SURAT

સુરતની સરકારી સ્કૂલની સ્ટુડન્ટના ધો. 12 કોમર્સમાં 99.99 પર્સન્ટાઈલ, બે મહિના પહેલાં પિતાનું નિધન થયું હતું

સુરતઃ જીવનમાં ક્યારેક એવી પરિસ્થિતિઓ સર્જાતી હોય છે કે માનવી તૂટી જતો હોય છે, પરંતુ જે તૂટતાં નથી તે સફળતાનું સર્જન કરી શકે છે. આવું જ કંઈક સુરતના અમરોલી વિસ્તારમાં રહેતી પ્રેરણા ખટીકે કરી દેખાડ્યું છે. પ્રેરણાએ ધો. 12માં 99.99 પર્સન્ટાઈલ મેળવીને પોતાના જીવનને અન્યો માટે પ્રેરણાદાયી બનાવી દીધું છે.

પ્રેરણા ખટીકની સ્ટોરી અસામાન્ય એટલા માટે છે કારણ કે અન્ય વિદ્યાર્થીઓની જેમ તે કોઈ હાઈફાઈ સ્કૂલમાં ભણી નથી. પ્રેરણા અમરોલીની સરકારી શાળામાં ભણી છે. ગરીબી તો પ્રેરણાની કસોટી લઈ જ રહી હતી તેમાં બોર્ડ એક્ઝામના બે મહિના પહેલાં જ પિતાનું હાર્ટ એટેકથી નિધન થતાં ભાવનાત્મક રીતે પણ પ્રેરણા સામે પડકારો ઉભા થયા હતા.

પિતાનું મોત ભૂલી પરીક્ષાની તૈયારીઓ પર ધ્યાન આપવું સહેલું નહોતું, પરંતુ પ્રેરણાએ લાગણીઓને કોરાણે મુકી પરીક્ષાની તૈયારી કરી હતી, જેનું પરિણામ સફળતાના રૂપમાં સામે આવ્યું છે.

અમરોલીની સરકારી શાળા ગૌતમી વિદ્યાલય તથા શ્રધ્ધા ક્લાસીસમાં ભણતી પ્રેરણા ખટીક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે અને તેના પિતા પણ હયાત નથી આવી પરિસ્થિતિ હોવા છતાં પણ આ છોકરીએ સમગ્ર ગુજરાતમાં ટોપ કર્યું છે. ખટીક પ્રેરણાના પિતા રામપ્રસાદભાઈનું બોર્ડની એક્ઝામના બે મહિના પહેલા હાર્ટ એટેકથી અવસાન થયું હતું. તેમ છતાં પણ પ્રેરણાએ સમગ્ર ગુજરાતમાં ટોચનો ક્રમાંક હાંસલ કર્યો છે.

ગુજરાતી માધ્યમ સામાન્ય પ્રવાહ ધો. 12માં A-1 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થનાર પ્રેરણા ખટીકે 7 પૈકી 4 સબ્જેક્ટમાં 100માંથી 100 માર્ક્સ મેળવ્યા છે. તેણીએ ઈકોનોમિક્સ, ઓર્ગનાઈઝેશન ઓફ કોમર્સ, સ્ટેટેસ્ટિક્સ અને એકાઉન્ટ્સમાં 100માંથી 100 માર્ક્સ મેળવ્યા છે. કમ્પ્યૂટરમાં પણ 150માંથી 147 માર્કસ મેળવ્યા છે. ગુજરાતી તથા અંગ્રેજીમાં અનુક્રમે 93 અને 92 માર્ક્સ મેળવ્યા છે.

મૂળ રાજસ્થાની પરિવારની પ્રેરણા ખટીક સુરતના ઉત્રાણ વિસ્તારમાં આવેલી દેવીકૃપા સોસાયટીમાં રહે છે. તેણીએ કહ્યું કે, ગરીબી અને પિતાના નિધનના લીધે તકલીફો તો આવી પરંતુ મને વિશ્વાસ હતો કે હું સારું પરિણામ મેળવી શકીશ એટલે મહેનતમાં કસર કરી નથી. મારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) બનવું છે. તેની તૈયારી પણ શરૂ કરી દીધી છે.

Most Popular

To Top