ચે સીધી વાતચીત થઈ હતી. પાક ડીજીએમઓએ વાટાઘાટો શરૂ કરી. જે પછી ચર્ચા થઈ અને સર્વસંમતિ સધાઈ. તેમણે જણાવ્યું કે ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે આજે બપોરે 3:35 વાગ્યે વાતચીત થઈ અને આજે ભારતીય સમય મુજબ સાંજે 5:00 વાગ્યે બંને દેશો હવાઈ હુમલા કે અન્ય કોઈ લશ્કરી કાર્યવાહીનો આશરો લેશે નહીં.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી જાણકારી છે. તેમણે ટ્વીટ કર્યું છે કે ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ પર સંમત થયા છે. તેમણે ટ્વીટ દ્વારા માહિતી આપી હતી કે ભારત અને પાકિસ્તાન વચ્ચે રાતભર લાંબી વાતચીત બાદ બંને દેશો સંપૂર્ણ યુદ્ધવિરામ પર સંમત થયા છે. તેમણે બંને દેશોને સમજદારીપૂર્વક નિર્ણયો લેવા વિનંતી કરી.

વિક્રમ મિશ્રીએ યુદ્ધવિરામ વિશે કહ્યું
વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનના ડીજીએમઓએ આજે ​​15:35 વાગ્યે ભારતીય ડીજીએમઓને ફોન કર્યો હતો. તેઓ સંમત થયા હતા કે બંને પક્ષો ભારતીય સમય મુજબ સાંજે 5 વાગ્યાથી જમીન, હવા અને સમુદ્ર પર તમામ ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરશે. બંને પક્ષોને આ કરારનો અમલ કરવા સૂચના આપવામાં આવી છે. તેઓ 12 મેના રોજ બપોરે 12 વાગ્યે ફરી વાત કરશે.

ઇશાક ડારે યુદ્ધવિરામ વિશે કહ્યું
પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે કહ્યું પાકિસ્તાન અને ભારત તાત્કાલિક અસરથી યુદ્ધવિરામ પર સંમત થયા છે. પાકિસ્તાન હંમેશા તેની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા સાથે સમાધાન કર્યા વિના આ ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા માટે પ્રયત્નશીલ રહ્યું છે.

બુધવારે રાત્રે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર સાથે વાત કરી હતી. તેમણે બંને દેશોને તણાવ ઓછો કરવા અને દક્ષિણ એશિયામાં શાંતિ સ્થાપિત કરવા માટે સાથે મળીને કામ કરવા અપીલ કરી.

આતંકવાદની નિંદા કરી, પણ ભારતને સંયમ રાખવા કહ્યું. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટેમી બ્રુસે કહ્યું કે માર્કો રુબિયોએ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારાઓ માટે ફોન પર જયશંકરને સંવેદના વ્યક્ત કરી. તેમણે કહ્યું કે આતંકવાદ સામે અમેરિકા ભારતની સાથે છે. જોકે તેમણે ભારતને આ હુમલા માટે પાકિસ્તાનને દોષી ઠેરવવામાં અને બદલો લેવાની માંગ કરવામાં સાવધાની રાખવાની સલાહ પણ આપી.

દરમિયાન ટેમી બ્રુસે કહ્યું કે વડા પ્રધાન શરીફ સાથે ફોન પર વાતચીત દરમિયાન રુબિયોએ પાકિસ્તાનને 22 એપ્રિલના રોજ કાશ્મીરમાં થયેલા હુમલાની નિંદા કરવા અને તપાસમાં સહયોગ કરવા કહ્યું. અમેરિકાના વિદેશ મંત્રીએ પાકિસ્તાની અધિકારીઓને આ હુમલાની તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવા વિનંતી કરી હતી.

Most Popular

To Top