મંજૂરી પછી નિરીક્ષણ ભૂલાયું, 2025માં સામે આવ્યું ગેરકાયદેસર બિલ્ડિંગ
માર્જિનમાં બનેલી ઇમારત અંગે અનેક વખત ફરિયાદો કરવા છતાં કડક પગલાં ન લેવાયા
પૂર્વ વિસ્તારમાં આવેલા રૂપારેલ કાંસ નજીક, ઉદ્યોગ નગર તરફના માર્ગે છેલ્લા ચાર વર્ષથી ગેરકાયદેસર રીતે ઊભી થતી ત્રણ માળની મહાકાય બિલ્ડિંગ સામે હવે પાલિકા તંત્રએ અંતે કાર્યવાહી શરૂ કરી છે. આવા બાંધકામ માટે જરૂરી મંજૂરીઓ વિના બનતી આ ઇમારતના મામલે ટાઉન પ્લાનિંગ વિભાગની નકારાત્મક ભૂમિકા સામે હવે લોકોમાં ગુસ્સો ફાટી રહ્યો છે. ટાઉન પ્લાનિંગ વિભાગે આરંભથી જ આંખ મુકી દીધી હતી તેમ સ્થાનિકોનો આરોપ છે. માર્જિનમાં બનેલી આ ઇમારત અંગે અનેક વખત ફરિયાદો કરવા છતાં કડક પગલાં ન લેવાતા આસપાસના રહેવાસીઓમાં અસંતોષ ઊભો થયો હતો. શોકજનક બાબત એ છે કે બિલ્ડર ત્રણ માળ સુધીનું બાંધકામ કરી ચુક્યો ત્યાં સુધી ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ ઊંઘતા રહ્યા.
ટાઉન પ્લાનિંગ વિભાગ મુજબ, 23 નવેમ્બર, 2023ના રોજ બિલ્ડરને બાંધકામ માટે રજા ચિઠ્ઠી આપવામાં આવી હતી, પરંતુ એ પછી પણ ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા નિયમિત તપાસ ન કરાઈ અને બિલ્ડિંગ 2025 સુધી બેધડક ઊભી થઈ ગઈ. આ બાબત તંત્રની નિષ્ક્રિયતા પર સવાલ ઉભા કરે છે.
વધુમાં, 9 ઓગસ્ટ, 2024ના રોજ પાલિકા દ્વારા આગળના બાંધકામ પર મનાઈ ફરમાવાયા પછી પણ ઇમારત તોડી પાડવામાં વિલંબ થવો ટાઉન પ્લાનિંગ વિભાગના અભિગમને ખુલ્લું પાડે છે. ડેપ્યુટી ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર નિકુંજ દવેના જણાવ્યા અનુસાર, તોડફોડની કાર્યવાહી ચાર મહિના પહેલાં શરૂ કરાઈ હતી. પરંતુ બિલ્ડરે સમય માગતાં 30 દિવસ અને ત્યારબાદ ઇમ્પેક્ટની અરજી રદ થતાં વધુ 60 દિવસની મુદત આપવામાં આવી હતી. જોકે હવે લોકો પૂછી રહ્યાં છે કે આવા બાંધકામ માટે જવાબદાર અધિકારીઓ સામે કોઈ કાર્યવાહિ કેમ નહીં? આ સમગ્ર મામલો ન ફક્ત એક ગેરકાયદેસર બિલ્ડિંગનો છે, પણ સમગ્ર શહેરમાં ચાલતી એડમિનિસ્ટ્રેટિવ લાપરવાહીનો પણ છે. જો આવા બાંધકામો સામે સમયસર પગલાં ન લેવાય, તો શહેરના વિકાસ પર ભારે અસર પડી શકે છે અને નાગરિકોની સુરક્ષા પણ જોખમમાં પડે છે.