નડિયાદ: નડિયાદમાં વધુ એક સગીરા પર દુષ્કર્મના કેસને મામલે પોક્સો કોર્ટે આરોપીને 10 વર્ષ કેદની સજા ફટકારી છે. સાથે 10 હજાર રૂપિયાનો દંડ ભરવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત ભોગબનનારને વળતર પેટે 1 લાખ રૂપિયા આપવાનો હુકમ કર્યો છે.
મળતી માહિતી પ્રમાણે, વસો તાલુકાના દેગામમાં રહેતો આરોપી અજય ઠાકોર ઉર્ફે પકો હાથનોલી રોડ પાસેના વિસ્તારમાંથી સગીરાને ભગાડી ગયો હતો. આરોપીને ખબર હતી સગીરા ફક્ત 14 વર્ષની છે. તેમ છતાં તેને ભગાડી ગયો હતો.
સગીરાને ખેડા અને હરિયારા ગામની વચ્ચે આવેલા વાત્રક નદીના પટમાં ગાંડા બાવળના ગુફા જેવા ધુંગામાં લઈ ગયો હતો. જ્યાં તેણે સગીરાની મરજી વિરુદ્ધ આશરે 13 દિવસ સુધી તેના પર દુષ્કર્મ ગુજાર્યો હતો. જેની ફરિયાદ નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં IPC કલમ 363, 366 અને 376 અને પોક્સો કલમ હેઠળ નોંધવામાં આવી હતી.
આ કેસની સુનાવણી ખેડા જિલ્લાની સ્પેશિયલ કોર્ટમાં થઈ હતી. જેમાં 13 જેટલા પુરાવા અને 9 સાક્ષીઓ દ્વારા આરોપીનો ગુનો સાબિત થતાં તેને 10 વર્ષની સખત કેદની સજા અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
અને જો દંડ ન ભરે તો આરોપીની 6 માસની કેદ વધારવાનો આદેશ કરાયો હતો. આ કેસની સુનાવણી ખેડા જિલ્લાની સ્પેશિયલ કોર્ટમાં કરવામાં આવી હતી જેમાં કોર્ટ દ્વારા દાખલો બેસે તેવી સજા કરી હતી. ઉલ્લેખનિય છે કે આ વિસ્તારમાં અવાર-નવાર આવા કિસ્સાઓ બનતા રહે છે. જેથી તેઓને દાખલો બેસે તેવી સજા કોર્ટ દ્વારા કરવામાં આવી હતી